નાપાસ કરવા ધમકી આપી છાત્રા સાથે પ્રિન્સિપાલે દુષ્કર્મ આચર્યું

મેરઠ, મેરઠની એક સરકારી શાળાના પ્રિન્સિપાલે કથિત રીતે ૧૭ વર્ષની વિદ્યાર્થીનીને માદક પદાર્થ આપીને બળાત્કાર ગુજાર્યો હતો. આરોપ છે કે, પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીને નાપાસ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ શાળા મેરઠના ગ્રામીણ વિસ્તારમાં છે. પીડિત પરિવારની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે આ ઘટના ૨૩ નવેમ્બરે બની હતી. તે દિવસે આરોપી પ્રિન્સિપાલ શાળાના ૯ વિદ્યાર્થીઓને વૃંદાવનની ટૂર પર લઈ ગયો હતો. આરોપીએ વિદ્યાર્થીનીઓને રહેવા માટે હોટલમાં બે રૂમ બુક કરાવ્યા હતા. આઠ વિદ્યાર્થીનીઓ એક રૂમમાં રહી હતી જ્યારે આરોપી કથિત રીતે સગીર સાથે બીજા રૂમમાં રહ્યો હતો. આરોપ છે કે, આ દરમિયાન પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીના ભોજનમાં ડ્રગ્સ ભેળવી દીધું અને પછી તેની સાથે રેપ કર્યો હતો.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, જ્યારે યુવતીએ રેપનો વિરોધ કર્યો તો આરોપીએ તેને પરીક્ષામાં નાપાસ થવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. પોલીસના જણાવ્યા અનુસાર સગીર વિદ્યાર્થિની ૨૪ નવેમ્બરના રોજ પોતાના ઘરે પરત ફરી હતી. તેણે થોડા દિવસો સુધી આ ઘટના વિશે કોઈને જાણ કરી ન હતી.
આ પછી, છોકરીના પિતાએ શનિવારે, ૧૦ ડિસેમ્બરના રોજ ફરિયાદ નોંધાવી.
અહેવાલો અનુસાર, પોલીસે આચાર્ય વિરુદ્ધ IPC કલમ ૩૭૬ (બળાત્કાર) અને પોક્સો સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. જાે કે, પ્રિન્સિપાલ ફરાર છે. પોલીસે એક ટીમ બનાવી છે જે વૃંદાવન જશે અને પ્રિન્સિપાલની ધરપકડ કરશે. આ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે.