ઢેઢાળ ગામના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી ગંદકીની સમસ્યાથી હતા પરેશાન
સ્વાગતથી સુનિશ્ચિત થઈ સ્વચ્છતા -બાવળા તાલુકાના ઢેઢાળ ગામના વતની કિરીટભાઈની સમસ્યાનું ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં નિવારણ
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં કિરીટભાઈની સમસ્યાનું આવ્યું હકારાત્મક પરિણામ
બાવળા તાલુકાના ઢેઢાળ ગામના મકવાણા કિરીટકુમાર નરસિંહભાઇએ બાવળા તાલુકા પંચાયતમાં ઢેઢાળ ગામમાંથી ગંદકી દૂર કરવા બાબતે સ્વાગત ઓનલાઇન પલેટફોર્મ દ્વારા અરજી કરી હતી.
કિરીટભાઈ ઘણા સમયથી ગામમાં તથા રહેણાંક વિસ્તાર આસપાસ થઈ રહેલી ગંદકીની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કિરીટભાઈની સમસ્યાને ધ્યાને લઈ અસરકારક સમાધાન માટે પગલાં લેવામાં આવ્યા. સકારાત્મક અભિગમ સાથે બાવળા તાલુકા પંચાયત દ્વારા તેમના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.
કિરીટભાઈ મકવાણાના જણાવ્યા મુજબ હાલમાં ઢેઢાળ ગામમાં ગંદકીની સમસ્યા સંપૂર્ણપણે નાબૂદ થઈ છે. આ ઉપરાંત ભવિષ્યમાં પણ ગંદકીની સમસ્યા ઊભી ન થાય તેના માટે સકારાત્મક પ્રયત્નો થઈ રહ્યા છે. આમ ઓનલાઈન માધ્યમથી તેમની સમસ્યાનું સંતોષકારક સમાધાન મળતા તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.