Western Times News

Gujarati News

પાલનપુરની આ કંપનીમાં રોકાણકારોના 80 કરોડથી વધુ ફસાયા

પાલનપુરમાં એકના ડબલની લાલચ આપી રોકાણકારો સાથે રૂ.૩૯ લાખની ઠગાઈ

પાલનપુર, પાલનપુરમો હેડ ઓફિસ ધરાવતી અને ર૦૦ દિવસમાં પૈસા ડબલ કરી આપવાની લાલચ આપીને રોકાણ કરાવતી વધુ એક ફ્રોડ કંપનીનું ઉઠમણું થયું છે. સીઆઈડી ક્રાઈમમાં રોકાણકારોએ રૂપિયા ૩૯ લાખની છેતરપિંડી આચરી હોવા અંગે ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

બીજી તરફ ગુનો દાખલ થતાં જ ફ્રોડ સંચાલકો તેઓની હેડ ઓફિસને તાળાં મારીને રફુચક્કર થઈ ચુક્યા છે. આ ફ્રોડ કંપનીમાં બનાસકાંઠા સહિત ગુજરાતભરના લોકોની અંદાજિત રૂ.૮૦ કરોડથી વધુની રકમ ફસાઈ હોવાનું રોકાણકારો જણાવી રહ્યાં છે.

પાલનપુરમાં આવેલ એસ૯ કોમ્પલેક્ષમાં નાઉ સ્ટારવે ટીચ ઈન્ડીયા મેનેજમેન્ટ કન્સલ્ટન્સી નામની કંપનીએ ઓફિસ શરૂ કરી હતી. બેંકની જેમ કામ કરતી આ ઓફિસમાંથી સુત્રધાર નિરંજન શ્રીમાળી અને તેના મળતીયાઓ દ્વારા લોકોને ર૦૦ દિવસમાં તેઓના પૈસા ડબલ કરી આપવાની સ્કીમો સમજાવીને રોકાણ કરવા જણાવવામાં આવતું હતું.

છ માસથી કાર્યરત ઓફિસ થકી બનાસકાંઠા જિલ્લા સહિત રાજયના અન્ય જિલ્લાઓ મળી અનેક રોકાણકારોએ કંપનીમાં અંદાજીત રૂ.૮૦ કરોડથી વધુની રકમનું રોકાણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. ર૦૦ દિવસ બાદ જેણે પોતાના પૈસાનું રોકાણ કર્યું હતું તેઓ પાલનપુર ખાતેની ઓફિસે પહોંચ્યા હતા ત્યારે ઓફિસની શટરે ખંભાતી તાળુ મારેલું જોવા મળતાં તેઓ ચોંકી ઉઠયા હતા

જેથી તેમની સાથે મોટો ફ્રોડ થયો હોવાનો અહેસાસ થતાં અનેક રોકાણકારોએ પોતાની સાથે રૂ.૩૯ લાખથી વધુ છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ ક્રાઈમબ્રાંચમાં કરી છે અને તેના આધારે તપાસ કરી રહી છે. આ કંપનીનો મુખ્ય ઠગ એસટી વિભાગ સાથે સંકળાયેલા છે

જેને નોકરી કરવાની જગ્યાએ ઠગાઈ કરવાનો પ્લાન ઘડી પાલનપુરમાં ઓફિસ ખોલી લોકોને ભોળવ્યા છે. લોકોમાં ચર્ચિત વાત મુજબ આ ઠગોએ પોતાના મળતિયા ઘરના સભ્યો તેમજ મિત્રો નામે કોમર્શિયલ તેમજ રેસિડન્ટ મિલકત ખરીદી પૈસા સેફ અને સગેવગે કર્યા છે જેથી પોલીસ દ્વારા આ દિશામાં પણ તપાસનો દોર શરૂ કરાશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.