Western Times News

Gujarati News

દૂધ અને દૂધ ઉત્પાદક ઓપરેટર્સ માટે સજાનો આંક બે વર્ષમાં 552થી ઉછળીને 7,109 પર પહોંચી ગયો

પ્રતિકાત્મક

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને લેખિત જવાબમાં રાજ્યકક્ષાના મત્સ્ય, પશુ સંવર્ધન અને ડેરીઉદ્યોગ મંત્રીએ આપેલી માહિતી

 એપ્રિલ 2, 2025: દેશમાં દૂધ અને દૂધની પેદાશોમાં નિયમભંગ બદલ કસૂરવાર ફૂડ ઓપરેટર્સને કરાતી સજા અને દંડનો આંક બે વર્ષના સમયગાળામાં જ 13 ગણો વધી ગયો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (FSSAI) પૂરી પાડેલી વિગતો અનુસાર, વર્ષ 2021-22માં દૂધ અને દૂધની પેદાશોના કુલ 552 ઓપરેટર્સને નિયમભંગ બદલ સજા અને દંડ કરવામાં આવ્યા હતા. જો કે, વર્ષ 2022-23ના અંતે આ આંક વધીને 6,953 કેસનો થઈ ગયો હતો અને 2023-24નું વર્ષ પૂર્ણ થતા સુધીમાં તો તે 7,109 થયો હતો.

આ પ્રકારે જ, આવા ઓપરેટર્સ સામે કરાયેલા કેસની સંખ્યા પણ 2021-22માં 3,959 હતી તે 2022-23માં 10,381 અને 2023-24ના અંત સુધીમાં વધુ ઉછાળા સાથે 14,384 પર પહોંચી ગઈ છે. રાજ્યકક્ષાના કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરીઉદ્યોગ મંત્રી, પ્રો. એસ.પી.સિંઘ બઘેલે રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં 2 એપ્રિલ, 2025ના રોજ રાજ્યસભામાં આ માહિતી પ્રસ્તુત કરી હતી.

મંત્રીશ્રીએ જણાવેલી વિગતો અનુસાર, દેશમાં દૂધાળા ઢોરની સંખ્યામાં પણ સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. ભારતમાં દૂધાળા ઢોરની કુલ સંખ્યા 2021-22માં 14.50 કરોડની હતી જે 2023-24ના અંતે વધીને 15.58 કરોડે પહોંચી ગઈ હતી. બીજીતરફ ગુજરાતમાં પણ દૂધાળા ઢોરની સંખ્યા આ સમયગાળા દરમિયાન 93 લાખથી વધીને 96 લાખને પાર કરી ચૂકી છે.

આ નિવેદનમાં એવો પણ ઉલ્લેખ કરાયો હતો કે, ડેરીઉદ્યોગમાં સહકારી મંડળીઓ દ્વારા પ્રવાહી દૂધના વેચાણનો આંક વર્ષ 2021-22માં દૈનિક 390.86 લાખ લિટર હતો તે 2023-24ના અંતે વધીને દૈનિક 438.25 લાખ લિટરે પહોંચી ગયો છે. જ્યારે ગુજરાતની વાત કરીએ તો, રાજ્યમાં સહકારી મંડળીઓ દ્વારા વેચાતા પ્રવાહી દૂધનો આંક વર્ષ 2021-22માં દૈનિક 60.44 લાખ લિટર હતો તે 2023-24માં વધીને દૈનિક 65.84 લાખ લિટરે પહોંચ્યો હતો.

મંત્રીશ્રીએ વધુમાં એમ પણ કહ્યું હતું કે, રાજ્ય સકારો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના ફૂડ સેફ્ટી કમિશનર્સના માધ્યમે FSSAI દ્વારા FSS ધારાને લાગુ કરીને તેનું અમલીકરણ પણ કરાવવામાં આવ્યું છે. FSSAI દ્વારા FSS (ફૂડ પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ફૂડ એડિક્ટિવ્સ) રેગ્યુલેશન્સ, 2011 હેઠળ વિવિધ ડેરીપેદાશો અને એનાલોગ્સ માટે માપદંડોનું જાહેરનામું બહાર પડાયું છે.

ડેરીપેદાશોનું હાઈ-રિસ્ક ફૂડ કેટેગરીમાં વર્ગીકરણ કરાયું છે. FSSAI અનુસાર, આખા વર્ષ દરમિયાન નિયમિત સર્વેલન્સ, મોનિટરિંગ અને ઈન્સ્પેક્શન ઉપરાંત યાદચ્છિક (રેન્ડમ) નમૂના લેવાની કામગીરી હાથ ધરાય છે.

શ્રી નથવાણી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન દેશમાં જપ્ત કરાયેલી નકલી ડેરીપેદાશોની વિગતોની સાથે દૂધાળા ઢોરની સંખ્યા તથા દૂધ અને ડેરીપેદાશોના વેચાણમાં થયેલી વૃદ્ધિની વિગતો પણ જાણવા માગતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.