પહેલી જ વાર ચોરી કરવા નિક્ળ્યો અને 78 લાખનો હાથ માર્યો
પાવાગઢના મંદિરમાંથી આભૂષણો ચોરી કરનાર ઝડપાયો
(એજન્સી)પાવાગઢ, વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિરમાં માતાજીના આભૂષણોની ચોરી થઈ હતી. જે તે સમયે ચોરીની આશંકા જતાવાઈ હતી. કારણ કે, મંદિરમાં સામાન વેરવિખેર પડ્યો હતો. આ મામલે પાવાગઢ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી.
તપાસને અંતે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પાવાગઢના મહાકાળી મંદિરમાંથી છ હાર અને અન્ય ધાતુના બે મુગટ ચોરી થયા હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને જિલ્લા એસઓજી, એલસીબી સહિત અન્ય પોલીસ મથકોની અલગ અલગ છથી સાત ટીમો બનાવીને સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેÂક્નકલ ઈન્ટેલિજન્સીની મદદથી વિદુર ચંદ્રસિંહ વસાવાની ધરપકડ કરવામાં આવી. જે મુળ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નસરપુરનો વતની છે. તેની પાસેથી ૭૮ લાખની રકમના સોનાના છ હાર અને સોનાના ઢાળ ચડાવેલા બે મુગુટ પણ જપ્ત કરાયા છે. આરોપીએ ચોરી કરેલો સામાન એક ટ્રકમાં સંતાડ્યો હતો તેવો ખુલાસો થયો છે.
પોલીસ પુછપરછમાં આરોપીએ દાવો કર્યો છે કે તેણે પહેલી જ વાર જ ચોરી કરી છે. આ તમામ મુદ્દે સવાલ એ થાય છે કે, મંદિરમાં ભારે સુરક્ષા વ્યવસ્થા છે. સીસીટીવી કેમેરા અને પોલીસનો બંદોબસ્ત હોવા છતાં ચોર મંદિરમાં પ્રવેશ્યો કેવી રીતે? અને ચોરીને અંજામ આપી ભાગવામાં પણ સફળ કેવી રીતે થયો? આ સમગ્ર ઘટના મંદિરની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલ ઉભા કરે છે.