પોલીસે દરોડા પાડી નકલી શેમ્પુ-ગુટખા બનાવતા ગોડાઉનનો પર્દાફાશ કર્યો
નકલી શેમ્પુ અને ગુટખાનો ધંધો સુરતમાંથી ઝડપાયો
(એજન્સી)સુરત, ગુજરાતમાં નકલીનો જમાનો આપ્યો છે. નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી ઘી, નકલી તેલ સહિત અત્યાર સુધી આવી કેટલીય વસ્તુઓ ઝડપાઈ ચુકી છે. હવે સુરતમાંથી નકલી શેમ્પુ અને નકલી ગુટખા બનાવતું ગોડાઉન ઝડપાયું છે. એટલે કે રાજ્યમાંથી એક બાદ એક નકલી વસ્તુઓ સામે આવી રહી છે.
સુરત પોલીસે દરોડા પાડી આ નકલી વસ્તુ બનાવતા ગોડાઉનનો પર્દાફાશ કર્યો હતો.
સુરતના ઓપલાડના માસમાં ગામેથી ડુપ્લીકેટ શેમ્પુ અને ગુટખા બનાવવાનું નેટવર્ક ઝડપાયું છે. માસમા ગામે ચાંદ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાંથી આ ગોડાઉન ઝડપાયું છે. ઓલપાડ પોલીસે બાતમીના આધારે અહીં દરોડા પાડ્યા હતા. અહીં નકલી ગુટખા અને શેમ્પુ બનાવવાના મશીનો મળી આવ્યા હતા. ગુજરાતમાં પહેલા નકલી ઘી, મસાલા, નકલી તેલ સહિત અનેક વસ્તુઓ મળી ચુકી છે. પરંતુ હવે નકલી શેમ્પુ પણ બનાવી વેચવામાં આવી રહ્યાં છે.
સુરત પોલીસે દરોડા પાડી નકલી ગુટખા અને શેમ્પુ બનાવવાના ૩ મશીનો, ૭૦૦ કિલો મટીરિયલ અને રોલ કબજે કર્યાં હતા. ૧૮૦૦ લીટર ડુપ્લીકેટ શેમ્પુનું રોટ-મટીરિયલ અને ૩૭ પેકેટો કબજે કરવામાં આવ્યા હતા. પોલીસે બ્રાન્ડેડ કંપનીના નકલી શેમ્પુ અને વિમલ ગુટખાનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે હાલ તો સમગ્ર મામલે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે.