યુવતીએ ઇરાન મોકલાવેલું પાર્સલ ૨૦ લાખમાં પડ્યું!
અમદાવાદ, સાયબર ક્રાઇમ કરતા ગઠિયાઓ રોજબરોજ નતનવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને લોકો પાસે છેતરપિંડી કરી રહ્યાં છે. ત્યારે શહેરમાં આવો વધુ એક ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી એક સોફ્ટવેર એન્જિનિયર યુવતી પાસેથી ગઠિયાઓએ રૂપિયા ૧૯.૯૪ લાખની છેતરપિંડી કરી છે.
યુવતીએ ઇરાન મોકલાવેલ ડ્રગ્સના પાર્સલમાં એમડી ડ્રગ્સ હોવાનું કહીને ગઠિયાઓએ મુંબઇ અંધેરી ઇસ્ટ સાયબર ક્રાઇમની ઓળખ આપીને ફોન કર્યો હતો. બાદમાં યુવતીને મની લોન્ડરીંગના કેસમાં ફસાવવાનું કહીને યુવતીના બેંકની વિગતો માંગી લીધી હતી.
ગઠિયાઓએ તેના નામે લોન લઇ લીધી હતી. સેટેલાઇટ વિસ્તારમાં રહેતી અને સોફ્ટવેર એન્જિનિયરીંગનું કામ કરતી યુવતીને ૨૨મી ડિસેમ્બરના દિવસે સવારે ૯ વાગ્યાની આસપાસ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં તેને જણાવવામાં આવ્યું હતું કે તમે એક પાર્સલ મુંબઇથી ઇરાન મોકલાવેલ છે.
જે પાર્સલમાં એક્ષ્પાયર પાસપોર્ટ નંગ ૫ , ૪ ક્રેડીટ કાર્ડ, ૨ કિ.ગ્રા કપડા અને ૪૫૦ એમડી ડ્રગ્સ ભરેલ છે. કોલ કરનાર શખ્સે પોતાનું નામ હર્ષવર્ધન જણાવ્યું હતું.
જો કે યુવતીએ આ પાર્સલ મોકલાવ્યું ના હોવાનું કહેતા ગઠીયાએ ફોન મુંબઇ અંધેરી ઇસ્ટ સાયબર ક્રાઇમ ખાતે ફરિયાદ કરવાનું કહ્યુ હતું અને ફોન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફોરવર્ડ કર્યો હતો. કોલ ફોરવર્ડ થતા યુવતી સાથે એક મહિલાએ વાત કરી હતી.
જેણે પોતાની ઓળખ મહિલા ઇન્સપેક્ટર તરીકે આપી હતી. મહિલા ઇન્સપેક્ટરે સ્કાયપી એપ્લીકેશન પરથી મુંબઇ સાયરબર ક્રાઇમ ઇસ્ટ સર્ચ કરીને તેના પર વાત કરવાનું જણાવ્યુ હતું. સ્કાયપી એપ્લીકેશન પરથી યુવતીએ મુંબઇ સાયબર ક્રાઇમ ઇસ્ટ સર્ચ કરતા લોગીન થયુ હતું, જેમાં પોલીસનો લોગો પણ હતો.
સ્કાયપી એપ્લીકેશનથી યુવતીએ તેની સાથે વીડિયો કોલ પર વાત કરી હતી પરંતુ સામેથી પોતાનો ચહેરો બતાવ્યો નહીં. કોલ ઉપાડનાર ગઠીયાએ યુવતી પાસેથી આઇડીપ્રુફ તેમજ આધારકાર્ડની કોપી પણ માંગી હતી. યુવતીએ સ્કાયપી એપ્લીકેશન મારફતે આધારકાર્ડની કોપી પણ મોકલી આપી હતી.
