Western Times News

Gujarati News

રાજ્યપાલના હસ્તે ૧૮ ઉદ્યોગસાહસિકો ‘ધ પ્રાઇડ ઓફ ગુજરાત’ એવોર્ડથી સન્માનિત

મહાન વ્યક્તિ એ નથી જે ફક્ત પોતાના માટે જીવે છે, પરંતુ મહાન તે છે જે બીજાની પ્રગતિને પોતાની પ્રગતિ માને છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

અમદાવાદ, લોકશાહીમાં મીડિયાની ભૂમિકા ફક્ત માહિતીના આદાનપ્રદાન સુધી મર્યાદિત નથી રહી, પરંતુ તે સમાજમાં જાગૃતિ અને સકારાત્મકતા ફેલાવવાનું એક શક્તિશાળી માધ્યમ પણ બની ગયું છે. આ દિશામાં એક પ્રશંસનીય પહેલ કરીને, ન્યૂઝ-૧૮ ગુજરાતી દ્વારા ‘ધ પ્રાઇડ ઓફ ગુજરાત’ એવોર્ડ સમારોહનું આયોજન કર્યું હતું.

આ સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત 18 ઉત્કૃષ્ટ ઉદ્યોગસાહસિકોને તેમના વિશિષ્ટ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. 

આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જ્યારે મીડિયા સમાજના સકારાત્મક કાર્યોને પ્રકાશિત કરે છે, ત્યારે સામાન્ય લોકો પણ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રેરિત થાય છે.

આ પ્રસંગે તેમણે કહ્યું કે, મહાન વ્યક્તિ એ નથી જે ફક્ત પોતાના માટે જીવે છે, પરંતુ મહાન તે છે જે બીજાની પ્રગતિને પોતાની પ્રગતિ માને છે. દુનિયામાં ઇતિહાસ એવા લોકો જ રચે છે, જે અન્યને શાંતિ પ્રદાન કરવાનું કામ કરે છે, ગરીબોની સેવા કરે છે, શિક્ષણનો પ્રચાર કરે છે, સંસ્કૃતિનું જતન કરે છે, મૂલ્યો અને પરંપરાઓને જીવંત રાખે છે અને જે લોકો બીજા લોકોને ખુશી આપે છે, તેઓ ઇતિહાસમાં અમર બની જાય છે. 

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ન્યૂઝ-૧૮ ને અભિનંદન આપતા કહ્યું કે, ન્યૂઝ ૧૮ વિવિધ ભાષાઓ અને પ્રદેશોમાં જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહી છે. જે સમાજમાં સકારાત્મક વિચારસરણીને મજબૂત બનાવે છે અને સામાજિક વિકાસ તરફ એક નક્કર પગલું સાબિત થાય છે.

તમામ સન્માનિત પુરસ્કાર વિજેતાઓને હૃદયપૂર્વક અભિનંદન આપતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે, તમે તમારા કાર્યો દ્વારા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. 

ન્યુઝ-૧૮ ગુજરાતીના એડિટર શ્રી રાજીવ પાઠકે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા તથા રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિને સૌભાગ્યની સાથે ગર્વની ક્ષણ ગણાવી હતી.

આ એવોર્ડ વિતરણ સમારોહમાં ન્યુઝ-18 ગુજરાતીમાં કર્મચારીઓ તેમજ સન્માન મેળવનાર ઉદ્યોગ સાહસિકો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.