પેટલાદ પાલિકા પ્રમુખપદ માટે ઘમાસાણ શરૂ
સંભવિતોનું સંપર્ક અભિયાન- સભ્યો, સંગઠન અને મોરચાના હોદ્દેદારોનો અભિપ્રાય લેવાશે
(પ્રતિનિધિ) પેટલાદ, આણંદ જીલ્લાની પાંચ નગરપાલિકા પૈકી પેટલાદ પાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી તા.૧૪ સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે. જે પૂર્વે ભાજપના નિરીક્ષકો દ્વારા પાલિકાના સભ્યો, સંગઠન તથા મોરચાના હોદ્દેદારોનો અભિપ્રાય આવતીકાલે લેવામાં આવનાર છે.
જેથી આજરોજ સંભવિત ઉમેદવારોએ કાઉન્સિલરો સહિત હોદ્દેદારોને પોતાની તરફે કરવા સંપર્ક અભિયાન ચલાવ્યું હતું. જાે કે પાલિકામાં પ્રમુખ પદ મેળવવા સંભવિત ઉમેદવારો વચ્ચે ઘમાસાણ યુદ્ધની સ્થિતિ સર્જાઈ હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે.
પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આગામી તા.૧૪ સપ્ટેમ્બરના રોજ બપોરે ૧૨ કલાકે યોજાનાર છે. પાલિકાની પ્રથમ ટર્મ માટે પ્રમુખની બેઠક મહિલા અનામત હતી. જ્યારે આ વખતે બીજી ટર્મ માટે પ્રમુખપદ માટે સામાન્ય બેઠક ફળવાયેલ છે. જેથી સંભવિતોની લાંબી કતાર લાગી છે?.
પેટલાદ પાલિકા માટે રાજકીય ગણિત જાેઇએ તો નવ વોર્ડની ૩૬ પૈકી ૨૨ બેઠકો સાથે ભાજપ સ્પષ્ટ બહુમત ધરાવે છે. આ ૨૨ બેઠકો પૈકી ૭ પટેલ સભ્યો છે. જેમાં દર્શના પટેલ, ગીતા પટેલ, ધરતી પટેલ, કાજલ પટેલ મળી ચાર મહિલાઓ અને ભાવિન (ભયલું) પટેલ, જય પટેલ, સુનિલ (સયો) પટેલ એમ ત્રણ પુરૂષ સભ્યો છે.
આ વખતે સામાન્ય બેઠક હોવાથી પુરૂષ સભ્યની દાવેદારી ધ્યાનમાં લઈએ તો ત્રણ પૈકી ભાવિન પટેલ સતત બે વખત એટલે કે વર્ષ ૨૦૧૫ અને ૨૦૨૧ની ચૂંટણીમાં વિજયી થયેલ છે. અહીંયા ખાસ નોંધપાત્ર બાબત એ છે કે આ બંન્ને ચૂંટણીમાં ભાવિન પટેલે તેમના હરિફ ઉમેદવાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એવા નિરંજન પટેલને મ્હાત આપી હતી.
જ્યારે અન્ય બે સંભવિતોમાં જય પટેલ અને સુનિલ પટેલ પ્રથમ વખત ચૂંટાઈને પાલિકામાં સભ્ય છે. પેટલાદ પાલિકામાં ભાજપના ૭ પટેલ સભ્યો ઉપરાંત ૩ કાછીયા, ૩ તળપદા, ૩ પરમાર, ૧ બ્રાહ્મણ, ૧ વણિક તથા ૪ ઈતર જ્ઞાતિના સભ્યો છે. આ વખતની બીજી ટર્મ માટે સામાન્ય બેઠક ઉપર અન્ય સંભવિતોમાં જીજ્ઞેશ જાેષી, કેતન ગાંધી, અશ્વિન કાછીયાનો સમાવેશ થાય છે.
પેટલાદ પાલિકાની પ્રથમ ટર્મના અઢી વર્ષ દરમ્યાન વિકાસલક્ષી એવા કોઈ જ કામ નહીં થયા હોવાની વાત જગ જાહેર છે. ઉપરાંત વહીવટ સદંતર ખાડે ગયો હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. પાલિકાના કેટલાક વિભાગો તથા એન કે હાઈસ્કૂલની શાળા કમિટીમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો છૂપો ગણગણાટ નગરજનોમાં ચર્ચાસ્પદ છે.
જાે એન કે હાઈસ્કૂલના છેલ્લા બે વર્ષના હિસાબોની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓ ચર્ચાનો વિષય બન્યો છે. ઉપરાંત શાળાના કેટલાક ધોરણોની ફીમાં થયેલ તોતીંગ વધારો પણ વાલીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
હવે જ્યારે બીજી ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર છે તે પૂર્વે આવતીકાલે સાંજે ૪.૩૦ કલાકે પાલિકાના સભ્યો, શહેર સંગઠનના સભ્યો, વિવિધ મોરચાના હોદ્દેદારોનો અભિપ્રાય નિરીક્ષકો દ્વારા લેવામાં આવનાર છે. જાેવાનું એ રહેશે કે પેટલાદ પાલિકાના પ્રમુખની પસંદગીનો તાજ કોના શિરે રહે છે ? હાલ તો પેટલાદ પાલિકાના પ્રમુખ પદ માટે ભાજપ જૂથમાં જ ઘમાસાણની સ્થિતી સર્જાઈ હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે.
જિલ્લા કાર્યાલયે સેન્સ પ્રક્રિયા
જીલ્લાની આણંદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ અને સોજીત્રા પાલિકામાં તા.૧૪ સપ્ટેમ્બરના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર છે. આ પાંચેય પાલિકામાં પ્રથમ ટર્મ દરમ્યાન સત્તા ભાજપ હસ્તક રહી છે. હવે બીજી ટર્મના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ભાજપ દ્વારા ચૂંટણી પૂર્વે સભ્યોની સેન્સ લેવાની એક પ્રક્રિયા હોય છે.
જે આવતી કાલથી શરૂ થનાર છે?. ભાજપ જીલ્લા કાર્યાલય ખાતે આવતીકાલે બપોરે બે કલાકથી નિરીક્ષકોની ઉપસ્થિતીમાં આણંદ, ઉમરેઠ, ખંભાત અને પેટલાદ પાલિકાના સભ્યો, સંગઠનના સભ્યો તથા વિવિધ મોરચાના હોદ્દેદારોનો અભિપ્રાય લેવામાં આવનાર છે.
જ્યારે બીજી સપ્ટેમ્બરે સોજીત્રા પાલિકા માટે સાંભળવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે પાલિકા સાથે જ જીલ્લા પંચાયત અને આઠ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા ચાલનાર હોવાનું ભાજપ જીલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું.