બંધારણીય મહત્વની બાબતોની સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનુ લાઈવ પ્રસારણ કરવામાં આવશે
(એજન્સી)નવી દિલ્હી, જાે તમે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી જાેવા ઈચ્છો છો તો તમારા માટે સારા સમાચાર છે. ૨૭ સપ્ટેમ્બર મંગળવારથી સુપ્રીમ કોર્ટમાં બંધારણીય બેન્ચની તમામ સુનાવણીનુ લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
આ પહેલા ભારતના ૪૮મા સીજેઆઈ એનવી રમનાના કાર્યકાળના અંતિમ દિવસે તેમની અધ્યક્ષતાવાળી સેરેમોનિયલ બેન્ચની કાર્યવાહીનુ લાઈવ પ્રસારણ કરવામાં આવ્યુ હતુ. ભારતના સીજેઆઈ ઉદય ઉમેશ લલિતએ પૂર્ણ કોર્ટની બેઠકની અધ્યક્ષતા કરી. જેમાં તમામ ન્યાયાધીશોએ જાહેર અને બંધારણીય મહત્વના કેસની કાર્યવાહીની લાઈવ સ્ટ્રીમિંગ કરવા મુદ્દે સંમતિ વ્યક્ત કરી.
વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહએ ગયા અઠવાડિયે સીજેઆઈ ઉદય ઉમેશ લલિત અને તેમના સાથી ન્યાયાધીશોને પત્ર લખીને જાહેર અને બંધારણીય મહત્વની બાબતોની કાર્યવાહીની લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કરવાની વિનંતી કરી હતી.
અગાઉ સપ્ટેમ્બર ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટમાં બંધારણના અનુચ્છેદ ૨૧ હેઠળ ન્યાય મેળવવાના અધિકાર હેઠળ કોર્ટની કાર્યવાહીનુ સીધુ પ્રસારણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર અનામત, ધાર્મિક પ્રથા, વર્ષ ૧૯૮૪માં થયેલી ભોપાલ ગેસ દુર્ઘટના સહિત અન્ય જાહેર અને બંધારણીય મહત્વની બાબતોની કાર્યવાહીનુ લાઈવ પ્રસારણ કરવામાં આવશે
જેનાથી લોકો સાથે જાેડાયેલા મુદ્દાઓની સુનાવણી દરમિયાન સામાન્ય લોકો સીધી સુપ્રીમ કોર્ટની કાર્યવાહી જાેઈ શકે. આનાથી વકાલતનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે.