ભરૂચના કુંભારિયા ઢોળાવમાં માટીની ગરબી તૈયાર કરવામાં પ્રજાપતિ પરિવાર વ્યસ્ત બન્યો
આસો નવરાત્રી પર્વમાં માટીના ગરબાની ભારે માંગ વધી
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લામાં આસો નવરાત્રીની ઉજવણીને લઈને માં જગદંબાની આરાધના માટે ગરબારૂપી માટલીઓમાં પણ અવનવી ડિઝાઈન અને શણગારની માંગ ઉઠી છે.જેના પગલે આસો નવરાત્રીની તૈયારીઓમાં કુંભારો કામે લાગી ગયા છે.
ભરૂચ શહેર અને જીલ્લામાં માં આદ્ય શકિતના આરાધના પર્વ નવરાત્રિની ઉજવણીનો ઉત્સાહ અને ઉમંગ વર્તાઈ રહ્યો છે.ત્યારે ગરબા આયોજકો ગરબા ગ્રાઉન્ડથી લઈ ખેલૈયાઓ માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં વ્યસ્ત છે.તો બીજી બાજુ માટીના ગરબાને રંગરોગન કરી સજાવટ કરી વેજલપુરના પ્રજાપતિ પરિવાર અંતિમ ઓપ આપવામાં વ્યસ્ત બન્યા છે.આ વખતે ઈકો ફ્રેન્ડલી ગરબાની વધુ ડિમાન્ડ છે.
નવરાત્રિ પર્વને આડે હવે માત્ર થોડા જ દિવસો બાકી છે.ત્યારે આસો નવરાત્રીમાં ભારતીય સંસ્કૃતિ મુજબ ગરબી એટલે ગરબા માટલીની સ્થાપના અને માથે ગરબો મૂકી ગરબે ઘૂમવાની પ્રથા દિવસે અને દિવસે પ્રચલિત બની રહી છે.
જેના કારણે આસો નવરાત્રિમાં શણગાર કરેલી માટલીઓની પણ માંગ વધી ગઈ છે અને કુંભારો પણ આસો નવરાત્રીમાં માટલીઓને રંગરોગાન સાથે શણગાર કરવામા મગ્ન બની ગયા છે.
આ માટીના ઘડા પહેલા ભરૂચના વેજલપુરમાં રહેતા મહેશભાઈ પ્રજાપતિના પિતા ચાકડા પર માટી માંથી બનવતા હતા પણ હવે તેઓ આ માટીના ઘડા તૈયાર લાવે છે.જેને રંગરોગાન કરી સજાવી વેચાણ કરી રહ્યા છે.જે થોડા મોંઘા પડતાં હોવાનું તેઓ કહી રહ્યા છે અને માટીના ગરબાને તૈયાર કરવા તેઓને પરિવારજનો પણ મદદ કરી રહ્યા છે.
નવરાત્રી દરમ્યાન આવા કાણા વાળા માટીના ઘડાને રંગરોગાન કરી સજાવી માઈ ભકતોને વેચી રહ્યા છે.જેની સારી એવી માંગ આ વિસ્તારમાં જાેવા મળી રહી છે.