વિદેશ જઈ અધિકારીઓ શું શીખ્યા તેનો રિપોર્ટ મ્યુનિ.માં આપવો પડશે!
નવી દિલ્હી, અભ્યાસ, સેમિનાર અને તાલીમનાં નામે દેશવિદેશની સહેલગાહ માણી આવતાં મ્યુનિ.નાં અધિકારીઓ અને કર્મચારીઓએ હવે સેમિનાર-તાલીમમાં શું શીખી આવ્યા કે જાણી આવ્યા અને તેનો મ્યુનિ.ને શું ફાયદો થાય તેની જાણકારી સબંધિત ખાતાનાં કર્મચારી અને અધિકારીને આપવી પડશે.
મ્યુનિ. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, મ્યુનિ.માં વર્ષાેથી દેશવિદેશમાં ફરવા જવા માટે નામી-અનામી સંસ્થાઓનાં આમંત્રણકાર્ડ મેળવવામાં આવતાં હોવાનુ ચર્ચાય છે અને આવા આમંત્રણકાર્ડમાં તાલીમ, સેમિનાર અને અભ્યાસનાં બહાના દર્શાવાતાં હોય છે.
જોકે તાજેતરનાં વર્ષાેમાં આવા આમંત્રણકાર્ડની સંખ્યા ઓછી થઇ ગઇ છે તે નોંધનીય બાબત છે. હાલમાં દેશવિદેશની સરકાર કે સ્થાનિક સ્વરાજની સંસ્થા દ્વારા સત્તાવાર આમંત્રણ આપવામાં આવે તો જ કર્મચારી-અધિકારીને દેશવિદેશનાં પ્રવાસે જવાની મંજૂરી આપવામાં આવે છે, જેનો સઘળો ખર્ચ મ્યુનિ. તિજોરીમાંથી કરવામાં આવે છે.
ઘણા કિસ્સામાં દેશવિદેશ જવા માટે સ્વ ખર્ચે તાલીમ લેવા જનારાઓ મ્યુનિ.માં છે તેવો કટાક્ષ કરતાં સૂત્રોએ કહ્યું કે, અત્યારસુધી અભ્યાસ, તાલીમ અને સેમિનારનાં નામે દેશવિદેશમાં મહાલી આવનારા કર્મચારી, અધિકારી આવ્યા પછી મ્યુનિ. કે શહેરનાં હિતમાં શું જાણી આવ્યા કે શીખી આવ્યા તેની કોઇ જાણકારી ઉચ્ચ અધિકારીઓ કે ચૂંટાયેલી પાંખને આપતા નથી.
એટલું જ નહિ, તેમનાં હાથ નીચેનાં કર્મચારીઓને પણ કંઇ શીખવાડ્યું હોય તેવા દાખલા દિવો લઇ શોધવા જવું પડે તેવા છે. જોકે રાજ્ય સરકારે દેશવિદેશ ફરવા જવા થનગનતાં કર્મચારી અને અધિકારીઓ ઉપર અંકુશ લાદતાં પૂર્વ મંજૂરી આવશ્યક બનાવી દીધી છે, તો બીજી બાજુ મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસને પણ તમામ ખાતાનાં અધિકારીઓને દેશવિદેશમાં મ્યુનિ.નાં ખર્ચે કે સ્વ ખર્ચે તાલીમ-સેમિનાર કે અભ્યાસ માટે જઇ આવ્યા બાદ એક જ સપ્તાહમાં જે શીખી આવ્યા હોય કે જાણીને આવ્યા હોય તેનો યોગ્ય ઉપયોગ થાય તે હેતુથી એક પ્રેઝન્ટેશન તૈયાર કરવા તેમજ તેનુ નિદર્શન સબંધિત ખાતાનાં અધિકારી-કર્મચારી સમક્ષ કરવાનો આદેશ કરી નાખ્યો છે. તદઉપરાંત પ્રેઝન્ટેશનની એક નકલ મ્યુનિ.કમિશનર અને સેન્ટ્રલ ઓફિસને મોકલી આપવાની તાકીદ કરવામાં આવી છે.
કમિશનરનાં આ આદેશને પગલે મ્યુનિ.માં તાલીમ-સેમિનાર અને અભ્યાસના નામે દેશવિદેશ ફરવા જવા થનગનતાં અધિકારીઓ ઉંચાનીચા થઇ ગયા છે. મ્યુનિ. સૂત્રોએ કહ્યું કે, દેશવિદેશમાં મહાલવા માટે તાલીમ, સેમિનાર અને અભ્યાસનાં બહાના તો ચૂંટાયેલાં કોર્પાેરેટરોને પણ લાગુ પડે છે.
તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેમને મળેલી ફરિયાદો બાદ કોર્પાેરેટરોનાં કહેવાતા અભ્યાસ પ્રવાસો ઉપર બ્રેક મારી દીધી હતી. તે અગાઉ તો ભાજપ-કોંગ્રેસ ભાઇ-ભાઇની જેમ દેશવિદેશનાં પ્રવાસે જઇ આવ્યાનાં દાખલા છે અને તેમાંય કોંગ્રેસનાં શાસન દરમિયાન તો અમેરિકામાં સ્ટે.કમિટીની બેઠક બોલાવાયાનો ઇતિહાસ સર્જાયો છે.
આ કોર્પાેરેટરો ફક્તને ફક્ત ફરવા માટે જ દેશવિદેશમાં જતાં હોવાથી અને તેમનાં પ્રવાસ પાછળ થતો ખર્ચ પણ શહેરીજનોનાં ટેકસનાં નાણાંમાંથી ચૂકવાતો હોવાથી તેમને પણ દેશવિદેશનાં અભ્યાસ-સેમિનાર પ્રવાસમાંથી શું શીખી આવ્યા અને શહેરીજનોને કઇ રીતે લાભ મળશે તેની વિગત આપવાનો નિયમ લાગુ પાડવો જોઇએ તેમ મ્યુનિ.કર્મચારી આલમનુ માનવુ છે.SS1MS