મોડાસાના બ્રેઇનડેડ યુવકનું અંગદાન ચાર વ્યક્તિઓના જીવનમાં અજવાસ પાથરી ગયુ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૨ મું અંગદાન-બ્રેઇનડેડ જયદિપસિંહ ચૌહાણના અંગદાનમાં હ્રદય, બે કિડની અને એક લીવરનું દાન મળ્યું
બે કિડની અને લીવરને મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૨ મું અંગદાન થયું છે. ૧૯ વર્ષના યુવકને માર્ગ અકસ્માત નડતા તે સારવાર દરમિયાન બ્રેઇનડેડ થયા હતા. પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો અને રીટ્રાઇવલની સમગ્ર પ્રક્રિયાના અંતે ચાર અંગોનું દાન મળ્યું.
મોડાસાના જયદિપસિંહ ચૌહાણને ૭ સપ્ટેમ્બરના રોજ મુસાફરી દરમિયાન માર્ગ અકસ્માત નડ્યો.આ માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી. ઇજાઓ વધુ ગંભીર હોવાના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે તેઓને લાવવામાં આવ્યા.
અહીં તબીબોની ત્રણ દિવસની અથાગ મહેનત બાદ પણ અંતે પ્રભુને ગમતુ જ થયું. કદાચિત વિધાતાએ જયદિપસિંહ માટે આ જીંદગી ૧૯ વર્ષની જ લખી હતી. વિધાતાની શ્યાહીથી લખાયેલ લેખ પરિણામે જ થયું. તબીબોએ ૧૦મી સપ્ટેમ્બરની રાત્રે તેઓને બ્રેઇનડેડ જાહેર કર્યા.
બ્રેઇનડેડ જાહેર થતા સિવિલ હોસ્પિટલની અંગદાનની ટીમના કાઉન્સેલર્સ દ્વારા તેમના પરિવારજનોને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા.અંગદાન અંગે અગાઉથી જાગૃતિ અને સમજણ ધરાવતા ચૌહાણ પરિવારે પરોપકાર અને ઉમદા ભાવ સાથે ૧૯ વર્ષના બ્રેઇનડેડ દિકરાનું અંગદાન કરવાનો નિર્ણય કર્યો.
પરિવારજનોનો અંગદાન પાછળનો ભાવ જરૂરિયાતમંદોને નવજીવન બક્ષવાનો હતો. અંગદાનના નિર્ણય બાદ જયદિપસિંહને રીટ્રાઇવલ માટે લઇ જવાયા. અંદાજીત ૮ થી ૧૦ કલાકની ભારે જહેમતના અંતે હ્રદય, બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.
તેમના અંગદાનમાં મળેલા ચારેય અંગોને અમદાવાદ સિવિલ મેડિસીટીની જ યુ.એન.મહેતા હોસ્પિટલ અને કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં એક જ છત્ર હેઠળ અંગોના રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ બની છે. જેણે અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની સમગ્ર પ્રક્રિયાને અસરકારક બનાવી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં ૧૩૨ અંગદાન થયા છે. જેમાં મળેલા ૪૨૫ અંગોએ ૪૦૮ લોકોને નવજીવન આપ્યું છે. વધુમાં ૧૦૪ આંખોનું દાન પણ મળ્યું છે. અત્યારસુધીમાં ૨૩૨ કિડની, ૧૧૪ લીવર, ૩૮ હ્રદય, ૨૪ ફેંફસા, ૯ સ્વાદુપિંડ, ૬ હાથ અને બે નાના આંતરડાનો સમાવેશ થાય છે. -અમિતસિંહ ચૌહાણ