‘દેવા’ની પોલીસગીરીમાં ‘દીવાર’ની બચ્ચનગીરીમાંથી પ્રેરણા લેવાઈ
મુંબઈ, હિન્દી સિનેમામાં એન્ગ્રી યંગમેનના દરેક અવતારની સરખામણી અમિતાભ બચ્ચન સાથે થતી રહે છે. ૭૦ અને ૮૦ના દસકામાં બંડખોર અને તુંડમિજાજી હીરોનો પરિચય કરાવનારા અમિતાભ બચ્ચનના યાદગાર કેરેક્ટર્સ દાયકાઓ બાદ પણ ફિલ્મોને પ્રેરણા આપી રહ્યા છે.
બોલિવૂડમાં એક સમયે ડાન્સિંગ સ્ટાર તરીકે ઓળખાતા શાહિદ કપૂરની આગામી એક્શન ‘દેવા’ની ઝલકને દમદાર બનાવવા માટે બચ્ચનના ‘દીવાર’ અને ‘કૂલી’ લૂકની મદદ લેવામાં આવી છે. શાહિદે આગામી ફિલ્મમાં પોલીસ ઓફિસરનો રોલ કર્યાે છે, પરંતુ આ ઓફિસરના આક્રમક મિજાજની ખાતરી આપવામાં અમિતાભ બચ્ચનનો ‘દીવાર’ લૂક મદદરૂપ બન્યો છે.
ઝી સ્ટુડિયોઝ અને રોય કપૂર ફિલ્મ્સની આગામી એક્શન થ્રિલર ‘દેવા’ની ગણતરી ૨૦૨૫ની મહત્ત્વાકાંક્ષી ફિલ્મોમાં થાય છે. મોટા બજેટ સાથે બની રહેલી આ ફિલ્મ માટે ઉત્સુકતા જાળવી રાખવા માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે. જેના ભાગરૂપે મેકર્સે પોલીસ ઓફિસરના રોલમાં શાહિદ કપૂરના કેરેક્ટરની ઝલક આપતુંએક પોસ્ટરશેર કર્યું છે.
નવા વર્ષના પ્રથમ દિવસે શેર થયેલા આ પોસ્ટરમાં ‘દેવા’નો શાહિદ કપૂર એન્ગ્રી યંગમેન જેવો રફ એન્ડ ટફ લાગે છે. શાહિદ સિગારેટના ધુમાડા કાઢી રહ્યો છે અને તેના ચહેરાની કઠોરતામાં પાવર-એટિટ્યુટ બંને દેખાય છે. પોસ્ટરની અપીલને વધારે અસરકારક બનાવવા માટે બેકગ્રાઉન્ડમાં અમિતાભ બચ્ચનનો સ્કેચ મૂકવામાં આવ્યો છે.
આ સ્કેચ અમિતાભ બચ્ચનને ૭૦ અને ૮૦ના દાયકામાં કરેલી ફિલ્મોની યાદ અપાવે છે. બચ્ચને ‘દીવાર’ અને ‘કૂલી’માં આ પ્રકારના રોલ કર્યા હતા. પોસ્ટરના કારણે શાહિદના કેરેક્ટરની ગંભીરતા અને તેના માટેની ઉત્સુકતામાં વધારો થાય છે. અમિતાભ બચ્ચનની દમદાર હાજરી અને શાહિદ કપૂરનો એન્ગ્રી યંગમેન જેવો સ્વેગ ઓડિયન્સને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો છે.
શાહિદ કપૂરનું આ કેરેક્ટર ‘દીવાર’ અને ‘કૂલી’થી પ્રેરિત હોવાનું પોસ્ટર પરથી જણાય છે. ‘દેવા’માં મેકર્સે અમિતાભ બચ્ચનનો રેફરન્સ શા માટે લીધો તે સમજવા માટે સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની રીતે અટકળો લગાવી રહ્યા છે.
સ્કેચમાં દેખાય છે તેવા અમિતાભ બચ્ચનને દરેક પેઢીના ઓડિયન્સે ‘દીવાર’ અને ‘કૂલી’માં જોયેલા છે. અમિતાભ બચ્ચને આ બંને ફિલ્મોમાં પોલીસ સામે બાથ ભીડી હતી અને ગુનેગારોને પણ પાઠ ભણાવ્યો હતો. શાહિદ આ ફિલ્મમાં પોલીસ ઓફિસર છે ત્યારે તેમાં નવી પેઢીના એન્ગ્રી યંગમેનની ઝલક આપવામાં આ પોસ્ટર સફળ રહ્યું હોવાની કોમેન્ટ્સ થઈ રહી છે.
શાહિદ કપૂરની બિગ બજેટ ફિલ્મ લાંબા સમય બાદ આવી રહી છે અને તેઓ અલગ પ્રકારના રોલમાં છે. શાહિદ કપૂરની સાથે આ ફિલ્મમાં પૂજા હેગડેનો લીડ રોલ છે. આ ઉપરાંત કુબરા સૈત અને પવૈલ ગુલાટી મહત્ત્વના રોલમાં છે.
ડિસેમ્બર મહિનામાં ‘પુષ્પા ૨’ના વાવાઝોડા પછી ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ શાહિદની આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. થીયેટરમાં ‘પુષ્પા ૨’ સાથે સીધી ટક્કરના કારણે વરુણ ધવનની ‘બેબી જોન’ને નુકસાન થયું છે ત્યારે ‘પુષ્પા ૨’એ ઊભી કરેલી ઈમેજ સાથે સ્પર્ધા કરવામાં એન્ગ્રી યંગમેનની જાણીતો અને ઓડિયન્સનો માનીતો સ્વેગ કેટલો મદદરૂપ થાય છે તે જોવું રહ્યું.SS1MS