Western Times News

Gujarati News

રાજકોટના ગ્રીનફીલ્ડ એરપોર્ટ પર વડાપ્રધાન કરશે ઉતરાણ-રેસકોર્સમાં જનમેદની સંબોધશે

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજના લિન્ક-૩ના પેકેજ-૮ અને ૯, સૌરાષ્ટ્રનો પ્રથમ મલ્ટિલેવલ બ્રિજ સહિત અનેકવિધ કામોની રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને મળશે ભેટ

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ૨૭મી જુલાઈએ રાજકોટમાં રૂપિયા ૨૦૩૩ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં હિરાસર પાસે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજનાની લિન્ક-૩ના પેકેજ ૮ તથા ૯, રાજકોટમાં સૌરાષ્ટ્રના પ્રથમ મલ્ટિલેવલ ઓવરબ્રિજ સહિતના વિવિધ વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી બપોરે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કરશે. અહીં તેઓ ટર્મિનલ બિલ્ડિંગ ખાતેથી રૂપિયા ૧૪૦૫ કરોડના ખર્ચે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરીને જનતાને સમર્પિત કરશે. વડાપ્રધાનશ્રી આ એરપોર્ટના રન વે, ટર્મિનલ સહિતની કામગીરીનું નિરિક્ષણ પણ કરશે. બાદમાં તેઓ રાજકોટમાં રેસકોર્સ ખાતે જનસભામાં પધારશે. જ્યાં તેમના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કાર્યક્રમનો પ્રારંભ થશે.

રેસકોર્સ ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી રૂપિયા ૩૯૪ કરોડના ખર્ચે સંપન્ન સૌની યોજનાની લિન્ક ૩ના પેકેજ પેકેજ-૮ અને ૯, તેમજ રાજકોટમાં રૂપિયા ૧૨૯.૫૩ કરોડના ખર્ચે કે.કે.વી. ચોક પર બનાવાયેલા સૌરાષ્ટ્રના સૌ પ્રથમ મલ્ટિલેવલ ફ્લાયઓવર બ્રિજનું રિમોટ કંટ્રોલથી ઈ-લોકાર્પણ કરશે.

આ ઉપરાંત રૂ. ૪૧.૭૧ કરોડના ખર્ચે સંપન્ન ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધીની ૧૨૧૯ ડાયામીટરની પાણીની પાઈપલાઈન, વોર્ડ-૧માં રૈયાધારમાં રૂ.૨૯.૭૩ કરોડના ખર્ચે સંપન્ન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોર્ડ-૧૮માં કોઠારિયામાં ૧૫ એમ.એલ.ડી. ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા વોર્ડ-૬માં ગોવિંદ બાગ પાસે રૂ.૮.૩૯ કરોડના ખર્ચે નિર્મિત લાઈબ્રેરીનું પણ તેઓ રિમોટથી લોકાર્પણ કરીને જનતાને સમર્પિત કરશે.

આ તકે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જનતાને સંબોધિત કરશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ જનતાને સંબોધિત કરશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન રાજ્યમંત્રીશ્રી ડૉ. વી.કે.સિંહ પણ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં નવસારીના સાંસદશ્રી સી.આર. પાટીલ, ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત, સામાજિક ન્યાય અધિકારિતા મંત્રીશ્રી ભાનુબહેન બાબરિયા, કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા, વન પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહેશે.

જ્યારે અતિથિ વિશેષ તરીકે રાજકોટના મેયરશ્રી ડૉ. પ્રદીપભાઈ ડવ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદર, સાંસદો સર્વશ્રી રમેશભાઈ ધડૂક, મોહનભાઈ કુંડારિયા, શ્રી રામભાઈ મોકરિયા ઉપસ્થિત રહેશે.  જ્યારે ધારાસભ્યો સર્વશ્રી ઉદયભાઈ કાનગડ, સુશ્રી ડૉ. દર્શિતાબહેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ગીતાબા જાડેજા, શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, શ્રી જીતુભાઈ સોમાણી, શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, શ્રી શામજીભાઈ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પિત થનારા વિકાસ પ્રકલ્પોની ઝાંખી

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ 

·        રાજકોટથી આશરે ૩૦ કિલોમીટર દૂર, નેશનલ હાઇવે નં-૨૭ નજીક હિરાસર ગામ પાસે રૂપિયા ૧૪૦૫ કરોડના ખર્ચે થયું રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ.

·        ૭ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વરદહસ્તે ચોટીલા પાસે હિરાસર ગામમાં આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ ભૂમિપૂજન થયું હતું.

·        રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનો પી.એમ. ગતિશક્તિ પ્રોજેક્ટમાં સમાવેશ.

·        સમગ્ર એરપોર્ટ સંકુલ ૨૫૩૪ એકરમાં ફેલાયેલું છે. આ એરપોર્ટ ૩૦૪૦ મીટર લાંબો અને ૪૫ મીટર પહોળો રન-વે ધરાવે છે. જેના પર એકસાથે ૧૪ વિમાનની પાર્કિંગ ક્ષમતા.

·        એરપોર્ટમાં ૨૩ હજાર ચોરસ મીટરમાં પેસેન્જર ટર્મિનલ બનાવાયું.

·        ‘સૌની’ યોજના લિન્ક-૩ના પેકેજ-૮ તથા પેકેજ-૯નું કાર્ય રૂપિયા ૩૯૩.૬૭ કરોડના ખર્ચે સંપન્ન

·        આ બંને પેકેજના ઉદઘાટનથી સૌરાષ્ટ્રના ૫૨,૩૦૦ એકરથી વધુ વિસ્તારમાં સિંચાઈની સુવિધા વધુ સઘન બનશે.

