ઓછું ઉત્પાદન થતા લીંબુનો ભાવ વધીને 200 રૂ. કિલો થયો
લીંબુના વધી રહેલા ભાવે ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું
ભાવનગર, એક તરફ ઉનાળો આવી ગયો છે. આ સાથે-સાથે રમઝાનનો મહીનો પણ છે. જેના પગલે લીંબુનું ઉત્પાદન ઓછું થયું છે. પરંતુ ઉનાળાના કારણે લીંબુનો વપરાશ પણ વધ્યો છે. ત્યારે ભાવનગરની બજારમાં લીંબુનો ભાવ ૨૦૦ રૂપિયા સુધી આંબી ગયો છે. તો આગામી સમયમાં ગરમી વધશે તો ભાવ પણ વધવાની સંભાવના છે.
મહત્વનું છે કે ભાવનગર માર્કેટ યાર્ડમાં લીંબુનો હોલસેલ ભાવ ૧૩૦ રૂપિયા કિલો ચાલી રહ્યો છે. નબળી ગુણવત્તાના લીંબુ ૧૦૦ રૂપિયાની આસપાસના હોલસેલ ભાવે વેચાઇ રહ્યા છે. પરંતુ આ લીંબુ છૂટક બજારમાં આવતા-આવતા ૨૦૦ રૂપિયા કિલો થઇ જાય છે. રમઝાન મહીનાને લઇ પણ લીંબુની માંગમાં ધરખમ વધારો થયો છે. તેની સામે ઓછું ઉત્પાદન થતા લીંબુનો ભાવ વધી ગયો છે.
એક મહિના પહેલા ભાવનગરમાં લીંબુ ૪૦ રૂપિયાના કિલો મળી રહ્યા હતા. તે લીંબુ હવે ૨૦૦ રૂપિયાના કિલો મળી રહ્યા છે. ત્યારે ગૃહિણીઓનું બજેટ તો ખોરવાયું જ છે. આ સાથે લીંબુના સોડા-શરબત સહિતની વસ્તુઓનો આનંદ માણતા લોકોમાં પણ ભાવ પ્રત્યે ખટાશ જોવા મળી રહી છે.