ધો.૧૦નું પરિણામ મે મહિનાના અંતિમ સપ્તાહમાં જાહેર થઈ શકે છે
ધો.૧ર સાયન્સનું રિઝલ્ટ મેનાં પ્રથમ સપ્તાહમાં જાહેર થવાની શક્યતા
(એજન્સી) અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં પૂર્ણ થતાં જ પેપર ચકાસણીની કામગીરી શરૂ થઈ હતી. પેપર ચકાસણીની કામગીરી પૂરી થતાં જ હવે ડેટા એન્ટ્રીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
હવે ટૂંક સમયમાં જ ડેટા એન્ટ્રીની કામગીરી પણ પૂરી થઈ જશે. જેથી મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધો.૧ર સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ધો.૧૦ અને ૧ર સાયન્સ તથા સામાન્ય પ્રવાહમાં ૧પ લાખ કરતા વધુ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.
સર્વ પ્રથમ ધો.૧ર સાયન્સ પ્રવાહનું પરિણામ જાહેર થશે. ગત વર્ષે ધો.૧ર સામાન્યનું પરિણામ મે માસના બીજા સપ્તાહમાં જાહેર કરાયું હતું. આ વર્ષે એક સપ્તાહ વહેલું પરિણામ જાહેર થવાની શકયતા છે. ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના ત્રીજા સપ્તાહમાં, જયારે ધો.૧૦નું પરિણામ મે મહિનાના અંતિમ સપ્તાહમાં જાહેર થઈ શકે છે.
તમામ પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે. ધો.૧૦ અને ૧રમાં અંદાજે ૬૮ હજાર શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કામગીરી હાથ ધરાઈ છે. ઉત્તરવહી મૂલ્યાંકન માટે રાજયમાં ૩૬૩ કેન્દ્ર પર કામગીરી કરવામાં આવી હતી. ધો.૧ર સામાન્ય પ્રવાહ માટે ૧૪૪ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર ૩૦ હજાર શિક્ષકો દ્વારા ધો.૧ર સામાન્ય પ્રવાહની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.