પોલીસે ખચોખચ મજૂરો ભરીને જતી જીપો પરથી કઠેડા ઉતરાવવાની કામગીરી હાથ ધરી

વાહન ચાલકો દ્વારા ખીચોખીચ તેમજ ઉપર પણ મુસાફરો બેસાડાતા હોવાની રાવ
પાલનપુર, વડગામ તાલુકાના અંધારિયા ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજયા હતા જેના પગલે પોલીસ દ્વારા વાહનો ઉપરથી કઠેડા ઉતારવાની કામગીરી શરૂ કરાઈ છે તેમજ આગામી દિવસોમાં લોકોમાં ટ્રાફિક અંગેની જાગૃતિ લાવવાના પણ પ્રયાસો હાથ ધરાશે.
આ અંગે મળતી માહિતી મુજબ વડગામ તાલુકાના અંધારિયા ગામના પાટિયા પાસે રવિવારે વહેલી સવારે મજુરી અર્થે નીકળેલા યુવાનોની જીપ પલટી ખાઈ જતા સવાર બે મુસાફરોના કમકમાટી ભર્યા મોત થયા હતા તેમજ ૮થી વધુ મુસાફરોને ઈજાઓ થઈ હતી.
આ અંગેની ફરિયાદ વડગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ સોમવારે બનાસકાંઠા જિલ્લાની પોલીસ જાગી હોય તેમ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે લાલ આંખ કરી છે અને ગેરકાયદે લગાવેલા કઠેરા ઉતારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક શાખાના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર અજયસિંહ જાડેજા તેમજ પોલીસ સબ ઈન્સ્પેકટર કે.એમ. ચારણની સુચનાથી સ્ટાફ દ્વારા હાઈવે ઉપરથી પસાર થતા ઓવરલોડ મુસાફરો ભરેલા વાહનો તેમજ વાહનો ઉપર ગેરકાયદે લગાવેલા કઠેડા ઉતરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આગામી સમયમાં આ પ્રકારની કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે દાંતા પંથકમાં ટ્રાફિક અંગેની જનજાગૃતિના કાર્યક્રમ કરવા પણ જણાવ્યું હતું.