વિકાસની પોલ ચોમાસામાં ખુલ્લી પડે છેઃ દર વર્ષે રસ્તા બને-દર વર્ષે ધોવાય
દરેક વિસ્તારમાં નવા રસ્તા ચોમાસામાં ધોવાઈ જાય, દિવાળી પહેલા નવા બને
સુરેન્દ્રનગર, જિલ્લા મથક સુરેન્દ્રનગરના વિકાસ માટે નેતાએ કયારેય ધ્યાન આપ્યું નથી. તેમાં રસ્તાનો પ્રશ્ન તો સનાતન છે. દર વર્ષે નવા બને અને દર વર્ષે એ જ રસ્તા તૂટે, એ ક્રમ વર્ષોથી ચાલ્યો આવે છે.
દર ચોમાસામાં થોડો વરસાદ પડે કે તુરંત જ રસ્તા તૂટવાનું ચાલુ થાય વિકાસના કામે આખુ વર્ષ રસ્તા જ બને. પણ દર વર્ષે વિકાસની પોલ ચોમાસામાં ખુલ્લી પણ પડે. મોટાભાગના રસ્તા અતિ બિસ્માર હાલતમાં છે. સત્તાવાળાઓ મોટી મોટી જાહેરાત કરે, પણ રસ્તા બાબત કયારેય કોઈ બોલતું નથી. દર ચોમાસામાં શહેરીજનોને બિસમાર રસ્તા અને પાણી ભરાવાાની સમસ્યાનો સામનો કરવો જ પડે તેવી હાલત છે.
રસ્તા બનાવવામાં શહેરીજનોના કરની મોટાભાગની રકમ વપરાઈ જાય છે સુરેન્દ્રનગર શહેરમાં ઓછોમાં ઓછો વરસાદ જિલ્લાની સરખામણીમાં પડે છે છતાં રસ્તા ધોવાઈ જાય છે જાે ભારેથી અતિ ભારે વરસાદ પડે તો કેવી હાલત થાય તેની કલ્પના પણ થઈ શકે તેમ નથી.
નવા રસ્તા બનવા અને તૂટવા એ જ શહેરના વિકાસની પરંપરા છે. અમુક રસ્તા નવા બન્યા હોય ત્યાં થોડા જ સમયમાં ખોદકામ પણ થઈ જાય છે. પીવાના પાણી માટે પાઈપલાઈનનું કામ કરવામાં આવે ત્યારે એટલી હદે નબળું કામ થાય છે કે અવારનવાર લાઈન પૂટે છે.
પાઈપલાઈન તૂટે ત્યારે નવો રસ્તો ખોદવામાં આવે, યોગ્ય રીતે બુરાણ ન થાય તેના કારણે ખાડા ખબડાથી લોકો પરેશાન થાય, ફરી પાછો એ રસ્તો નવો બનાવવામાં આવે કે ચોમાસાના નજીવા વરસાદમાં ધોવાઈ જાય.
નગરપાલિકાએ એક ખાસ ટીમ પાણી લીકેજ માટે રાખી છે. ટાંકી ચોક, જવાહર ચોકમાં પાઈપલાઈનનું કામ કરાયા બાદ આડેધડ બુરાણ કરાયું તેના કારણે ફૂટપાથ પાસે જ દુકાનદારો માટે મોટી સમસ્યા ઉભી થઈ. યોગ્ય રીતે બુરાણ કરાયું ન હોવાથી કાદવ, કીચડના થર જામ્યા છે.
દુકાનની પાસે જ પાણી ભરાતા વેપારીઓની હાલાકી પણ વધી. વિકસિત વિસ્તારમાં પણ આવી સમસ્યા છે તો છેવાડાના વિસ્તારની સમસ્યા અનેકગણી છે દર ચોમાસામાં કાયમ માટે પાણી ભરાયેલા રહે છે તેના કારણે મચ્છરોનો ત્રાસ વધ્યો છે રોગચાળાનો ભય છે. નગરપાલિકા દ્વારા ખાસ કરી છેવાડાના વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માગણી થઈ છે.
જિલ્લા મથકમાં વિકાસની માત્ર વાતો કરવામાં આવે છે. એક પણ વિસ્તારના લોકો સુધી વિકાસના ફળ પહોંચ્યા નથી. ચોમાસામાં બિસમાર રસ્તા, કાદવ કિચડની સમસ્યા દર વર્ષે રહે છે કોઈ કાયમી ઉકેલ સત્તાવાળાઓ દ્વારા લાવવામાં આવતો નથી.