પારિવારિક તકરારમાં એકલવાયું જીવન ગુજારતા વૃદ્ધા માટે પોલીસ જ પરિવાર બની
નરોડાની વૃદ્ધા માટે પોલીસ ઈન્સ્પેક્ટર છેલ્લા પખવાડિયાથી ખાસ ટિફિન મોકલે છે
અમદવાદ, કાયદાનું પાલન કરવા માટે કડકાઈ કરતી પોલીસની એક બીજી નરમ બાજુ પણ જાેવા મળે છે અને ગુનેગારોને લાકડીથી ફટકારતી પોલીસમાં લાગણી પણ હોય તેનો અનુભવ અનેક જરૂરિયાતમંદ લોકોને પણ થતો હોય છે.
આજ બાબતની પ્રતિતિ કરાવી રહી છે નરોડા પોલીસની શી ટીમની ત્રણ મહિલા પોલીસકર્મીઓ નરોડામાં પારિવારીક ઝઘડામાં એક વૃદ્ધા ઘરમાં એકલવાયું જીવન ગુજારે છે ત્યારે તેમની તકેદારીની સંપૂર્ણ જવાબદારી પોલીસે ઉપાડી લીધી છે. ડીસીપી કાનન દેસાઈ અને ઇન્સ્પેક્ટર સંજય ભાટીયાની સૂચનાથી વૃદ્ધા માટે પખવાડિયાથી ટિફિન પોલીસ મથકમાંથી જઈ રહ્યું છે.
નરોડા પોલીસની સરાહનીય કામગીરીની વિગતો એવી છે કે, લગભગ પખવાડિયા પહેલા જ એક વૃદ્ધા કોઇની મદદથી પોલીસ મથકે પહોંચ્યા. તેમની ફરિયાદ હતી કે, પરિવારના સભ્યો તેમના રાખતા નથી. પોતે પોલીસને ફોન કરે નહિ તેના માટે તેમનો ફોન પણ લઇ લેવામાં આવ્યો છે. પતિના મૃત્યુ બાદ જે પેન્શન તેમને મળતુ હુતં તે પણ પરિવાર તેમને આપતો નથી. જેને કારણે તેઓ લાચાર બની ગયા છે.
નરોડા પોલીસ ઈન્સ્પેક્ટર સંજય ભાટીયા અને ડીસીપી ઝોન-૪ ડો.કાનન દેસાઈએ વૃદ્ધાની વાત પ્રેમપૂર્વક સાંભળી તેમને મદદ કરવાની ખાતરી આપી. તેમના પરિવારનો સંપર્ક કરતાં જવાબ મળ્યો કે, બા તેમની સાથે રહેવા માગતા નથી. પારિવારીક ઝઘડો પોલીસ ચોપડે નોંધાય નહિ તેની તકેદારી અધિકારીઓએ વચલો રસ્તો કાઢ્યો.
જ્યાં સુધી પરિવારનું સમાધાન થાય નહિ અને વૃદ્ધાના જમવાની વ્યવસ્થા થાય નહિ ત્યાં સુધી તેમને જમાડવાની અને તેમની તકેદારી રાખવાની જવાબદારી પોલીસે ઉપાડી લીધી. નરોડા પોલીસે આ બાની જવાબદારી શી ટીમના હેડ કોન્સ્ટેબલ કમળાબેન ગેમાભાઈ,
સુનિતાબેન મહિપતસિંહ તથા નિરમાબેન વનરાજભાઈને સોંપી દીધી. છેલ્લા પખવાડિયાથી શી ટીમના આ સભ્યો બાની સેવામાં લાગી ગયા છે. તેમના માટે સમયસર ટિફિન પહોંચાડી દેવામાં આવે છે અને બાને અન્ય કોઈપણ જરૂરિયાત હોય તો તેનું પણ નિરાકરણ લાવવામાં આવે છે.