Western Times News

Gujarati News

ક્રાંતિકારી બિરસા મુંડાની પુણ્યતિથિને ઝઘડિયા તાલુકાના નેતાઓ ભુલી ગયા?

જનનાયક બિરસા મુંડાની પુણ્યતિથીએ પુષ્પાંજલીનો કોઈ કાર્યક્રમ નહિ થતાં આશ્ચર્ય સર્જાયું !

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાનો ઝઘડિયા તાલુકો અને આખો ઝઘડિયા વિધાનસભા વિસ્તાર ટ્રાઈબલ વિસ્તારમાં આવે છે.આજે દેશના મહાન ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની તરીકે અંગ્રેજોની સામે લડત આપનાર લોક નાયક એવા ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ હોઈ ઠેર ઠેર તેમની પ્રતિમાઓ પર પુષ્પાંજલી અર્પિત કરવાના કાર્યક્રમ થયા હશે.

પરંતુ ઝઘડિયા તાલુકામાં આજરોજ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનું રાજકીય નેતાઓ ભૂલી ગયા હોય તેમ લાગે છે!

લોકસભાની ચૂંટણીની હાર જીતના ગમ અને ખુશીમાં નેતાઓ જેને જાહેર મંચ પરથી ભગવાન તરીકે સંબોધે છે તેવા મહાન જનનાયક બિરસા મુંડાની પુણ્યતિથિએ તેમને પુષ્પાંજલી આપવાનું જ ભુલી ગયા હોય તે સ્પષ્ટ દેખાય રહ્યું છે.ઝઘડિયાના રાજપારડી સ્થિત બિરસા મુંડાજીની પ્રતિમા મૂકવા માટે રાજકીય પાર્ટીઓ વચ્ચે હોડ જામી હતી.આખરે ધારાસભ્યના હસ્તે બિરસા મુંડાજીની પ્રતિમાનું ગત વર્ષોમાં અનાવરણ કરવામાં આવ્યું હતું.

પરંતુ આજે બિરસા મુંડાજીની પુણ્યતિથિ નિમિત્તે તેમને પુષ્પાંજલી આપવાનું જ નેતાઓ ભૂલી ગયા હોય તેમ લાગે છે ! ઝઘડિયા તાલુકામાં એક પણ જાહેર કાર્યક્રમ તેમને પુષ્પાંજલિ આપવાનો થયો હોય તેવા કોઈ અહેવાલ મળ્યા નથી.

ત્યારે પોતાની સત્તા માટે આદિવાસી જનતાના મત લેવા ચુંટણી સમયે બિરસા મુંડાની જન્મ જયંતી અથવા પુણ્યતિથિએ હજારોનો ખર્ચો કરી કાર્યક્રમો કરતા રાજકીય પાર્ટીના આગેવાનો, આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આજરોજ બિરસા મુંડાની પુણ્યતિથિએ તેમને કેમ ભુલી ગયા ?!

આ બાબતે પ્રશ્ન સુચક આશ્ચર્ય લોકોમાં જોવા મળ્યું હતુ.મતોનું રાજકારણ ખેલતા નેતાઓ બિરસા મુંડાની પુણ્યતિથી નિમિત્તે કોઈ જાહેર કાર્યક્રમ કરવા કેમ આગળ ના આવ્યા? ત્યારે સવાલ એમ ઉભો થાય છેકે શું લોકસભા ચુંટણી ૨૦૨૪ નું પરિણામ એટલું માઠું આવ્યું છે કે જેને આપણે ભગવાન કહીને સંબોધન કરીએ છે તેને પણ ભૂલી જવાય? કે પછી રિઝલ્ટ એટલું સારુ આવ્યું છે કે રિઝલ્ટના મદમાં આપણે મગાન લોકનાયકને ભુલી જઈએ?

ઝઘડિયા તાલુકામાં આજની પૂણ્યતિથિએ આ લખાય છે ત્યાં સુધી કોઈ કાર્યક્રમ પુષ્પાંજલીનો થયો નથી,તેના પરથી ફલિત થાય છે કે નેતાઓ માટે આપણા મહાન પુરુષોનો ફક્ત અને ફક્ત મત બેંક તરીકે જ ઉપયોગ થાય છે!

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.