અમદાવાદમાં ર૦ર૩ની સરખામણીમાં ર૦ર૪ના વર્ષમાં કુતરા કરડવાના કેસમાં લગભગ ર૧ ટકાનો વધારો
ભારતમાં સ્ટ્રીટ ડોગની સંખ્યા ૬ કરોડથી વધુ હોવાનો અંદાજ -દેશમાં કુતરા કરડવાનાં લાખો કેસ) હડકવાથી ભારતમાં મૃત્યુ દર વધારે, ગોંડલમાં હડકાયા શ્વાને ૧૦ લોકોને બચકાં ભર્યા, શિયાળામાં કુતરા કરડવાની ઘટના વધારે જોવા મળે છે
નવી દિલ્હી, શિયાળામાં કાતિલ ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે મોડી રાત્રે કે વહેલી સવારે કામ-ધંધેથી પરત ફરતા લોકોને એક ડર સતાવતો હોય છે. કુતરાઓની ટોળી અર્થાત્ શ્વાનની ટોળી પાછળ પડે ત્યારે મુશ્કેલીભર્યુ વાતાવરણ સર્જાય છે. સ્ટ્રીટ ડોગને કારણે માત્ર ભારત નહિ વિશ્વના અનેક દેશોમાં સમસ્યા સર્જાય છે. ભારતમાં સ્ટ્રીટ ડોગ અર્થાત્ રસ્તે રખડતા શ્વાનોની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં રસ્તે રખડતાં શ્વાનોની સંખ્યા લગભગ ૬ કરોડ કરતા વધારે છે.
ભારત વિશ્વમાં સ્ટ્રીટ ડોગની બાબતમાં દ્વિતીયક્રમે છે જયારે ચીન અંદાજે ૭ કરોડ સ્ટ્રીટ ડોગ સાથે પ્રથમ ક્રમે છે ભારતમાં રસ્તે રખડતા શ્વાનોને લોકો પરંપરાગત માન્યતાઓ તથા પ્રાણી પ્રત્યે સહાનુભૂતિની ભાવના ધરાવે છે પરિણામે તેઓ શ્વાનોને રોટલી, બિસ્કીટ, દૂધ જેવી ખાવાની ચીજવસ્તુઓ આપે છે. જેને કારણે સ્ટ્રીટ ડોગ સચવાઈ જાય છે પરંતુ રસ્તે રખડતા શ્વાન ઘણી વખત આતંક ફેલાવી દે છે.
તાજેતરમાં ગુજરાતમાં શ્વાન દ્વારા લોકોને બચકાં ભરવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. તાજેતરમાં ગોંડલમાં આવેલા કાશી વિશ્વનાથ રોડ પર ખાનગી હોસ્પિટલ પાસે ૧૦થી વધુ લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા હતા. છેલ્લા એક-બે મહિનાથી ગોંડલમાં શ્વાનનો તરખાટ જોવા મળી રહયો છે.
અમદાવાદ જેવા શહેરમાં ર૦ર૩ની સરખામણીમાં ર૦ર૪ના વર્ષમાં કુતરા કરડવાના કેસમાં લગભગ ર૧ ટકાનો વધારો થયો હતો આમ કુતરા કરડવાની સમસ્યા મોટી છે તો હડકવા થયેલા હડકયા શ્વાન પણ કરડે છે જેની સારવાર લેવી પડતી હોય છે. દેશમાં ર૦ર૪ના ઓકટોબર મહિના સુધીમાં કુતરા કરડવાના અંદાજે ર લાખ કરતા વધુ કેસ નોંધાયા હોવાનું અનુમાન છે.
સ્ટ્રીટ ડોગને ખાવાનું ન મળે કે હેરાન- પરેશાન કરવામાં આવે તો તે આવતા જતા લોકો પર ગુસ્સો નીકાળી પાછળ દોડે છે. શિયાળામાં રાત્રીના સમયે કુતરા કરડવાના કિસ્સા વિશેષ જોવા મળે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા પ્રમાણે ભારતમાં હડકાયેલા શ્વાન કરડવાના કિસ્સા વધારે નોંધ પર આવ્યા છે જેને કારણે વર્ષે દહાડે મોટી સંખ્યામાં અર્થાત અંદાજે ૧૦ થી ૧પ હજાર લોકો ઘાયલ થાય છે અગર તો તેમાંથી મૃત્યુ પણ મોટા પ્રમાણમાં થાય છે.
સ્ટ્રીટ ડોગની સમસ્યા મોટી છે. દેશમાં કરોડોની તેની સંખ્યા છે તેને નિયંત્રિત કરવા માટે સરકાર પગલાં લઈ રહી છે પરંતુ સ્ટ્રીટ ડોગ પ્રત્યે લોકોને લાગણી- સહાનુભૂતિ જોવા મળે છે જોકે ઘણા કિસ્સામાં સ્ટ્રીટ ડોગ તેના માલિક પ્રત્યે વફાદારી પણ બતાવે છે સ્ટ્રીટ ડોગ માટે શેલ્ટર હોમ પણ છે પરંતુ કરોડોની સંખ્યામાં રસ્તે રખડતા શ્વાનોને સાચવવા કેવી રીતે તે મોટો પ્રશ્ન છે.