મહિલાઓને પગભર બનાવવાનું ઉમદા કાર્ય સખી મંડળ થકી થઇ રહ્યું છે : પ્રફુલ પાનસેરિયા
(પ્રતિનિધિ) ગાંધીનગર, ગ્રામ્ય કક્ષાના જીવનને ઘબકતું રાખવાનું અને મહિલાઓને પગભર બનાવવાનું ઉમદા કાર્ય સખી મંડળ થકી થઇ રહ્યું છે, તેવું આજરોજ ગાંધીનગર ખાતે યોજાયેલ સ્વ- સહાય જૂથ માટેના કેશ ક્રેડિટ કેમ્પમાં રાજયના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનસેરિયાએ જણાવ્યું હતું. રાજય શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનસેરિયાએ કેશ ક્રેડિટ કેમ્પનું દીપ પ્રાગટ્ય કરીને જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાની સખી મંડળની બહેનો સાથે સંકલન કરીને તેમને પગભર બનાવવાનો આ ઉમદા પ્રયાસ છે. મહિલાઓ કોઇપણ ઘરનો મુખ્ય આઘારસ્તંભ છે.
તેઓ શિક્ષિત અને પગભર હશે, તો તે ઘર ખૂબ ઝડપી સાઘન-સંપન્ન થશે. તેમણે ઉપસ્થિત તમામ મહિલાઓને દીકરા- દીકરી વચ્ચે ભેદ ન રાખી બન્નેને સમાન શિક્ષણ આપવા માટે પણ અપીલ કરી હતી. ગ્રામ્ય જીવનની અને તેની સંસ્કૃતિનો મને ખ્યાલ છે, તેવું કહી રાજય શિક્ષણ મંત્રી પાનસેરિયાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય જીવનમાં માનવતાનો અહેસાસ થાય છે.
એક ઘરે આવેલ દુઃખ અને સુખના પ્રસંગને સૌ કોઇ સહભાગી બને છે. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વમાં અબ્રાહ્મ લિંકન, ભારતના રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામ અને હાલના દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી જેવા અનેક લીડરનું જીવનનું ઘડતર ગ્રામ્ય કક્ષાએ થયું છે. આ દુનિયામાં કોઇપણ કામ અશક્ય નથી, તેવું કહી તેમણે સખી મંડળની બહેનોને જણાવ્યું હતું કે, મહિલાઓને પગભર બનાવવા માટે આ સરકારના શાસનમાં અનેક મહિલાલક્ષી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. જેના થકી અનેક મહિલાઓ પગભર બની છે. આ સરકારના શાસનમાં માનવતા સાથે અંત્યોદય વ્યક્તિના વિકાસને ઘ્યાનમાં રાખી યોજનાઓનું અમલીકરણ સુચારું રીતે કરવામાં આવી રહ્યું છે.
આજે ગાંધીનગર ખાતે યોજાયેલ સ્વ- સહાય જૂથો માટેનો કેશ ક્રેડિટ કેમ્પ ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના ૧૦૭ જેટલા સ્વ-સહાય જૂથોને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. આ સ્વ સહાયજૂથનો માટે રૂપિયા ૧ કરોડ ૫૫ લાખથી વઘુની સહાયની મંજૂર કરવામાં આવી છે. આ પ્રસંગે મંત્રી અને મહાનુભાવોના હસ્તે ૧૦ સ્વ સહાય જૂથનોને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ બીસી સખી નિમણુંક પત્ર આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યો હતા. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.કે.પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વેશ વ્યાસે કર્યું હતું. આ પ્રસંગે રાજયસભાના સાંસદ નરહરિભાઇ અમીન, ગાંધીનગર(ઉ)ના ઘારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઇ પટેલ, ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ સહિત વિવિઘ સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી.