આગામી કોમનવેલ્થ ગેમ્સના નવા સ્થળની જાહેરાત મે મહિનામાં થશે
ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાના સ્થાને નવા સ્થળ માટે ફેડરેશનની કવાયત
ગયા વર્ષે જુલાઈમાં વિક્ટોરિયા સ્ટેટે ૨૦૨૬ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન તરીકેનું પોતાનું નામ પરત ખેંચી લીધું હતું
નવી દિલ્હી,૨૦૨૬ની કોમનવેલ્થ ગેમ્સ માટેના યજમાનની જાહેરાત આવતા મહિને થવાની સંભાવના છે તેમ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને જાહેર કર્યું હતું. અગાઉ આ માટે ઓસ્ટ્રેલિયાના વિકટોરિયાની પસંદગી કરવામાં આવી હતી. જોકે હવે સ્થળ બદલવા માટે ઘણી દરખાસ્તો આવી હોવાનું પણ ફેડરેશને જણાવ્યું હતું. ફેડરેશને સોમવારે જણાવ્યું હતું કે અમને જે પ્રસ્તાવ મળ્યા છે જે ગુપ્ત રાખવામાં આવ્યા છે.
ગયા વર્ષે જુલાઈમાં વિક્ટોરિયા સ્ટેટે ૨૦૨૬ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન તરીકેનું પોતાનું નામ પરત ખેંચી લીધું હતું. તે વખતે તેમણે આયોજનની પડતર ખર્ચમાં વધારો થયો હોવાને કારણે આ નિર્ણય લીધો હતો. ત્યાર બાદ નવા યજમાનની હજી સુધી જાહેરાત કરાઈ નથી. ફેડરેશને સોમવારે જણાવ્યું હતું કે આ બાબતે નોંઘપાત્ર પ્રગતિ થઈ છે અને અમે આ બાબતે રોમાંચ અનુભવી રહ્યા છીએ કે અમને ઘણા પ્રસ્તાવ મળ્યા છે. આમ અમે ગેમ્સને ફરીથી જીવંત કરવા માટે આતુર છીએ.
આ અંગે અમે સામૂહિત રીતે કાર્યરત છીએ અને તેની સમીક્ષા થઈ રહી છે. હાલમાં અમારો ઇરાદો મે મહિનાના પ્રારંભમાં નવા સ્થળની જાહેરાત કરવાની યોજના છે તેમ ફેડરેશને ઉમેર્યું હતું. વિક્ટોરિયા સ્ટેટ ગેમ્સ ફેડરેશને સાથે વળતરના પેકેજ માટે સહમત છે જેનાથી તેમને આગામી ગેમ્સની યજમાનીમાં મદદ મળી રહેશે.
૨૦૧૮ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન ગોલ્ડ કોસ્ટને ૨૦૨૬ની ગેમ્સ માટે સંભવિત યજમાન તરીકે નક્કી કરવામાં આવ્યું છે પરંતુ તેઓ પર્યાપ્ત ફંડ એકત્રિત કરી શક્યા નથી. ફેડરેશને જણાવ્યું હતું કે હાલમાં તેઓ પડતર કિંમત ઘટાડવાના ઇરાદા સાથે ગેમ્સમાં પરિવર્તન કરવા પર ફોકસ કરી રહ્યા છે. ૧૯૩૦માં બ્રિટિશ એમ્પાયર ગેમ્સ તરીકે સીડબ્લ્યુજીનો પ્રારંભ થયો હતો.ss1