Western Times News

Gujarati News

હેરાન થઈ મુસાફરી કરવી પડતાં પેસેન્જરે રેલવે સામે કર્યો કેસ

Western Railway Ahmedabad

વર્ષ ૨૦૧૭માં ટ્રેનમાં કરી હતી મુસાફરી-૨૦૨૩માં મળ્યું રિફંડ–તત્કાલમાં સેકન્ડ એસીની ટિકિટ બુક કરાવી, પરંતુ ટ્રેન સ્ટેશન પર આવી ત્યારે તેમાં સેકન્ડ એસીનો એકેય કોચ જ નહોતો!

આગ્રા,  સરકારી તંત્રની ભૂલની સજા સામાન્ય માણસને ભોગવવાની આવે ત્યારે અધિકારીઓ ભાગ્યે જ પોતાની ભૂલને સ્વીકારવા માટે તૈયાર થતા હોય છે. ઉત્તરપ્રદેશમાં રહેતા મુન્નાલાલ અગ્રવાલ સાથે કંઈક આવું જ થયું હતું, જેમને ૪૪૦ રૂપિયા રેલવે પાસેથી પાછા લેવા માટે પાંચ વર્ષ સુધી કોર્ટના પગથીયા ઘસવા પડ્યા હતા.

જાેકે, પાંચ વર્ષની લડાઈ અને ૪૫ સુનાવણી બાદ આખરે ૬૩ વર્ષના મુન્નાલાલ અગ્રવાલને ન્યાય મળ્યો છે. આગ્રામાં રહેતા મુન્નાલાલ અગ્રવાલની રેલવે સાથેની લડાઈ ૨૦૧૭માં શરૂ થઈ હતી. તેમણે બાંદા જંક્શનથી આગ્રા કેન્ટોનમેન્ટ સ્ટેશન જવા માટે ઉત્તર પ્રદેશ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં તત્કાલ ક્વોટામાં સેકન્ડ એસીની ટિકિટ બુક કરાવી હતી ને તેના માટે રૂ. ૧૫૭૦ ભાડું ચૂકવ્યું હતું. જાેકે, મુન્નાલાલ અગ્રવાલ રેલવે સ્ટેશન પહોંચ્યા અને જ્યારે તેમની ટ્રેન આવી ત્યારે ઘણી ભાગદોડ કર્યા બાદ પણ તેમને ટ્રેનમાં સેકન્ડ એસીનો કોચ ક્યાંય મળ્યો જ નહોતો.

ટ્રેન ઉપડે તે પહેલા મુન્નાલાલ તે દિવસે જે કોચમાં જગ્યા મળી તેમાં બેસી ગયા હતા, પરંતુ જ્યારે તેમણે ટીટીઈને વાત કરી ત્યારે તેમને ખબર પડી હતી કે આ ટ્રેનમાં તો સેકન્ડ એસી કોચ છે જ નહીં! ટીટીઈએ મુન્નાલાલને થર્ડ એસી કોચમાં એક બર્થ ફાળવી હતી, જેનું ભાડું સેકન્ડ એસીની સરખામણીમાં ૪૪૦ રૂપિયા ઓછું હતું. જાેકે, તે ટ્રેનના થર્ડ એસી કોચમાં પણ ત્યારે ખૂબ જ ભીડ હતી, તેમને જે બર્થ ફાળવવામાં આવી હતી

ત્યાં પહેલાથી જ એક વ્યક્તિ હતો જેથી મુન્નાલાલને પોતાની મુસાફરી પૂરી કરવામાં ખાસ્સી અગવડનો સામનો કરવો પડ્યો હતો. અધૂરામાં પૂરૂં તે વખતે તેમની તબિયત પણ ખરાબ હતી, તેમણે ટીટીઈને પોતાને યોગ્ય બર્થ આપવા માટે રજૂઆત પણ કરી હતી જાેકે ટિકિટ ચેકરે તેમને સરખો જવાબ નહોતો આપ્યો. ગમે તેમ કરીને પોતાની મુસાફરી પૂરી કર્યા બાદ મુન્નાલાલ અગ્રવાલે રેલવેને પત્ર લખીને પોતાને ૪૪૦ રૂપિયા પરત કરવા માટે માગ કરી હતી.

જાેકે, રેલવેએ તેમની ઓનલાઈન કે પછી પત્ર લખીને કરવામાં આવેલી ફરિયાદોનો કશોય જવાબ જ નહોતો આપ્યો. કંટાળેલા મુન્નાલાલે ત્યારબાદ ૨૮ નવેમ્બર ૨૦૧૭ના રોજ નોર્થ સેન્ટ્રલ રેલવેઝને લીગલ નોટિસ મોકલી હતી, જાેકે તેનો પાંચ મહિના પછી જે જવાબ આવ્યો તે મુન્નાલાલ માટે ચોંકાવનારો હતો. ૧૦ એપ્રિલ ૨૦૧૮ના રોજ મુન્નાલાલને રેલવેને જે પત્ર મળ્યો હતો તેમાં એવું લખ્યું હતું કે ૪૪૦ રૂપિયા પાછા માગવાનો તેમનો દાવો જ ખોટો છે, એટલું જ નહીં થર્ડ એસી કોચમાં મુન્નાલાલને થયેલી તકલીફો અંગેની ફરિયાદને માનવાનો પણ ઈનકાર કરી દીધો હતો.

