એન્જીઓપ્લાસ્ટિમાં ઉપયોગમાં લેવાતાં સ્ટેન્ટનો ભાવ ગવર્નીંગ બોડીમાં હાલ મુલતવી રાખવામાં આવ્યો

પ્રતિકાત્મક
હાલ નિયત કરેલી ૨૪૭૧ જેટલી હેલ્થ પ્રોસીઝરમાં નવીન મહત્વની પ્રોસિઝર ઉમેરવા માટેની શક્યતાઓની ચકાસણી કરી તે માટે ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવશે
ગાંધીનગર ખાતે PMJAY-મા યોજનાની ૧૨મી ગવર્નિગ બોડીની બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ –નવી શરુ કરેલી હેલ્પ લાઇનમાં આવતી ફરિયાદોના ઝડપી નિકાલ કરવા મંત્રીની સુચના
યોજના સંલગ્ન માહિતી, જાણકારી મેળવવા હેલ્પલાઇન નંબર 079- 66440104માં મહિનામાં ૧૦ હજાર જેટલા કોલ આવ્યા
ગત્ વર્ષે આયુષ્માન યોજનામાં રૂ. ૩૭૬૦ કરોડના ખર્ચે રાજ્યના દર્દીઓને સારવારના લાભ આપવામાં આવ્યા
આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે PMJAY-મા યોજનાની ૧૨મી ગવર્નિંગ બોડીની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં યોજનાની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
ગત વર્ષે યોજના સંલગ્ન કરવામાં આવેલી કામગીરીનું રીવ્યું કર્યુ હતું તેમજ આ વર્ષની નવીન પોલિસી સંદર્ભેની નવી બાબતોની પણ ચર્ચા આ બેઠકમાં થઈ હતી.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,ગત વર્ષની પોલિસીમાં રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના દર્દીઓની સારવાર પાછળ આ યોજના હેઠળ ₹.3760 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર કરવામાં આવ્યો છે.
ત્રણ મહિના પહેલા PMJAY-મા યોજના સંલગ્ન માહિતી અને જાણકારી મેળવવા તેમજ ફરિયાદ માટે શરું કરવામાં આવેલી હેલ્પલાઇન 079-66440104 માં ૧૦ હજાર જેટલા કોલ આવ્યા છે.જેમાંથી મોટાભાગના માહિતી અને જાણકારી મેળવવા માટેના હતા અને ફક્ત ૯૦૦ જેટલા કોલ ફરિયાદ સંબંધિત આવ્યાં હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
PMJAY-મા યોજના અંતર્ગત સારવાર મેળવતા દર્દીઓ પાસેથી ફીડબેક મેળવવા માટે ૧૦૪ હેલ્પલાઇન કાર્યરત છે જેના અંતર્ગત હેલ્પ ડેસ્ક રીવ્યું કરતા ૯૯% જેટલા પ્રતિભાવો પોઝિટિવ મળ્યાં હતા.
વધુમાં સીએમ ડેશબોર્ડ મારફતે પણ આ યોજનાનું રીવ્યું કરાય છે. જેમાં ૯૨% થી વધુ લોકો આ યોજનાથી ખુશ હોવાનું માલુ પડ્યું હતું.
આ ગવર્નિંગ બોડીની બેઠકમાં નવી શરૂ કરેલી હેલ્પલાઇનમાં આવતી ફરિયાદોના ઝડપી નિવારણ માટે પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હોવાનું મંત્રી શ્રી એ જણાવ્યું છે.
અન્ય મહત્વની જાણકારી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, એન્જીઓપ્લાસ્ટિમાં ઉપયોગમાં લેવાતાં સ્ટેન્ટના ભાવ માટેનો એઝિક્યુટીવ કમિટીનો નિર્ણય ગવર્નીંગ બોડીમાં હાલ મુલતવી રાખવામાં આવ્યો છે. જેના વિગતવાર ચર્ચા વિચારણા કર્યા બાદ નવો નિર્ણય હાથ ધરાશે.
હાલ નિયત કરેલી ૨૪૭૧ જેટલી હેલ્થ પ્રોસીઝરમાં નવીન મહત્વની પ્રોસિઝર ઉમેરવા માટેની શક્યતાઓની ચકાસણી કરી તે માટે ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવનાર હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ ગવર્નિંગ બોડીની બેઠકમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી ,આરોગ્ય કમિશનર -અર્બન શ્રી હર્ષદભાઈ પટેલ ,આરોગ્ય કમિશનર – રૂરલ શ્રીમતી રતન કંવરબા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.