આખું વર્ષ ફળ આપતું વૃક્ષ એટલે પપૈયાનું વૃક્ષ

કેરી પછી સમૃદ્ધ ફળોની યાદીમાં બીજા નંબરે આવે છે પપૈયા
(વડોદરા, તા.૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૫ બુધવાર) કહેવત છે ને, “ઘર કા ભુલા શામ કો લૌટ આયેગા”. બધાએ સાંભળી જ હશે. પરંતુ એ કહેવત અહીં કેવી રીતે લાગુ પડે તે જાણીએ. તો સરકાર શ્રી દ્વારા શરૂ કરવામાં આવેલા આપણા સૌના કલ્યાણ માટે અને ધરતીમાતાના કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિના પ્રયોગને સૌ કોઈ અપનાવી રહ્યા છે. જેમ કે પહેલા રાસાયણીક ખાતરથી ખેતી કરતા ત્યારે કેટલુ નુકસાન થતું તે હવે લોકોને ધીમે ધીમે સમજાઈ રહ્યું છે. આથી રાસાયણીક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિનો માર્ગે અપનાવી રહ્યા છીએ.
સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઈને તેમના સહયોગથી જન-જીવન અને જમીનના આયુષ્યની સુરક્ષા માટે પ્રાકૃતિક ઢબે વિવિધ પ્રકારના શાકભાજી, ફળો, અને પાકનું વાવેતર કરતા થયા છે. તો આજે આપણે વાત કરીશું પ્રાકૃતિક ઢબે પપૈયાનું વાવેતર કઈ રીતે કરી શકાય
કેરી પછી પપૈયા સમૃદ્ધ ફળોની યાદીમાં બીજા નંબરે આવે છે. પપૈયા અનેક રીતે ઔષધીય અને ઉપયોગી ફળ છે. આ ઉપરાંત પપૈયા આખું વર્ષ ફળ આપે છે. પપૈયાની વિવિધ જાત જોઈએ તો મધુ બિંદુ, સિલેક્શન-૭, સિલોન, કુર્ગ, હનીડ્યું, પુસા ડેલીશિયસ, પુસા મેજેસ્ટી, પુસા જાયન્ટ સહિતની પ્રજાતિના પપૈયા હોય છે.
પપૈયાનું વાવેતર:
પપૈયાની વાવણી બીજથી કરવામાં આવે છે. તેના માટે ઉત્તમ પ્રકારની જાતના પપૈયા બીજ વાવવા જોઈએ. પપૈયાના બીજ સીધા નક્કી કરેલી જગ્યા ઉપર લગાવી શકાય છે. તેનો રોપ કરવાની કોઈ જરૂર નથી. જો પપૈયાનો રોપ બનાવવો હોય, તો પહોળા ક્યારા ઉપર ૪.૫ ફૂટના અંતરે ચાસ કાઢો જેમાંથી ૧.૫ ફૂટનો ચાસ બનશે અને ૩ ફૂટનો બેડ બનશે. બેડ ઉપર ૩-૩ ઇંચના અંતરે માટીમાં પહોળી રેખાઓ બનાવો અને તે રેખાઓમાં બીજ માવજત કરેલા બીજને વાવો. તે બીજોને ત્યાંની જ માટીથી ઢાંકી રાખો, તેની ઉપર જીવામૃત છાંટીને કાષ્ટ આચ્છાદન કરી દો.
આચ્છાદન ઉપર એટલું પાણી છાંટો કે, બીજના અંકુરણ માટે તેને પૂરતો ભેજ મળી જાય, સવાર સાંજ દરરોજ આચ્છાદન ઉપર પાણી તથા જીવામૃતનો છંટકાવ કરતા રહો. ૧૫ થી ૨૦ દિવસની અંદર અંકુરણ થઈ જશે. અંકુરણ પછી આચ્છાદન હટાવી દો, અને પછી ચાસ દ્વારા પાણીમાં જીવામૃત ભેળવીને પિયત કરો. છંટકાવ કરવા માટે જીવામૃતનું પ્રમાણ ૧૦ લીટર પાણીમાં ૩૦૦, ૪૦૦ અથવા ૫૦૦ મી.લી. રાખો. તેનાથી ઉત્તમ પ્રકારના સશક્ત રોપ તૈયાર થશે. એક એકર જમીનમાં ૨૦૦ થી ૨૫૦ ગ્રામ બીજ પૂરતા છે. પપૈયાનાં બીજમાં અંકુરણ ક્ષમતા ૪૫ દિવસ હોય છે. તેથી પપૈયાનાં બીજ આટલી સમય મર્યાદામાં અથવા જલદી વાવી દેવા જોઈએ.
