વડાપ્રધાને ઈન્ડિયા ૬જી વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યું
નવી દિલ્હી, ગયા વર્ષના અંતમાં ભારતમાં ૫જી લોન્ચ કરવામાં આવ્યું હતું અને હવે ૬જી તરફ કુચ કરવામાં આવી છે. દેશમાં ૫જી લોન્ચ કરવામાં વિલંબ થયો હોવા છતાં ૬જીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઈન્ડિયા ૬જી વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યું હતું. આ સાથે તેણે ૬જી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટેસ્ટ બેડ લોન્ચ કર્યું છે.
દેશમાં ૬જી ટેક્નોલોજી શરૂ કરવા અને અમલમાં મૂકવા માટે તે મદદરૂપ થશે. ૫જી લોન્ચ સમયે પણ પીએમ મોદીએ ૬જીની તૈયારીઓ શરૂ કરવાની વાત કરી હતી. ૬જી વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, ‘આ દાયકો ભારતનો ટેક-એડ છે. ભારતનું ટેલિકોમ અને ડિજિટલ મોડલ સરળ, સુરક્ષિત, પારદર્શક, વિશ્વસનીય અને પરીક્ષણ છે. પીએમ મોદીએ આઈટીયુએરિયા ઓફિસ અને ઈનોવેશન સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે આ વાત કહી હતી.
૬જી પર ટેક્નોલોજી ઇનોવેશન ગ્રુપ દ્વારા ભારત ૬જી વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ જૂથમાં વિવિધ મંત્રાલયો અને વિભાગો, સંશોધન અને વિકાસ સંસ્થાઓ, શિક્ષણવિદો, ટેલિકોમ સેવા પ્રદાતાઓ અને ઉદ્યોગોના લોકોનો સમાવેશ થાય છે. આ જૂથનું કામ ભારતમાં ૬જી લોન્ચ માટે રોડમેપ તૈયાર કરવાનું છે. ૬જી વિઝન ડોક્યુમેન્ટની સાથે પીએમ મોદીએ ૬જી ટેસ્ટ બેડ પણ લોન્ચ કર્યો છે. તેની મદદથી ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય પ્લેટફોર્મ વિકાસશીલ ટેક્નોલોજીનું પરીક્ષણ કરી શકશે.
સરકારના કહેવા મુજબ ઈન્ડિયા ૬જી વિઝન ડોક્યુમેન્ટ અને ૬જી ટેસ્ટ બેડ દેશને ઈનોવેશન સક્ષમ કરવામાં, ક્ષમતા વધારવામાં અને નવી ટેકનોલોજીને ઝડપથી અપનાવવામાં મદદ કરી શકે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં પીએમ મોદીએ સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનના અંતે કહ્યું હતું કે, સરકાર ૬જી લોન્ચની તૈયારી કરી રહી છે, જે આ દાયકાના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે. આ સાથે તેમણે યુવાનો અને ઈનોવેટર્સને આ તકનો લાભ લેવા જણાવ્યું હતું અને નવા ઉકેલો શોધવા અપીલ કરી હતી. SS2.PG