ગોધરામાં ટ્રાફિકથી અડચણરૂપ થતા દબાણો વહીવટી તંત્ર દ્વારા દૂર કરાયા
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેરમાં વિકટ બની રહેલી ટ્રાફિકની સમસ્યાને લઈને અવારનવાર નાના મોટા જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે. જેમાં નિર્દોષ વાહન ચાલકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે જાહેર જનતાની સલામતી સુરક્ષાને તકેદારીના ભાગરૂપે ગોધરા શહેર પ્રાંત અધિકારી, મામલતદાર,
ગોધરા નગરપાલિકા ચીફ ઓફિસર,આર એન્ડ બી વિભાગ, આરટીઓ, એમજીવીસીએલ સહિત પોલીસ તંત્રનો કાફલો નગરપાલિકાની ટીમ સાથે વહીવટી તંત્ર ગોધરા શહેરના લાલબાગ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાની અડચણરૂપ દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન પેચીદો બન્યો છે, ગોધરા શહેરમાં વારંવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઇ ગોધરા પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા નગરમાં ટ્રાફિકને અડચણરૂપ પેદા કરતા લારી ગલ્લાઓ વાળાઓને આગામી સમયમાં જાે ટ્રાફિકની અડચણરૂપ બનશો તો કાયદેસરના પગલાં ભરવામાં આવશે તેમ જણાવી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા પ્રયાસ કરતા નગરજનોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.
ગોધરા શહેરમાં આવેલા પાંજરાપોળ ચર્ચ સર્કલથી લાલબાગ બસ સ્ટેન્ડ પાસે છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા વક્રી છે દિવસે વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી આજ રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી હતી જાે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી દબાણ હટાવ ઝુંબેશની કામગીરીને નગરજનોએ બિરદાવી અગામી દિવસો દરમિયાન પણ દબાણ હટાવવા ઝુંબેશની કામગીરી ચાલુ રાખવામાં આવે તેવી માંગ પણ કરી હતી.