સહજીવી આંતરપાક:
પપૈયા પોતે જામફળ, સંતરા, મોસંબી, ચીકુ, લીચી વગેરેમાં આંતર પાક છે. તેથી તેનું ઉત્પાદન તેની સાથે જ આંતરપાકના રૂપમાં લેવું વધુ ઉપયોગી છે. પપૈયાની સાથે સરગવો, તુવેર, એરંડા, મરચી, આદુ, હળદર, ચોળા, ડુંગળી, ગલગોટા, ટમેટા, રીંગણ, અડદ, ગુવાર તેમ જ વેલા પ્રકારના બધા જ પ્રકારની શાકભાજી લઈ શકાય.
વાવણી:
જમીનની ખેડ કર્યા પછી કોઈપણ સાધન દ્વારા બે ફૂટના અંતરે ચાસ બનાવો. ૮ ફૂટમાં ૪ ચાસ આવી જશે. ચાસની સંખ્યા એકમાં ૮ અથવા નક્કી કરેલા અંતરે બીજ વાવી દો અથવા રોપ વાવી દો. ચાસની બંને બાજુના ઢાળ ઉપર ડુંગળીનો રોપ વાવી દો. બે પપૈયાની વચ્ચે એક નંબરના ચાસમાં સરગવો વાવો અને પપૈયાથી ૮ ફૂટના અંતરે કાઢવામાં આવેલા બીજા ચાસમાં બે પપૈયાની વચ્ચે તુવેર લગાવો. પપૈયાના એક ચાસમાં સરગવો અને બીજા ચાસમાં તુવેર તેવા ક્રમમાં આગળ આગળ વાવતા જાઓ. ચાસ નંબર ૨ અને ૪ની બંને બાજુના ઢાળ ઉપર ચોળા, મરચી અને ગલગોટા વાવો. ચાસ નંબર ત્રણમાં બધા જ પ્રકારના વેલાવાળી શાકભાજી લગાવો. આવી જ રીતે આ જ ક્રમમાં પૂરી જમીન ઉપર વાવેતર કરો.
આચ્છાદન:
બે પપૈયાની વચ્ચે જે ચાસ બનાવવામાં આવી છે તે ચાસની બંને બાજુ આચ્છાદન પાથરી રાખો. તેના માટે આપણા અંતર પાકો પણ સજીવ આચ્છાદન બનીને જમીનને ઢાંકી દેશે, જેના લીધે નિંદામણ ઊગશે નહીં અને જે ઊગે તેને ઉપાડીને તે જ જગ્યાએ આચ્છાદનના રૂપમાં નાખી દો. જ્યારે આંતર પાકનું આયુષ્ય પુરું થઈ જાય, ત્યારે તે કાષ્ટ આચ્છાદનના રૂપમાં પરિવર્તિત થઈ જશે. તેની સાથે સાથે તે આંતરપાકના સ્થાન ઉપર ફરી વખત ઋતુ પ્રમાણે આંતર પાકનાં બીજ વાવી દો. જેથી ફરી સજીવ આચ્છાદન અને તે પાકી જતા કાષ્ટ આચ્છાદન મળતું રહેશે.
પપૈયા વર્ષ દરમિયાન 3 વાર વાવી શકાય જેમકે, ૧. જૂન, જુલાઈ, ૨. સપ્ટેમ્બર, ઓક્ટોબર અને ૩. જાન્યુઆરી, ફેબ્રુઆરી.
પપૈયાના છોડ ઉપર જ્યાં સુધી ફૂલ આવતા નથી ત્યાં સુધી તેની નર કે માદા તરીકે ઓળખ મળતી નથી. એટલા માટે નક્કી કરેલા સ્થાન ઉપર એકના બદલે ૨ થી ૪ બીજ અથવા છોડ લગાવવા જોઈએ. બે છોડવાઓ અથવા બીજની વચ્ચેનું અંતર ૧૦ સે.મી. રાખો. છોડ વાવ્યાના ૪ થી ૬ મહિના પછી ફૂલ આવવાનાં શરૂ થાય છે. નર છોડ ઉપર લાંબી દાંડી લાગે છે અને તે દાંડી ઉપર સફેદ, પીળા રંગના ફૂલ લાગે છે. આવા નર છોડવાઓને થડમાંથી કાપીને હટાવી દો. ફક્ત પરાગનયન માટે પ%-૭% નર છોડવાઓ પૂરા બગીચામાં રહેવા દો.
પપૈયાના છોડવામાં ૧૦-૧૧ મહિનામાં ફળ આવવાં શરૂ થઈ જાય છે. અને ૧૪ મહિના સુધીમાં ફળ પાકી જાય છે. મોટાભાગે એક સ્થાન ઉપર બહુ જ ફળ આવે છે. તે ફળોમાંથી અમુક ફળોની છાંટણી કરી દો, નહીંતર નાના અને અપરિપક્વ ફળ મળશે.
પાક સુરક્ષા:
જ્યારે વરસાદનું પાણી અથવા સિંચાઈનું પાણી ફળની પાસે વધારે પ્રમાણમાં જમા થઈ જાય છે ત્યારે રોગો અને કીટક આવે છે. તેથી આ સમસ્યાને દૂર કરવા નિમાસ્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ર, છાશ, સૂંઠાસ્ત્રનો છંટકાવ કરતા રહો.