સાબરમતી આશ્રમની મુલાકાતથી પ્રભાવિત થયા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન
મહાત્મા ગાંધીના આદર્શો અને જીવનમૂલ્યો આજે પણ વિશ્વને પ્રેરણા આપે છે – ગાંધીમૂલ્યોમાંથી આપણે ઘણું શીખવાનું છે: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનશ્રી એન્થની અલ્બનીઝ
સાબરમતી આશ્રમની મુલાકાતથી પ્રભાવિત થતા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન-મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આ મુલાકાત પ્રસંગે ઉપસ્થિત રહ્યાં.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી આશ્રમ ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી. The Prime Minister of Australia was impressed by the visit to the Sabarmati Ashram
ગુજરાતના પ્રવાસે આવેલાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ભારતના આઝાદી આંદોલનના કેન્દ્ર સમા અને મહાત્મા ગાંધીની કર્મભૂમિ એવા ગાંધી આશ્રમના પરિસરમાં આવેલ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમણે ધન્યતા અનુભવી હતી.
ગાંધી આશ્રમની ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનશ્રીની આ મુલાકાત વેળાએ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્યસચિવશ્રી રાજકુમાર પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યાં હતા.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનશ્રીએ મહાત્મા ગાંધીના નિવાસસ્થાન હૃદયકુંજની મુલાકાત લીધી હતી અને ગાંધીજીના તૈલચિત્રને સુતરની આંટી પહેરાવી વંદના કરી હતી તથા ગાંધી આશ્રમમાં ચરખો કાંતવાની પ્રક્રિયાનું નિદર્શન કર્યું હતું .
ગાંધી આશ્રમની મુલાકાતના તેમના અનુભવ અને અનુભૂતિને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને વિઝિટર્સ બુકમાં વર્ણવતા લખ્યું હતું કે “પૂજ્ય ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પવી એ એક મહાન સન્માનની વાત છે. તેમના આદર્શો અને જીવન મૂલ્યો આજે પણ વિશ્વને પ્રેરણા આપે છે. ગાંધીમૂલ્યોમાંથી આપણે ઘણું શીખવાનું છે.”
સાબરમતી આશ્રમ ટ્રસ્ટના અગ્રણીઓએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનશ્રીનું ગાંધી ચરખો તથા પુસ્તક આપીને સ્વાગત- સન્માન કર્યું હતું તથા તેમની મુલાકાત દરમિયાન તેમને આશ્રમ સંબંધિત વિવિધ માહિતી પુરી પાડી હતી.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનશ્રીની ગાંધી આશ્રમની મુલાકાત સમયે રાજ્યના પ્રવાસન સચિવ શ્રી હારિત શુક્લ, અમદાવાદ પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સેક્રેટરી શ્રી વિજય નેહરા, અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો.ધવલ પટેલ, AMC ના ડેપ્યુટી કમિશ્નર શ્રી પ્રવીણ ચૌધરી, વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.