ધોરણ ૧૨ની પૂરક પરીક્ષાનું પરિણામ અંતે જાહેર કરાયું
અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જુલાઈ ૨૦૨૨માં લેવાયેલી વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તેમજ સંસ્કૃત માધ્યમની પૂરક પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની ઓફિશિયલ વેબ સાઈટ www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે.
પરિણામ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટિ્વટ કરીને માહિતી આપી હતી કે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની જુલાઈ પૂરક ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૪ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ સવારે આઠ કલાકે બહાર પાડવામાં આવશે.
જુલાઇ મહિનામાં લેવામાં આવેલી વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા માટે ૧૪,૦૩૯ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી ૧૨,૨૫૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે ૪૧,૧૬૭ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી ૩૭,૪૫૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
જેમાંથી વિજ્ઞાન પ્રવાહમાં ૩,૫૮૮ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં પાસ થયા છે અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૨૯.૨૯ ટકા આવ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં ૨૩,૪૯૪ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં પાસ થયા છે અને સામાન્ય પ્રવાહનું પરિણામ ૬૨.૭૨ ટકા આવ્યું છે.
વિદ્યાર્થી બોર્ડ ઓફિશિયલ વેબસાઇટ પર જઇ તેઓનું પરિણામ પરીક્ષાનો સીટ નંબર એન્ટર કરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને એસઆર શાળાવાર મોકલવા અંગે હવે બાદમાં જાણ કરવામાં આવશે. અન્ય સુચનાઓ શાળા માટે પરિપત્ર રૂપે મોકલાવાશે.
અત્રે ઊલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૮ જુલાઈના રોજ સાયન્સ પ્રવાહની પરીક્ષા લેવાઈ હતી. એ જ રીતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૮થી ૨૦ જુલાઈની વચ્ચે કોમર્સ પ્રવાહ એટલે કે સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવાઈ હતી.
તમને જણાવી દઈએ કે એક કે બે વિષયમાં ફેલ થનારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં તે હેતુથી પૂરક પરીક્ષા લેવામાં આવે છે. પૂરક પરિક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ આગળ વધુ અભ્યાસ માટે ચાલુ સત્રમાં કોલેજ વગેરેમાં એડમિશન મેળવી શકે છે. કોલેજાેમાં એડમિશન પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.SS1MS