ભારતમાં ફવાદ- માહિરા ખાનની ‘મૌલા જટ્ટ’ની રિલીઝ અટવાઈ
મુંબઈ, પાકિસ્તાની સ્ટાર્સ ફવાદ ખાન અને માહિરા ખાનને હિન્દી ફિલ્મમાં રોલ આપવાની મથામણ લાંબા સમયથી ચાલી રહી છે. બોયકોટ ટ્રેન્ડ શરૂ થવાની આશંકાએ બોલિવૂડના ફિલ્મ મેકર્સ પાકિસ્તાની સ્ટાર્સ સાથે કામ કરવાની ઈચ્છા દબાવીને બેઠા છે.
પાકિસ્તાની સ્ટાર્સ સાથે નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં જોખમ વધારે છે, જ્યારે તેમની તૈયાર ફિલ્મને ભારતમાં રિલીઝ કરવામાં ખાસ જોખમ નથી. પાકિસ્તાની સ્ટાર્સનો ફુલ ફ્લેજ અખતરો શરૂ કરતાં પહેલાં ફવાદ અને માહિરા ખાનની ફિલ્મ મૌલા જટ્ટને ભારતમાં રિલીઝ કરવાનું આયોજન હતું.
આ ફિલ્મ બીજી ઓક્ટોબરે ગાંધી જયંતીના રોજ રિલીઝ થવાની હતી. જો કે ભારે વિરોધના પગલે હાલ આ ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવી છે. ફવાદ અને માહિરાની ફિલ્મને આવકારવા માટે બોલિવૂડ થનગની રહ્યું હતું ત્યારે અચાનક જ કેટલાક લોકોને પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો પ્રત્યેનું વલણ યાદ આવ્યું હતું. પાકિસ્તાનમાં ૨૦૧૯ના વર્ષથી ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ મૂકાયેલો છે.
પાકિસ્તાને પ્રતિબંધ ન ઊઠાવ્યો હોય તો ભારતમાં પડોશી દેશની ફિલ્મ બતાવવાનું પગલું એક્ઝિબિટર્સને અયોગ્ય લાગ્યુ હતું. આઈકોનિક પાકિસ્તાની ફિલ્મ મૌલા જટની રીમેક તરીકે આ ફિલ્મ બની છે. તેમાં ક્‰ર અને લાલચુ ગેંગ લીડર નૂરી નટ્ટનો રોલ હમઝા અલી અબ્બાસીએ કર્યો છે.
જ્યારે નૂરીને ટક્કર આપનારા લોકલ હીરો મૌલા જટ્ટના રોલાં ફવાદ ખાન છે. ૨૦૧૬માં ઉરી હુમલાની ઘટના બાદ ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકાયો હતો. આ પ્રતિબંધ અયોગ્ય છે અને કલાને સરહદના સીમાડા નડતા નથી, તેવી દલીલ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ થઈ હતી.
પાકિસ્તાની કલાકારો પર મૂકાયેલા પ્રતિબંધો હટાવી લેવાની માગણી સાથે થયેલી અરજીને નવેમ્બર ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી. મૌલા જટ્ટ ૨૦૨૨માં રિલીઝ થઈ હતી અને ગ્લોબલ બોક્સઓફિસ પર તેને રૂ.૪૦૦ કરોડનું કલેક્શન મળ્યું હતું.
ડિસેમ્બર ૨૦૨૨માં તેને રિલીઝ કરવાનો પ્લાન હતો, પરંતુ વાત આગળ વધી ન હતી. ફરી એક વખત તેની રિલીઝ અટવાઈ છે. ફિલ્મની રિલીઝ માટે તૈયારીઓ ચાલતી હતી ત્યારે મહારાષ્ટ્રમાં નવ નિર્માણ સેનાએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને થીયેટર માલિકોને માઠાં પરિણામ માટે તૈયાર રહેવા ચીમકી આપી હતી.
આ ફિલ્મને પાકિસ્તાની ફિલ્મ મેકર્સ ‘બાહુબલિ’ સાથે સરખાવી રહ્યા છે. જો કે ભારતમાં આ ફિલ્મની રિલીઝ ફરી એક વખત અટવાઈ જતાં પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટું નુકસાન થઈ શકે છે.SS1MS