મોબાઈલ ચોરી કરવાની નવી મોડસ-ઓપરન્ડીથી ખુદ પોલિસ પણ ચોંકી ગઈ
હોટલના રૂમમાં લઈ જઈ ગઠિયાએ મોબાઈલ ઝૂંટવી લીધો
(એજન્સી)અમદાવાદ, બાઈક પર ચિત્તાની ઝડપે આવીને મોબાઈલ ફોનની ચીલઝડપ થતી હોવાના અનેક કિસ્સા રોજબરોજ પોલીસે ચોપડે નોંધાતા હોય છે, પરંતુ પ્લાનિંગ સાથે હોટલમાં બોલાવીને મોબાઈલની ચીલઝડપ કરીને નાસી જવાનો કિસ્સો પહેલી વખત નોંધાયો છે. એક યુવકે વસ્ત્રાપુરના મોબાઈલ સ્ટોરમાંથી ૯૬ હજારનો મોબાઈલ ફોન ખરીદ કર્યાે હતો,
જેમાં ર૮ હજારનું ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું અને બીજા ૬૮ હજાર ડિલિવરી લઈને આવે ત્યારે આપવાનું કહ્યું હતું. કર્મચારી મોબાઈલ ફોન લઈ ચાંદખેડા ગયો ત્યારે યુવક તેના મિત્ર સાથે હોટલના રૂમમાં લઈ ગયો હતો. ત્યારબાદ મોબાઈલની ચીલઝડપ કરીને નાસી છૂટ્યો હતો. ચીલજડપની આ નવી-મોડસ ઓપરેન્ડી જાેઈ ખુદ પોલીસ પણ ચોંકી ઊઠી છે.
આરટીઓ સર્કલ નજીક આવેલા સહયોગ એપાર્ટમેન્ટમાં રહેતા અને વસ્ત્રાપુર ખાતે ઈન્દ્રપ્રસ્થ મોબાઈલ શોપ નામની દુકાન ધરાવતા અતીત શાહે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જયેશ દેસાઈ સહિત બે લોકો વિરૂદ્ધ નજર ચૂકવીને ચોરી કર્યાની ફરિયાદ કરી છે. અતીત શાહની નોકરીનો સમય સવાર ૧૧ વાગ્યાથી રાતના ૧૧ વાગ્યા સુધીનો છે.
ચાંદખેડામાં રહેતા જયેશ દેસાઈ નામના શખ્સે ઈન્દ્રપ્રસ્થ મોબાઈલ શોપમાંથી ૯૬ હજારની કિંમતનો સેમસંગ ફ્લિપ મોબાઈલ ખરીદ કર્યાે હતો. જયેશ દેસાઈએ ર૮ હજારનું ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું, જ્યારે બીજું પેમેન્ટ ૬૮ હજાર ડિલિવરી સમયે આપી દેવાનું કહ્યું હતું. મોબાઈલ શોપના માલિક સૌરભ ગુપ્તાએ કર્ચારી અતીત શાહને કહ્યું હતું કે આપણી દુકામાંથી જયેશ દેસાઈ, જે ચાંદખેડા રહે છે તેણે ફ્લિપ મોબાઈલ ખરીદ કર્યાે છે,
જેમાં તેની પાસેથી ૬૮ હજાર રૂપિયા લઈને મોબાઈલ આપી દેવાનો છે. તમે સાબરમતી રહો છો તો તે ત્યાં જઈને આપી દેજાે. સૌરભ ગુપ્તના કહ્યા પ્રમાણે અતીતે મોબાઈલ લઈ લીધો હતો અને જયેશ દેસાઈને આપવા માટે ચાંદખેડા પહોંચી ગયા હતા. અતીત શાહે જયેશ દેસાઈને ફોન કર્યાે તો તેણે જનતાનગર ખાતે આવેલી જય અંબે હોટલ પાસે આવીને ઊભા રહેવાનું કહ્યું હતું. અતીત શાહ જય અંબે હોટલ પાસે પહોંચી ગયા ત્યારે જયેશ દેસાઈ તેમને મળ્યો હતો
અને કહેવા લાગ્યો હતો કે અહીંયાં બેસો, હું પૈસા લઈ આવું છું. થોડા સમય પછી જયેશ દેસાઈ તેના મિત્રને લઈ આવ્યો હતો અને પૈસા આપવાના બહાને જય અંબે હોટલના રૂમમાં લઈ ગયો હતો.
અતીત કંઈ સમજે તે પહેલા જયેશ શાહ તેના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને નાસી ગયો હતો. અતીત શાહે તેનો પીછો કર્યાે હતો, પરંતુ બંને જણા નાસી છૂટતાં અંતે તેણે સૌરભ ગુપ્તાને ફોન કરીને હકીકત કહી હતી. સૌરભ ગુપ્તાએ કર્મચ રી અતીત શાહને પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી, જેથી અતીતે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી દીધો હતો. પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને અતીત શાહની ફરિયાદના આધારે જયેશ શાહ સહિત બે લોકો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યાે હતો.