શટલ રિક્ષામાં મુસાફરી કરતાં હોવ તો ચેતી જજોઃ આવું પણ થઈ શકે છે
શટલ રિક્ષામાં ચોરી કરતી ગેંગનો સૂત્રધાર ઝડપાયો-રિક્ષાના માલિક અને પેસેન્જરના સ્વાંગમાં બેસી લૂંટ કરતા બે ઝડપાયા
અમદાવાદ, શહેરમાં બિલાડીના ટોપની જેમ શટલ રિક્ષાઓ ફૂટી નીકળી છે. રોજીરોટી કમાવવવા માટે લોકો શટલ રિક્ષા ચલાવતા હોય છે જેમાં કેટલાક લોકો એવા છે કે જે શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે પેસેન્જર્સના કિંમતી સરસામાનની ચોરી કરી લેતા હોય છે. શટલ રિક્ષામાં ચોરી કરતી ગેંગ પોલીસ માટે પણ માથાના દુઃખાવા સમાન બની ગઈ છે.
પેસેન્જર જ્યારે શટલ રિક્ષામાં બેસે ત્યારે ગઠિયા યેનકેનપ્રકારે રૂપિયા, દાગીના, મોબાઈલ સહિતની ચીજીવસ્તુઓ ચોરી લેતા હોય છે. શટલ રિક્ષામાં ચોરીના બનાવો ખૂબ વધી ગયા છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે શહેરમાં ઠેર-ઠેર લગાવેલા સીસીટીવી કેમેરાના આધારે હવે પોલીસને સફળતા મળી જાય છે. ગઈકાલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં શટલ રિક્ષામાં એક લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી જેમાં પોલીસ ગણતરીના કલાકોમાં આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે.
આણંદ જિલ્લાના ખંભાત ખાતેના અંબિકાનગરમાં રહેતા યોગેશ પટેલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં એક લાખ રૂપિયા ચોરીની ફરિયાદ કરી હતી. યોગેશ પટેલ કિંજલ ડ્રેસીસ નામની કપડાની દુકાન ધરાવીને ધંધો કરે છે અને સંયુક્ત પરિવારમાં રહે છે. થોડા દિવસ પહેલાં યોગેશ પટેલ કપડાની ખરીદી કરવા માટે ખંભાતથી અમદાવાદ હોલસેલ બજારમાં આવ્યા હતા.
યોગેશ પટેલ ગીતા મંદિર બસમાંથી ઉતર્યા હતા અને પાંચકૂવા રેવડી બજારમાં જવાનું હોવાથી રિક્ષાની રાહ જોઈને ઊભા હતા. એક રિક્ષા આવતા યોગેશ પટેલ રિક્ષામાં બેસી ગયા હતા જેમાં પહેલેથી બે શખ્સ પેસેન્જરના સ્વાંગમાં બેઠા હતા. યોગેશ પટેલે થેલો તેમની પાછળ મૂકી દીધો હતો અને ચાલક રિક્ષા ચલાવી જવા લાગ્યો હતો. થોડે દૂર જઈને રિક્ષાચાલકે એક પેસેન્જરને બેસાડયો હતો. રિક્ષા પાંચકૂવા તરફ જઈ રહી હતી ત્યારે ગઠિયાએ ચાલકને સિગ્નલ આપી દીધું હતું.
ચાલકે રિક્ષા સાઈડમાં ઊભી રાખી હતી અને યોગેશ પટેલને કહ્યું હતું કે, તમને બેસતા નહીં ફાવે. યોગેશ પટેલ કોઈ જવાબ આપે તે પહેલાં રિક્ષાચાલકે તેમને થેલો આપીને ઉતારી દીધા હતા અને ભાડું લીધા વગર ફરાર થઈ ગયો હતો. યોગેશ પટેલે થેલો ચેક કરતાં તેમાં મૂકેલા એક લાખ રૂપિયા ગાયબ હતા. યોગેશ પટેલને શંકા થઈ હતી કે રિક્ષાચાલક અને તેની ટોળકીએ રૂપિયાની ચોરી કરી છે.
યોગેશ પટેલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જેમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતની ટીમોએ ગીતા મંદિર અને આસપાસમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. સીસીટીવી ફૂટેજ દરમિયાન કાગડાપીઠ પોલીસે રિક્ષાચાલક ગેંગના એક સભ્યની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધા બાદ ગઈકાલે યોગેશ પટેલની ફરિયાદના આધારે ગુનો દાખલ થયો છે.
પોલીસે પચાસ હજાર રૂપિયા રિકવર કર્યા છે અને તેની ગેંગના બીજા સભ્યને શોધવા ચક્રોગતિમાન કર્યા છે. કાગડાપીઠ પોલીસે રિક્ષાના માલિક અને પેસેન્જરના સ્વાંગમાં બેસનારા વાજીદઅલી ઉર્ફે સાજીદ શેખની ધરપકડ કરી છે. વાજીદઅલી ચંડોળા તળાવના છાપરામાં રહે છે. વાજીદ સાથે શોએબ શેખ, અનસ ઉર્ફે અનુ વનુ અને કરીશ શેખ પણ ચોરી કરવામાં સંડોવાયેલા હતા.