ચૂંટણીને ધ્યાનમાં રાખી શહેરના મેયરની પસંદગી થાય તેની શક્યતા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પ્રથમ અઢી વર્ષની ટર્મ નવ સપ્ટેમ્બરે પૂર્ણ થઈ રહી છે અને ૧૧ સપ્ટેમ્બરે મ્યુનિ. બોર્ડની સામાન્ય સભામાં મેયર સહિત પાંચ નવા હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયમ મુજબ સ્ટેન્ડિંગ કમિટી માટે પંદર સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી છે
જે પૈકી ત્રણ સભ્યોની બાદબાકી થશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે કોની વરણી થશે તે અંગે અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. શહેર મેયરની પસંદગીના આધારે જ્ઞાતિ સમીકરણ મુજબ સ્ટેન્ડિંગ ચેરમેન નિયુક્ત થશે જ્યારે ટૂંક સમયમાં થનાર રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખી નવા મેયર પસંદગી થઈ શકે છે.
અમદાવાદ શહેરના પ્રથમ નાગરિકના નામની જાહેરાત ૧૧ સપ્ટેમ્બરના દિવસે વિધિવત કરવામાં આવશે. મ્યુનિ. ભાજપના સૂત્રોનું માનીએ તો મેયર પદ માટે છ નામ પર ચર્ચા ચાલી રહી છે. જેમાં પ્રતિભા જૈન, શિતલબેન ડાગા, અનુપટેલ, વંદના શાહ, પારૂલ પટેલ અને વૈશાલી ભટ્ટના નામ મુખ્ય છે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખી પાર્ટી પ્રતિભા જૈન અથવા શિતલ ડાગાની પસંદગી કરી શકે છે. પ્રતિભા જૈનની આ ત્રીજી ટર્મ છે. જ્યારે શિતલ બેન ડાગાની બીજી ટર્મ છે તેઓ મૂળ દહેગામના પટેલ છે તથા લગ્ન રાજસ્થાનના જૈન વણિક સમાજમાં થયા છે. પૂર્વ બિજલ પટેલ જૈન સમાજમાંથી આવે છે.
જ્યારે તેમના લગ્ન પટેલ સમાજમાં થયા છે. જાે પ્રતિભા જૈન કે શિતલ ડાગા બેમાંથી કોઈ એકની પસંદગી થશે તો સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે જતીનભાઈ પટેલની વરણી નિશ્ચિત માનવામાં આવે પરંતુ મેયર પદ પર પટેલ સમાજની પસંદગી થશે તો દેવાંગ દાણી મુખ્ય દાવેદાર હશે. આ ઉપરાંત પ્રિતેશ મહેતા માટે પણ વિચારણા થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જતીન પટેલના હાથમાંથી અગાઉ બે વખત કોળિયો છીનવાઈ ગયો છે. ર૦૧૮થી ર૦ર૧ની ટર્મ દરમ્યાન મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન બંનેની પસંદગી કરવાની જવાબદારી તત્કાલિન પ્રભારી સુરેન્દ્રભાઈ પટેલના શિરે હતી તથા તેમના જ બે અંગત કહી શકાય તેવા બીજલબેન પટેલ અને જતીનભાઈ પટેલ મુખ્ય દાવેદાર હતા.
તે સમયે સુરેન્દ્ર કાકાએ મેયર પદ પર બીજલબેનની પસંદગી કરતા સ્ટેન્ડિંગ ચેરમેનની રેસમાંથી જતિન પટેલની બાદબાકી થઈ હતી તથા તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અંગત કહી શકાય તેવા અમુલ ભટ્ટને ચેરમેન બનાવામાં આવ્યા હતા. જ્યારે ર૦ર૧થી ર૦ર૩ની ટર્મ માટે સુરેન્દ્ર કાકાએ જતિનભાઈ પટેલ માટે છેક સુધી લડત આપી હતી
પરંતુ અંતે હિતેશભાઈ બારોટની પસંદગી થઈ હતી. આમ બે વખત સુરેન્દ્ર કાકાના કારણે નિષ્ફળતા મળ્યા બાદ જતિન પટેલે વર્તમાન પ્રભારી ધર્મેન્દ્ર શાહનો હાથ પક્ડયો છે. જેના કારણે તેઓ ફરી એક વખત હરિફાઈમાં જાેવા મળ્યા છે. આમ તો તેઓ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પણ અંગત હોવાની ચર્ચા ચાલે છે.
મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે વણિક અને પટેલ સમાજ વચ્ચે કેબિનની વહેંચણી થશે તે બાબત નિશ્ચિત છે. જ્યારે મ્યુનિ. પ્રભારીના અત્યંત અંગત કહી શકાય તેવા મહાદેવ દેશાઈને પણ મોટી કેબિન મળી શકે છે. મહાદેવ દેશાઈને ડેપ્યુટી મેયર અથવા પક્ષ નેતા બનાવામાં આવે તેવી શકયતા છે.
જ્યારે બ્રાહ્મણ સમાજમાં મુખ્ય પાંચ અનુભવી ચહેરા છે. જે પૈકી ભાસ્કર ભટ્ટ હાલ નેતા હોવાથી તેમની બાદબાકી થાય તેમ છે. જ્યારે પ્રદીપ દવે અને પંકજ ભટ્ટનો સ્ટેન્ડિંગ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અન્ય બે નામો પર વિચારણા થઈ શકે છે જ્યારે દંડક તરીકે દલિત વર્ગ અથવા હિન્દીભાષીની પસંદગી કરવામાં આવે તેવી શકયતા છે.