દારૂની બદી બાબતે આ ગામના લોકો ટુંક સમયમાં લોકઆંદોલન કરશે
બાયડ તાલુકાના રૂઘનાથપુર ગામે દેશી-વિદેશી દારૂની રેલમછેલની લોક ફરિયાદ
(પ્રતિનિધિ)બાયડ, બાયડ તાલુકાના પશ્ચિમ ગાળામાં આવેલા આંબલીયારા પોલીસ મથકના રૂઘનાથપુર વિસ્તારમાં દેશી વિદેશી દારૂની રેલમછેલમાં યુવાધન બરબાદ થઈ રહ્યાની લોક ફરિયાદો ઉભી થવા પામી છે પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો મોટું લોકઆંદોલન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક સૈફાલી બરવાલ દેશી વિદેશી દારૂના ચલણ પર અંકુશ મુકવા માટે કટિબદ્ધ છે ત્યારે તેનાથી ઉલટી ગંગા બાયડ તાલુકાના આંબલીયારા પોલીસ મથક વિસ્તારના સંપૂર્ણ બક્ષીપંચની વસ્તી ધરાવતા રૂઘનાથપુર વિસ્તારમાં જાેવા મળી રહી છે.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ રૂગનાથપુર વિસ્તારમાં કુખ્યાત ત્રણ બુટલેગરો દ્વારા ચાની કીટલીની જેમ દારૂના સ્ટેન્ડ ચલાવવામાં આવી રહ્યાની લોક ફરિયાદો સાંભળવા મળી રહી છે રોજ સાંજ પડે દારૂના બંધાણીઓ દારૂના નશામાં છાકટા બની જાય છે. આ વિસ્તારનું યુવાધન નશાના રવાડે ચડી બરબાદ થઈ રહ્યાની લોક ચર્ચાઓ ચોરેને ચૌટે સાંભળવા મળી રહી છે ઓબલીયારા પોલીસે સતર્ક થઈ રૂઘનાથપુર વિસ્તારમાં ફેલાયેલી દારૂની બધી નેસ્તનાબૂદ કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.