Western Times News

Gujarati News

કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ એપ્રિલના અંતમાં શરુ થવાની સંભાવના

અમદાવાદ, ભારતીય રેલવેએ અમદાવાદના છ સહિત રાજ્યમાં ૮૭ સ્ટેશનોનો પુનર્વિકાસનું કામ હાથ ધર્યું છે. અમદાવાદ જંક્શન (કાલુપુર) સ્ટેશનનો પુનર્વિકાસ એપ્રિલના અંતમાં શરુ થવાની સંભાવના છે. અન્ય પાંચ સ્ટેશનો સાબરમતી, ગાંધીગ્રામ, મણિનગર, ચાંદલોડિયા અને અસારવા રિડેવલપ કરવાના છે.

અમદાવાદ સ્ટેશન માટેનું ટેન્ડર પહેલેથી જ બહાર પાડવામાં આવ્યું છે અને ૨૦ ફેબ્રુઆરીએ કોન્ટ્રાક્ટરને ફાઇનલ કરવામાં આવશે. રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, પુનર્વિકાસ હેઠળના અન્ય સ્ટેશનોમાં ડાકોર, દ્વારકા, અંબાજી, જામનગર, ભાવનગર અને મહેમદાવાદ છે.

ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વૈષ્ણવે જાહેરાત કરી હતી કે કાલુપુર રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ કરવામાં આવશે અને તેની ડિઝાઈન મોઢેરાના સૂર્ય મંદિરની થીમ આધારિત હશે. અમદાવાદ સ્ટેશન વિશે એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજરે અનંત કુમારે જણાવ્યું હતું કે, અમદાવાદ સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે રુપિયા ૨૩૭૧ કરોડનો ખર્ચ થશે.

તેમણે કહ્યું કે, અમદાવાદ સ્ટેશન પર આવેલી ઓફિસોને અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે. મિનિસ્ટરે વધુમાં જણાવ્યું હતું કે, પહેલી ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવેલા બજેટમાં ગુજરાતમાં રેલવે અને તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટેનો ખર્ચ વધારીને રુપિયા ૮૩૩૨ કરોડ કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, આ ફાળવણી ૨૦૦૯-૨૦૧૪ વચ્ચે માત્ર રુપિયા ૫૮૯ કરોડ હતી.

તેમણે કહ્યું કે, ૩૬૪૩૭ કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે અને લોકસભાની મંજૂરી બાદ તેની વિગતો જાહેર કરવામાં આવશે. અંબાજી-મહેસાણા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ ગુજરાત માટે મહત્વનો છે અને અગ્રતાના ધોરણે કામ હાથ ધરવામાં આવ્યું છે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, બુલેટ ટ્રેનનો રોલિંગ સ્ટોક ટૂંક સમયમાં મૂકવામાં આવશે. જેથી ૨૦૨૬ પહેલાં તેને લોકો માટે ખુલ્લી મૂકી શકાય. આ પ્રોજેક્ટ ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થાય એવી આશા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનું ૧૪૦ કિમીના અંતરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને મહારાષ્ટ્રમાં આ વર્ષે ઝડપથી કામ હાથ ધરવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.