રાજપીપલામાં રક્તપિત્ત જાગૃતિ અભિયાન અંતર્ગત યોજાયેલ રેલીને નગરજનોનો આવકાર મળ્યો
રાજપીપલાના જનરલ હોસ્પિટલના પ્રાંગણમાં ભારતને રક્તપિત્ત મુક્ત બનાવવાના શપથ લેવડાવતા ડો. દર્શનાબેન દેશમુખ
(માહિતી) રાજપીપલા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ રક્તપિત્તના દર્દીઓ માટે કરેલા સેવાકીય કાર્યોથી સૌ કોઈ વાકેફ છે, બાપુના આ સેવાકીય કાર્યને સાચી શ્રદ્ધાંજલી આપી સેવામાં ચીંધેલા આ માર્ગ પર આગેકૂચ કરવાના ઉમદા આશય સાથે “ગાંધી નિર્વાણ દિવસ” નિમિત્તે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે રાજપીપલાના જનરલ હોસ્પિટલના પ્રાંગણમાં નર્મદા જિલ્લા સહિત ભારતને રક્તપિત્ત મુક્ત બનાવવાની સૌ કોઈને શપથ લેવડાવી “સ્પર્શ” રક્તપિત્ત જન જાગૃતિ અભિયાન અંતર્ગત આયોજિત રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, રક્તપિત્ત રોગ પૂર્વ જન્મનાં પાપ કે શ્રાપનું પરિણામ નથી, વહેલું નિદાન, નિયમિત સારવાર અને કાળજીથી રક્તપિત્તને જડમૂળથી સમાપ્ત કરી શકાય છે. રક્તપિત્તથી પીડિત લોકોને સામાજિક ભેદભાવનો સામનો કરવો ન પડે તે માટે રક્તપિત્ત અંગે ગેરમાન્યતાઓ દૂર કરી લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. વધુમાં તેઓશ્રીએ રક્તપિત્ત વિશે લોકોમાં જાગૃતિ વધારવા અને પીડિત દર્દીઓ માટે તેની સારવારને સઘન બનાવી નર્મદા જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
રક્તપિત્ત વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે જુની સિવિલ હોસ્પિટલથી રેડક્રોસ બ્લડ બેંક રાજપીપલા સુધી યોજાયેલ રેલીમાં નર્સિંગ સ્ટાફ દ્વારા રેલીમાં બેનર્સ, પ્લેકાર્ડ્સના માધ્યમથી લોકોને અનેક સ્લોગનો થકી રક્તપિત્ત અંગે જાગૃત કર્યા હતા. જેમાં આ રેલીને રાજપીપલાના નગરજનોનો આવકાર મળ્યો હતો. ડો. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ રેલી જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવાના ઉમદા પ્રયાસોને વધુ મજબુત કરશે.
નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્તના દર્દીઓના ઉત્થાન અને સારવાર વિશે જાગૃતિ ફેલાવવા માટે ખુબ જ સરાહનીય પ્રયાસો હાથ ધરાઈ રહ્યાં છે. જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રી ડો.હેત્તલ ચૌધરીએ આ કાર્યક્રમ અને રેલી સંદર્ભે ચામડી ઉપર ચાઠુ જેમાં સંવેદનાનો અભાવ હોય, ચેહરા અથવા કાનની બુટમાં સોજાે અથવા ગાંઠો જણાય તો રક્તપિત્ત હોઈ શકે, આવા લક્ષણો નજરે પડતા જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા તેમજ રક્તપિત્ત રોગ બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવવા અનુરોધ કર્યો હતો.
નર્મદા જિલ્લામાં મહાત્મા ગાંધી નિર્વાણ દિવસથી તા. ૧૩મી ફેબ્રુઆરી એટલે કે એક પખવાડિયા સુધી ચાલનાર આ અવેરનેસ કેમ્પેઈનનો ઉદ્દેશ્ય લોકોમાં રક્તપિત્ત રોગ બાબતે જાગૃતિ લાવવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજપીપલા ખાતે રક્તપિત્ત નિવારણ કાર્યક્રમ સિવાય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ૪ડી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જન્મજાત ખોડ, ઉણપ, રોગ અને વિકાસલક્ષી વિલંબ તથા વિકલાંગતા ધરાવતા બાળકોના આરોગ્યની તપાસણી કરાઈ હતી.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. જનકકુમાર માઢક, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.અનીલ વસાવા, જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રી ડો.હેત્તલ ચૌધરી, લેપ્રસી મેડીકલ ઓફિસરશ્રી ડો.હિરેનભાઈ પ્રજાપતિ, જિલ્લા ટી.બી. અધિકારીશ્રી ડો. ઝંખનાબેન વસાવા, નાંદોદ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.એ.કે.સુમન, સહિત જિલ્લા આરોગ્ય વિભાગના ડોક્ટરશ્રીઓ અને નર્સીંગ સ્ટાફ સહિતના અધિકારી-કર્મચારીશ્રીઓ રેલીમાં જાેડાયા હતા.