ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં નાના ઉદ્યોગકારોની સંખ્યા 13 લાખથી વધીને 20 લાખ સુધી પહોંચી: ઉદ્યોગ મંત્રી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી પહેલોના પરિણામે અનેક યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળ્યું: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
અમેરિકા જેવા વિકસિત દેશો પણ આજે ભારતના ઉત્પાદનો આયાત કરીને તેનો ઉપયોગ કરી રહ્યા છે: શ્રી ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયો “ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમ”
Ø મુખ્યમંત્રીશ્રીએ ૮,૩૦૦થી વધુ ઉદ્યોગ સાહસિકોને વિવિધ યોજના હેઠળ કુલ રૂ. ૩,૬૩૦ કરોડથી વધુની સહાય અર્પણ કરી
Ø ભરૂચ, પોરબંદર અને બનાસકાંઠા જિલ્લાના GIDC વિસ્તારની વિવિધ માળખાકીય સુવિધાઓનું ઈ–લોકાર્પણ
Ø ગુજરાત સરકાર અને ક્રેડીટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર મીડીયમ એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝ (CGTMSE) વચ્ચે રૂ. ૨૫ કરોડના સમજૂતી કરાર સંપન્ન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં રાજ્યના ઉદ્યમીઓનું ઉત્સાહવર્ધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી વિવિધ પહેલોના પરિણામે ભારતના અનેક યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળ્યું છે. તેના પરિણામે આજે અનેક વૈશ્વિક ઉદ્યોગો ઉપરાંત લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો વિકાસ પામી રહ્યા છે.
આ સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આજે ભારતના ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત ઉત્પાદનોની વિશ્વભરના દેશોમાં નિકાસ થઇ રહી છે. અમેરિકા જેવા દેશો પણ આજે ભારતના ઉત્પાદનો આયાત કરીને તેનો ઉપયોગ કરી રહ્યા અને અર્થમાં વડાપ્રધાનશ્રીની “એક ઇન ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડ”ની વિભાવનાને ચરિતાર્થ કરી રહ્યા છે.
ગાંધીનગર ખાતે યોજાયેલા “ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમ”માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉદબોધન કરી રહ્યા હતા. આ વેળાએ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ લઘુ ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ૮,૩૦૦થી વધુ ઉદ્યોગ સાહસિકોને વિવિધ યોજના હેઠળ કુલ રૂ. ૩,૬૩૦ કરોડથી વધુની સહાય, ભરૂચ, પોરબંદર અને બનાસકાંઠા જિલ્લાના GIDC વિસ્તારની વિવિધ માળખાકીય સુવિધાઓનું ઈ-લોકાર્પણ, સાણંદ GIDC ૨.0ની વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટેના ભંડોળની ફાળવણી તેમજ વિવિધ ઉદ્યોગ કાઉન્સિલોનો શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ગુણવત્તા રથને ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ ૫૦ દિવસ સુધી ગુજરાતના તમામ જિલ્લામાં ફરીને નાના-મોટા ઉદ્યોગોની મુલાકાત લઈને ઉદ્યોગોમાં ગુણવત્તા કેળવવા બાબતે જાગરૂકતા ફેલાવશે.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ઉત્પાદનોની ગુણવત્તા અંગે જણાવ્યું હતું કે, ગુજરાત અને દેશના ઉદ્યોગો સમગ્ર વિશ્વ માટે ઉત્પાદનો ઉત્પાદિત કરતા હોય ત્યારે, તેની ગુણવત્તા અચૂકપણે શ્રેષ્ઠ હોવી જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં છેલ્લા ચાર વર્ષથી પ્રથમ છે. સાથે જ, મહિલા ઉદ્યોગ સાહસિકોની સંખ્યામાં પણ ગુજરાતમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે દેશના GDPમાં ગુજરાતનો ફાળો ૮.૩ ટકા જેટલો છે, વર્ષ ૨૦૩૦ સુધીમાં તેને ૧૦ ટકા સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર સાથે સૌ ઉદ્યોગ સાહસિકોએ પણ સહભાગી થવાનું છે.
વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે જે પ્રકારે ખેડૂતોને રાજ્ય સરકાર દિવસે વીજળી પૂરી પાડે છે, તેવી જ રીતે આગામી સમયમાં ગ્રીન એનર્જી અને સોલાર એનર્જી ઉદ્યોગોને અવિરતપણે મળી રહે તે દિશામાં ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઉદ્યોગોની સ્થાપના માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ઘડાયેલી ઉદ્યોગ ફ્રેન્ડલી નીતિઓના પરિણામે છેલ્લા બે દાયકામાં ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે રોલ મોડલ રાજ્ય બન્યું છે. ગુજરાતની આ નીતિઓના પરિણામે છેલ્લા બે વર્ષમાં નાના ઉદ્યોગકારોની સંખ્યા ૧૩ લાખથી વધીને ૨૦ લાખ સુધી પહોંચી છે. આજે દેશમાંથી થતી કુલ નિકાસમાં ગુજરાતનો ફાળો ૩૩ ટકા જેટલો છે. આ ઉપરાંત વિશ્વની સૌથી મોટી ૫૦૦ કંપનીઓ પૈકીની ૧૦૦ કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કર્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે. જેને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. જેનાં પરિણામે આજે ગુજરાતમાં રોકાણ માટે આવતા ઉદ્યોગો માટે માત્ર છ દિવસમાં જમીન ફાળવણી અને ૬૦ દિવસમાં ભૂમીપૂજન થઇ શકે તે પ્રકારની ફાસ્ટટ્રેક વ્યવસ્થાઓ વિકસાવાઈ છે. રાજ્યના નાના ઉદ્યોગકારો ક્લસ્ટર બનાવીને કોમન ફેસીલીટીનો ઉપયોગ કરીને લોજીસ્ટીક ખર્ચ ઘટાડવા માટે મંત્રીશ્રીએ આહ્વાન કર્યું હતું.
ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવતા ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ના માર્ગદર્શનમાં ગુજરાત આજે લાખો યુવાનોના સપના સાકાર કરતું રાજ્ય બન્યું છે.
રાજ્યમાં અનેક સાહસિકોએ નવા ઉદ્યોગો શરૂ કરીને લાખો પરિવારોને રોજગારી આપીને તેમના સપનાં સાકાર કરવામાં મદદ કરી છે. આજે ઉદ્યોગ ક્ષેત્ર માત્ર પુરુષો પુરતું સીમિત નથી રહ્યું. રાજયની અનેક ઉદ્યોગલક્ષી યોજનાઓના અમલીકરણથી મહિલાઓ પણ બિઝનેસ વુમન બની તેમના પરિવારને મદદ કરી આત્મનિર્ભર બની રહી છે. ઉદ્યોગ સાહસિકોની તમામ પ્રકારની ચિંતા અને મુશ્કેલીને સમજીને નવા વિચારો સાથે ઉદ્યોગ વિભાગ કાર્ય કરી રહ્યું છે.
લઘુ ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત બનવા અને એક્સપોર્ટમાં અગ્રેસર રહેવા માટે મેન્યુફેક્ચરીગ, સર્વિસીસ અને પ્રોડક્ટમાં સારી ગુણવત્તા ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાનશ્રીએ ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જેને પરિપૂર્ણ કરવા ઉદ્યોગોની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. ગુજરાતે સેક્ટર સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડિક્લેર કર્યો છે અને રાજ્યમાં વિવિધ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી પણ અમલી બનાવી છે, ત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં ક્વોલિટી-ગુણવત્તાનો સૌથી મહત્વનો ફાળો રહેલો છે. આજે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત ૨૧ કરતા વધુ પોલિસી ધરાવતું દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે.
આ સમારોહ દરમિયાન રાજ્ય સરકાર અને ક્રેડીટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર મીડીયમ એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝ (CGTMSE) વચ્ચે રૂ. ૨૫ કરોડના કોર્પસ ફંડ માટે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતની કેટલીક ઉદ્યોગલક્ષી યોજનાઓના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો અને સફળતા અંગે પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે સ્ટાર્ટઅપ્સ અને નાના ઉદ્યોગકારો દ્વારા લગાવવામાં આવેલા પ્રદર્શનની મુલાકાત લઈ તેમના ઉદ્યોગો તેમજ ઉદ્યોગની સફળતામાં રાજ્ય સરકારની ભૂમિકા વિશે માહિતી મેળવી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ શ્રી મમતા વર્મા, ક્વોલીટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન શ્રી જક્ષય શાહ ઉપરાંત રાજ્ય સરકારના અધિકારી-કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉધોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.