અનેક ફરિયાદો અને લીગલ નોટિસ મોકલ્યા બાદ પણ રેલવે તરફથી કોઈ ઢંગનો જવાબ ના અપાતા આખરે મુન્નાલાલ અગ્રવાલે સપ્ટેમ્બર ૨૦૧૮માં આગ્રાની જિલ્લા ગ્રાહક સુરક્ષા અદાલતમાં રેલવે સામે કેસ ફાઈલ કર્યો હતો. રેલવેએ ગ્રાહક સુરક્ષામાં આ કેસ ના ચાલે તે માટે પૂરા પ્રયાસ કર્યા હતા અને આ મામલો રેલવે ક્લેઈમ્સ ટ્રિબ્યૂનલને મોકલવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

જાેકે, મુન્નાલાલ અને તેમની ટીમે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને આ કેસને ગ્રાહક સુરક્ષા અદાલતમાં જ ચલાવાય તેવી માગ કરી હતી. આ કેસ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પાંચ વર્ષ ચાલ્યો હતો અને તેની તેની ૪૫ સુનાવણી બાદ કોર્ટે રેલવેને મુન્નાલાલને સાત ટકા વ્યાજ સાથે ૪૪૦ રૂપિયા તેમજ પેસેન્જરને થયેલી તકલીફ બદલ અલગથી ૮,૦૦૦ રૂપિયા ચૂકવવા આદેશ કર્યો હતો. રેલવે જાે કોર્ટના ઓર્ડરના ૪૫ દિવસની અંદર મુન્નાલાલને પૈસા નહીં ચૂકવે તો તેને નવ ટકા વ્યાજ સાથે પૈસા ચૂકવવા પડશે તેમ પણ કોર્ટે જણાવ્યું છે.

એક સમયે મીઠાઈ અને બિસ્કિટનો ધંધો કરતા મુન્નાલાલ અગ્રવાલ માટે ૬૩ વર્ષની ઉંમરે રેલવે સામે કેસ લડવાનું તેમજ કોર્ટના ધક્કા ખાવાનું જરાય આસાન નહોતું પરંતુ તેઓ આ લડાઈ ૪૪૦ રૂપિયા પાછા લેવા નહીં પણ પોતાના હક્ક માટે લડ્યા હતા. અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા મુન્નાલાલે જણાવ્યું હતું કે તે દિવસે ટ્રેનમાં તેમની માફક બીજા પણ ઘણા પેસેન્જર્સ હતા કે જેમણે સેકન્ડ એસીની ટિકિટ લીધી હતી પરંતુ તેમને થર્ડ એસીમાં મુસાફરી કરવી પડી હતી. તેમણે કહ્યું હતું કે રેલવેને પોતાની જવાબદારીનું ભાન કરાવવા માટે આ લડાઈ જરૂરી હતી. આ લડાઈ લાંબી અને થકવી દેનારી હતી, પરંતુ તેના અંતે પોતાનો વિજય થતાં મુન્નાલાલ ઘણા ખુશ છે.

રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ના હોવાના કારણે પોતાને કોચમાંથી કૂદવાની ફરજ પડતાં ઈજાગ્રસ્ત થયેલા એક મુસાફરને ૩૦ હજાર રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે. ડિસેમ્બર ૨૦૨૧ની આ ઘટનામાં કે.વી. રમેશ નામના મુસાફર નવજીવન એક્સપ્રેસમાં ચેન્નઈથી અંકલેશ્વર આવી રહ્યા હતા. સેકન્ડ એસી કોચમાં મુસાફરી કરી રહેલા આ મુસાફર અંકલેશ્વર સ્ટેશન પર ઉતરવા ગયા ત્યારે તેમનો કોચ પ્લેટફોર્મથી દૂર લાગેલો હોવાથી તેમને કૂદકો મારવો પડ્યો હતો અને તેના કારણે તેમને ઈજા થઈ હતી.

આ મામલે રમેશે ચેન્નઈની ગ્રાહક સુરક્ષા અદાલતમાં રેલવે સામે કેસ કરીને યોગ્ય સર્વિસ ના આપવાનો આરોપ મૂકી વળતરની માગ કરી હતી. રેલવેએ આ કેસમાં કોર્ટમાં એવો જવાબ રજૂ કર્યો હતો કે આ ઘટના બની ત્યારે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મનું કામ ચાલી રહ્યું હતું જે ઓક્ટોબર ૨૦૨૨માં પૂરૂં થયું હતું. જાેકે, રેલવે દ્વારા કરાયેલી રજૂઆતનો અસ્વીકાર કરીને ગ્રાહક સુરક્ષા અદાલતે ૩૦ ઓક્ટોબરના રોજ ફરિયાદીને ૨૫ હજાર રૂપિયા વળતર અને પાંચ હજાર કાયદાકીય ખર્ચ પેટે એમ કુલ ૩૦ હજાર રૂપિયા ચૂકવવા માટે આદેશ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.