આધારકાર્ડ મોકલ્યા બાદ ગઠીયાઓએ યુવતીને કહ્યુ હતું કે આ આધારકાર્ડ ઉપર ઘણા બધા બેંક એકાઉન્ટ ઓપન થયા છે. જેમાં મની લોન્ડ્રીગનો કેસ થયો છે. ગઠીયાએ યુવતીને ડરાવી હતી કે, તમારુ આધાર કાર્ડ ઘણી બધી ઇલીગલ એક્ટીવીટીમાં ઉપયોગ થયુ છે.
ગઠીયાએ યુવતીને અજાણ્યા શખ્સોના ફોટો બતાવ્યા હતા. જેમાં સંખ્યાબંધ હથિયાર અને પૈસા હતા. યુવતીને હથિયાર તેમજ પૈસાના કેસમાં ઇન્વોલમેન્ટ હોવાનું કહેતા તે ગભરાઇ ગઇ હતી. ગઠીયાએ યુવતીને સમજાવી હતી કે તમારુ આ કેસમાં સંડોવણી ના હોય તો તમારે નોન ક્લીયરીન્સ સર્ટીફીકેટ લેવું પડશે. જેથી તમારી બેંકની ડીટેલ જણાવી પડશે. બેંકની વિગતો આપશો તો અમે તમારી મદદ કરી શકીશુ.
ગઠીયાએ યુવતી પાસેથી બેંકના સ્ટેટમેન્ટ માંગ્યા હતા. જેથી યુવતીએ તમામ સ્ક્રીનશોર્ટ પાડીને મોકલી આપ્યા હતા. બાદમાં યુવતીએ તેનું નેટબેંકીગ સહિતની વિગતો મહિલા ઇન્સપેક્ટર તેમજ ગઠીયાને આપી દીધી હતી.
ત્યારબાદ મહિલા ઇન્સપેક્ટરે યુવતીને ધમકી આપી હતી કે મની લોન્ડીંગ કેસમાં વીસ વર્ષની સજા પડી શકે છે, જો તમારે આ કેસમાંથી બચવુ હોય તો પોલીસની મદદ કરવી પડશે જેથી તમે સવાલ કરતા નહી માત્ર પ્રોસીઝર ફોલો કરજો. ગભરાયેલી યુવતીએ મહિલા ઇન્સપેક્ટરની વાત માની લીધી હતી અને આઇસીઆઇસીઆઇમાં નેટબેંકીગ લોગીન કર્યુ હતું.
ગઠીયાએ નેટ બેંકીંગ લોગીન સમય આવેલો ઓટીપી માંગતા યુવતીએ તે આપી દીધો હતો. ઓટીપી આપતા યુવતીના મોબાઇલ પર ૧૯.૯૪ લાખ રૂપિયા ક્રેડીટ થયા હોવાનો મેસેજે આવ્યો હતો. બેંકમાં રૂપિયા જમા થતા યુવતીએ મહિલા ઇન્સપેક્ટરને પુછ્યુ હતું કે આ રૂપિયા ક્યાથી આવ્યા છે તો તેણે જવાબ આપ્યો હતો કે આ રૂપિયા અમારા ડિપાર્ટમેન્ટ દ્રારા મોકલવામાં આવ્યા છે.
મહિલા ઇન્સપેક્ટરે આ રૂપિયાને પંજાબ બેંકમાં ટ્રાન્સફર કરવાનું કહેતા યુવતીએ ટ્રાન્સફર કરી દીધા હતા. ૧૯.૯૪ લાખ ટ્રાન્સફર થતાની સાથે જ મુંબઇ સાયબર ક્રાઇમ ઇસ્ટનું સ્કાયપીનું એકાઉન્ટ બંધ થઇ ગયુ હતું. જેથી યુવતીએ તપાસ કરાવી તો ખબર પડી કે ગઠીયાઓએ ઓનલાઇન વીસ લાખ રૂપિયાની પર્સનલ લોન લઇને તેને પંજાબ નેશનલ બેંકમાં ટ્રાન્સફર કરાવી દીધી છે. યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દીધી હતી. જે મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.SS1MS