ગુજરાતની આ મહિલાનું રાષ્ટ્રપતિએ દિલ્હી ખાતે કર્યુ સન્માન
રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રોપદી મુર્મુજી દ્વારા દિલ્હી ખાતે યોજાયેલા ‘સ્વચ્છ સુજલ શક્તિ સન્માન ૨૦૨૩’ સમારોહમાં કચ્છ જિલ્લાના રાજીબેન વણકરને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સન્માનિત કરાયા.
ગુજરાતનો કચ્છ પ્રદેશ જેટલો સુંદર છે, તેટલો જ સુંદર અહીંની ભરતકામ અને વણાટ પણ છે. પરંતુ શું તમે જાણો છો કે અગાઉ કચ્છના ઘણા વણાટ પરિવારોમાં મહિલાઓને વણાટનું કામ કરવાની છૂટ નહોતી? કુટુંબના પુરુષો વણાટ કરતા હતા જ્યારે સ્ત્રીઓ બાળકો અને ઘરની સંભાળ લેતી હતી. પરંતુ સમય સાથે ઘણું બદલાઈ ગયું છે. આજે અમે તમને કચ્છની આવી જ એક મહિલા કલાકાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાના પ્રદેશની કળાને નવું રૂપ આપ્યું છે.
આ વાત છે, કચ્છથી 35 કિમી દૂર આવેલા કોટય ગામના રાજીબેન વણકરની છે. વણકર પરિવારમાં જન્મેલા રાજીબેન કચ્છની કલાને એક નવો આયામ આપી રહ્યા છે. સામાન્ય રીતે કચ્છની કળામાં વણાટ અને ભરતકામ રેશમ અથવા ઊનના દોરાથી થાય છે, પરંતુ રાજીબેન પ્લાસ્ટિકના કચરાથી વણાટ કરે છે.
રાજીબેન પ્લાસ્ટિકના કચરામાંથી વણાટ કરીને ઘણી બધી વસ્તુઓ બનાવે છે. તેમના ઉત્પાદનોનું મુંબઈ અને બેંગ્લોરમાં પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે. ભલે આજે તેમના દ્વારા બનાવેલા ઉત્પાદનોની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે, પરંતુ અહીં સુધી પહોંચવાની તેમની સફર સરળ નથી.
લગ્ન બાદ રાજીબેને ફરી વણાટમાં જોડાવાનું સપનું છોડી દીધું હતું. તેમના જીવનનો સંઘર્ષ વધતો જતો હતો. 2008 માં, લગ્નના 12 વર્ષ પછી, તેના પતિનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. જે બાદ તેમના ત્રણ બાળકોની જવાબદારી રાજીબેન પર આવી ગઈ.
પોતાના જીવનના એ મુશ્કેલ દિવસોને યાદ કરતાં તે કહે છે, “મારા પતિના મૃત્યુ પછી મને ઘરની બહાર કામ કરવાની છૂટ નહોતી. ઘરમાં ખાવા પીવાની અછત હતી. પછી મારી મોટી બહેને મને અવધનગર બોલાવી અને મને એક કંપનીમાં મજૂર તરીકે નોકરી અપાવી, જેથી હું મારા બાળકોનું ધ્યાન રાખી શકું.
રાજીબેને લગભગ બે વર્ષ સુધી મજૂરી કામ કર્યું. પરંતુ એવું કહેવાય છે કે જો તમારી પાસે આવડત હશે તો વહેલા કે મોડા તમને આગળ વધવાનો માર્ગ મળી જશે. રાજીબેન સાથે પણ એવું જ થયું. વર્ષ 2010 માં, તેણી અવધનગર સ્થિત કુકમાની ‘ખમીર’ નામની સંસ્થામાં જોડાઈ, જ્યાં વણાટનું કામ કરવામાં આવતું હતું.
2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ આ સંસ્થા આ વિસ્તારના કલાકારો માટે કામ કરી રહી છે. આ સંસ્થા ખાસ કરીને મહિલા વણકરોને કામ પૂરું પાડે છે. રાજીબેને આ તકનો લાભ લીધો અને સંસ્થામાં કામ કરવાનું શરૂ કર્યું. રાજીબેન સંસ્થામાં વૂલન શાલ બનાવતા હતા. જેના માટે તેને મહિને 15000 રૂપિયાનો પગાર મળતો હતો.
રાજીબેન કહે છે, “મને અન્ય મહિલાઓને પણ વણાટ શીખવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ખમીર સંસ્થા સાથે સંકળાયેલ હોવાથી મેં અનેક પ્રદર્શનો અને વર્કશોપમાં ભાગ લીધો હતો. સંસ્થાએ મને લંડન પણ મોકલી હતી.