·        ઉપરાંત રાજકોટ જિલ્લાના ૯૫ ગામના ૯૮ હજારથી વધુ લોકોને પીવાના પાણીનો લાભ મળશે.

·        ‘સૌની’ યોજના લિન્ક-૩ના પેકેજ-૮ની કામગીરી રૂપિયા ર૬૪.૯૬ કરોડના ખર્ચે સંપન્ન.

·        પેકેજ-૮ દ્વારા ૪૨,૩૮૦ એકર વિસ્તારને સિંચાઈનો સીધો લાભ મળશે. જેનાથી આશરે ૧૦,૫૬૮ ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવી શકશે. ઉપરાંત ૫૭ ગામોના ૭૫ હજારથી વધુ લોકોની પીવાના તથા સિચાઈના પાણીની સુવિધામાં વધારો થશે.

·        ‘સૌની’ યોજનાની લિન્ક-૩ના પેકેજ-૯ની કામગીરી રૂ.૧૨૮.૭૧ કરોડના ખર્ચે સંપન્ન.

·        આ પેકેજ-૯ કાર્યાન્વિત થતાં ૩૮ ગામોના ૨૩ હજારથી વધુ લોકોને ફાયદો થશે તથા ૧૦,૦૧૮ એકર જમીનને સિંચાઈની સુવિધાઓ  મળતાં ધરતી હરિયાળી બનશે.

રાજકોટ મ.ન.પા.નાં વિવિધ વિકાસકાર્યો – (પાંચ કામોઃ રૂ.૨૩૪.૦૮ કરોડ)

(૧) કે.કે.વી.ચોક મલ્ટિલેવલ ફ્લાય ઓવરબ્રિજ – રૂ.૧૨૯.૫૩ કરોડ

·        રાજકોટ શહેરના કાલાવડ રોડ પર કે.કે.વી. ચોકમાં હયાત બ્રિજ ઉપર સૌરાષ્ટ્રનો પ્રથમ મલ્ટિલેવલ ફ્લાયઓવર બ્રિજ બનાવાયો.

·        રૂપિયા ૧૨૯.૫૩ કરોડના ખર્ચે, ૧.૧૫ કિલોમીટર લાંબા બ્રિજનું નિર્માણ.

·        આ બ્રિજથી કાલાવડ રોડ ટ્રાફિકની સમસ્યા હલ થશે.

(૨) ન્યારી-૧ ડેમથી રૈયાધારમાં નવા બનેલા ફિલ્ટર પ્લાન્ટ સુધી રો વોટર પહોંચાડવા માટે, રૂ.૪૧.૭૧ કરોડના ખર્ચે, ૧૨૧૯ એમ.એમ. ડાયામીટરની પાઇપલાઈન નંખાઈ.

·        ૧૧ કિલોમીટર લંબાઈની આ પાઈપલાઈનથી ન્યારી-૧ ડેમથી રૈયાધાર સુધી અંદાજે ૮૦ એમ.એલ. પાણી વહન કરી શકાશે.

·        આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના મુખ્યત્વે વોર્ડ નં.૧,૮,૯,૧૦ તથા ૧૩ના વિસ્તારમાં પાણી પહોંચાડાશે. અંદાજે ૨,૪૦,૦૦૦ જેટલી વસ્તીને આ પાઈપલાઈન દ્વારા પાણી પૂરું પડાશે.

(૩) રાજકોટના વેસ્ટ ઝોનના વોર્ડ નંબર-૧માં, અમૃત-૧ યોજના અંતર્ગત, રૈયાધાર ખાતે રૂ. ૨૯.૭૩ કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ.

·        આ પ્લાન્ટની ક્ષમતા ૫૦ મિલિયન લીટર પ્રતિ દિન ટ્રીટમેન્ટની છે. ત્રીસ લાખ લીટરની એલિવેટેડ સ્ટોરેજ ક્ષમતા.

·        આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના મુખ્યત્વે વોર્ડ નં.૧,૮,૯,૧૦ તથા ૧૩ના વિસ્તારમાં પાણી પહોંચાડાશે. અંદાજે ૨,૪૦,૦૦૦ જેટલી વસ્તીને પાઈપલાઈન દ્વારા પાણી પૂરું પડાશે.

(૪) રાજકોટના વોર્ડ નંબર-૧૮માં, અમૃત-૧ યોજના અંતર્ગત, કોઠારિયામાં ૧૫ એમ.એલ.ડી. ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૂ.૨૪.૭૨ કરોડના ખર્ચે નિર્માણ.

·        આ પ્લાન્ટથી વોર્ડ નંબર ૧૮ અને ૧૨ના કોઠારીયા તથા વાવડી વિસ્તારના અંદાજિત બે લાખ જેટલા રહેવાસીઓની ડ્રેનેજને લગતી સમસ્યાઓનું નિવારણ થશે.

(૫) વોર્ડ નંબર-૬માં ગોવિંદ બાગ પાસે રૂ.૮.૩૯ કરોડના ખર્ચે લાયબ્રેરીનું નિર્માણ.

·        ૧૫૯૬ ચોરસ મીટર જેવી વિશાળ જગ્યામાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ત્રણ માળની લાઈબ્રેરીનું બાંધકામ.

·        વિવિધ ભાષામાં વિવિધ વિષયોના ૩૩ હજાર પુસ્તકો, ૨૦૦ જેટલા મેગેઝીન્સ તથા ૨૦ જેવા વર્તમાનપત્રો આ લાઇબ્રેરીમાં વાંચવા મળશે. ઉપરાંત ટોય લાઇબ્રેરી, ડિજિટલ કન્ટેન્ટ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે મિનિ થિયેટર.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.