પોશ કહેવાતા પાલડી-નવરંગપુરા અમદાવાદમાં સૌથી વધુ પ્રદૂષિત
અમદાવાદ, નવરંગપુરા કે પાલડી જેવા પોશ વિસ્તારમાં દુકાન કે ઘર હોવાથી તમારી છાતી ગજ ગજ ફૂલતી હશે. પરંતુ તમારા ફેફસાને આ નહીં ગમ્યું હોય. મતલબ કે, તમારા ફેફસા માટે આ વિસ્તારો નુકસાનકારક સાબિત થઈ શકે છે. તાજેતરમાં હાથ ધરાયેલા સ્ટડીમાં ચોંકવનારી વિગતો બહાર આવી છે. શહેરમાં પાર્ટિક્યુલેટ મેટર ૨.૫નું સૌથી વધુ પ્રમાણ આ બંને વોર્ડમાં જાેવા મળ્યું છે.
પાલડીમાં પ્રતિ ક્યૂબીક મીટરમાં પીએમ.૨.૫ ૮૦ માઈક્રોગ્રામ્સ નોંધાયું છે. જ્યારે નવરંગપુરામાં થોડું વધારે એટલે કે પ્રતિ ક્યૂબીક મીટરમાં ૭૬ માઈક્રોગ્રામ્સ. નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ ૨૦૧૯ પ્રમાણે, પ્રતિ ક્યૂબીક મીટરમાં પીએમ.૨.૫ ૪૦ એમસીજી હોવું જાેઈએ જ્યારે આ બંને વિસ્તારોમાં લગભગ બમણું છે.
ફેક્ટરીની ચીમનીઓમાંથી નીકળતા ઝેરી ધુમાડા, લીલા અને સૂકા કચરાને સળગાવવાથી થતો ધુમાડો અને વાહનોમાંથી નીકળતા ધુમાડાના કારણે અમદાવાદની હવા પ્રદૂષિત થઈ રહી છે. એવામાં સ્વાભાવિક રીતે કોઈપણ એમ જ વિચારે કે, વટવા, નારોલ અને નરોડા જેવા ઔદ્યોગિક વિસ્તારો કે પૂર્વ અને મધ્ય અમદાવાદના ટ્રાફિકથી ભરેલા વિસ્તારો જ શહેરમાં સૌથી વધુ પ્રદૂષિત હશે.
જાેકે, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીની ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ, સ્કૂલ ઓફ ટેક્નોલોજી દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ટડીમાં કંઈક અલગ જ પરિણામ સામે આવ્યું. નોંધનીય છે કે, ઈસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા આ સ્ટડી માટે ફંડ પૂરું પાડવામાં આવ્યું છે.
સ્ટડી માટે ૨૦૨૧ની મ્યુનિસિપલ વોર્ડ પ્રમાણે, હવાના પ્રદૂષણની સાંદ્રતાની વાર્ષિક સરેરાશ કાઢવામાં આવી. ટેરા સેટેલાઈટ પરના મોડરેટ રિઝોલ્યુશન ઈમેજિંગ સ્પેક્ટ્રોરેડિયોમીટરમાંથી પાછલા એક વર્ષનો ડેટા લેવામાં આવ્યો હતો. પીએમ.૨.૫ પ્રદૂષણના એવા સૂક્ષ્મ કણો છે જે શરીરમાં ઘૂસી જાય છે અને ફેફસા તેમજ શ્વસન માર્ગમાં બળતરા પેદા કરે છે.
જેના કારણે શ્વસન અને હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. સાથે જ રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી શકે છે. સ્ટડીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે,પીએમ.૨.૫ વાતાવરણમાં લાંબો સમય સુધી રહેવાનું થાય તો હૃદય રોગ અને લંગ કેન્સરના કારણે થતાં મૃત્યુનો દર પણ વધી શકે છે.
પાલડીમાં રહેતા જાેહર વોહરાએ કહ્યું, “હું પાલડીમાં ટાગોર હોલની બાજુમાં જ રહું છું. દિવસ દરમિયાન પીટી ઠક્કર કોલેજ નજીક થતાં ટ્રાફિક જામના કારણે ખૂબ પ્રદૂષણ થાય છે. સાંજે પીરાણા સૂએજ ફાર્મ તરફથી આવતી હવાથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવે છે.
પીડીઈયુના ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ એન્જિનિયરિંગના અસોસિએટ પ્રોફેસર અનુરાગ કંડ્યાએ કહ્યું, “દેશમાં કોઈપણ શહેરમાં પ્રથમવાર મ્યુનિસિપલ વોર્ડ મુજબનો પીએમ.૨.૫ની સેન્દ્રિયતાનો સરેરાશ વાર્ષિક સ્ટીમ્યુલેટેડ સ્ટડી હાથ ધરવામાં આવ્યો છે.
આ સ્ટડીની મદદથી નીતિ ઘડનારા લોકો શહેરના ચોક્કસ વિસ્તારોમાંથી પીએમ.૨.૫ ઘટાવા માટેના ચોક્કસ પગલાં લઈ શકે છે. આ ડેટાની મદદથી સીપીસીબી, જીપીસીબી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વધુ મજબૂત એર એક્શન પ્લાન બનાવી શકે છે.
પ્રોફેસર કંડ્યાના વડપણ હેઠળ રિષભ ઓઝા અને આદિત્ય વાઘેલાએ આ સ્ટડી હાથ ધર્યો હતો. પર્યાવરણ મિત્ર એનજીઓના ડાયરેક્ટર મહેશ પંડ્યાએ કહ્યું, મેટ્રો અને બીઆરટીએસ રૂટ પર સતત ચાલતા કંસ્ટ્રક્શન અને રિપેરિંગના કામ, નબળા ટ્રાફિક વ્યવસ્થાપન તેમજ સતત ઘટી રહેલા ગ્રીન કવરને લીધે વાહનોનો ધુમાડો પીએમ.૨.૫ અને પીએમ ૧૦ થઈ જાય છે, તેમ કેગએ ધ્યાન દોરેલું છે. આસપાસ વધી રહેલા હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે વ્યાપક રણનીતિની જરૂર છે અને હવે તેમાં મોડું કરવું પોસાય તેમ નથી.SS1MS