ડાયમંડ બુર્સની ઓફિસનો ભાવ 8 હજારથી વધી 23 હજાર સ્કે. ફૂટ
સુરત ડાયમંડ બુર્સની ઓફિસોના ભાવમાં ર૯૩% નો તોતિંગ વધારો
સુરત, સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થાય તે પહેલાં જ ઓફિસોના ભાવમાં ર૯૩ ટકાનો વધારો થયો છે. ૮ હજાર બેઝ પ્રાઈઝ સામે હરાજીમાં એક ઓફિસ ર૩ હજાર રૂપિયા સ્કવેર ફુટે વેચાઈ છે.
સુરત ડાયમંડ બુર્સનું સંપૂર્ણ કામ પૂર્ણ થઈ ગયું છે. હીરા ડાયમંડ બુર્સમાં ૪ર૦૦ જેટલી ઓફિસો છે આગામી ૧૭મી નવેમ્બરથી સુરત ડાયમંડ બુર્સમાં કામ કાજ શરૂ થશે અને ત્યારબાદ ૧૭મી ડીસેમ્બરના રોજ પીએમ મોદી દ્વારા સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવામાં આવશે.
દરમિયાન બુર્સના બાંધકામ દરમિયાન જ વેપારીઓ હીરા ઉદ્યોગમાંથી નીકળી ગયા હતા અથવા પેમેન્ટની ચુકવણી કરી શકયા ન હતા તેવી ઓફિસો ડાયમંડ બુર્સ કમિટીના કબજામાં હતી. ડાયમંડ બુર્સ શરૂ થાય તે પહેલા બાકી રહેલી આ ઓફિસો માટે હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત ડાયમંડ બુર્સના બાંધકામ દરમિયાન બેઝ પ્રાઈઝ ૮ હજાર રૂપિયા સ્કવેર ફુટ હતી, પરંતુ હરાજીમાં ૪૦થી વધારે ઓફિસનું વેચાણ થયું હતું. જેમાં સ્કવેર ફુટ દિઠ ૧પપ૦૦થી લઈને ર૩પ૦૦ રૂપિયાના ભાવે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ વેચાઈ હતી.