Western Times News

Gujarati News

મ્યુનિ. સેન્ટ્રલ ઓફિસના કૌભાંડો પર ઢાંક પીછોડો કરવા શાસકો મેદાને પડ્યા

માનીતા અધિકારીઓને રક્ષણ આપવા તખ્તો ગોઠવાયો હોવાની ચર્ચા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બે મહિના અગાઉ ટેકનીકલ સુપરવાઈઝરની જગ્યાઓ ભરવામાં આવી છે જેમાં ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી હતી ત્યારબાદ લાયકાત મુજબ ભરતી કરવામાં આવી હોવાના દાવા થયા હતા. પરંતુ માત્ર બે મહિનામાં જ આ દાવા ખોટા સાબિત થયા છે અને ત્રણ ઉમેદવારોની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાની વિગતો બહાર આવી છે.

જેના માટે મ્યુનિ. સેન્ટ્રલ ઓફિસના એક કર્મચારી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ અહીં ચોંકાવનારી બાબત એ છે કે મ્યુનિ. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી ગંભીર ભુલ પર ઢાંક પીછોડો કરવા ભાજપના હોદ્દેદારો જાહેરમાં બહાર આવ્યા છે. જે કદાચ કોર્પોરેશનના ઈતિહાસની પ્રથમ ઘટના હશે તેમ માનવામાં આવે છે.

ડેપ્યુટી મ્યુનિ. કમિશનર આર્જવ શાહના જણાવ્યા મુજબ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એપ્રિલ મહિનામાં ૯૩ ટેકનીકલ સુપરવાઈઝરની જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી જેમાં ૧ર૩૭૭ અરજીઓ આવી હતી તેમાં ૧૦૧૮૯ ઉમેદવારોને માન્ય ગણવામાં આવ્યા હતા તથા ૧૮ ઓગસ્ટે તેની પરીક્ષા રાખવામાં આવી હતી જેમાં પ૯પપ ઉમેદવાર હાજર રહયા હતાં. અત્રે નોંધનીય છે કે પરીક્ષા સમયે પણ પેપર કે આન્સર સીટમાં ગરબડ થઈ હોવાના આક્ષેપ થયા હતાં

જે બાબતને મ્યુનિ. સેન્ટ્રલ ઓફિસ દ્વારા નકારવામાં આવી હતી ત્યારબાદ મેરીટના આધારે સ્ટાફ સીલેકશન કમિટી દ્વારા પ ઓકટોબરે ૯૩ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મ્યુનિ. કમિશનરને એક પત્ર મળ્યો હતો

જેમાં રીઝલ્ટ અને મેરીટના માર્કમાં ચેંડા કર્યાં હોવાની વિગતો લખવામાં આવી હતી જેના આધારે તપાસ કરતા સેન્ટ્રલ ઓફિસમાં હેડ કલાર્ક તરીકે ફરજ બજાવતા એક કર્મચારી પુલકિત સથવારાએ સમગ્ર કૌભાંડ કર્યું હોવાનું જાહેર થયું હતું તેથી તેને સસ્પેન્ડ કરી તેમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

મ્યુનિ. સેન્ટ્રલ ઓફિસ દ્વારા થયેલા છબરડા કે ગેરરીતિ બદલ કમિશનર દ્વારા વિગતો જાહેર કરવામાં આવે તેના બદલે મ્યુનિ. ભાજપના પાંચ હોદ્દેદારોએ ઘણા લાંબા સમય બાદ એક સાથે બેસીને પત્રકાર પરિષદને સંબોધી હતી અને તે સમયે તેઓ વારંવાર સેન્ટ્રલ ઓફિસના બદલે શાસક પક્ષની ભુલ હોય તેવા ભાવથી સંબોધન કરી રહયા હતાં. આ બાબત ઘણીબધી રીતે અજુગતી લાગી રહી છે.

કારણ કે ભુતકાળમાં એક મહિલા ડેપ્યુટી સેક્રેટરીના દસ્તાવેજો ખોટા હોવાનું સાબિત થયું હતું તેમજ આસિ. મ્યુનિ. કમિશનરની ભરતી સમયે પણ બે ત્રણ અધિકારીઓએ ખોટા દસ્તાવેજ આપ્યા હોવાનું સાબિત થયું હતું તેમ છતાં સેન્ટ્રલ ઓફિસ દ્વારા કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી તેમજ શાસક પક્ષ પણ આ મામલાથી દુર રહયો હતો તેમાં સીધી જવાબદારી મ્યુનિ. કમિશનરની રહે છે.

પરંતુ આ વખતે પાંચ હોદ્દેદારો એક સાથે આ મુદ્દે જાહેરમાં આવ્યા તેથી એવી ચર્ચા પણ ચાલી છે કે કોઈ એકાદ બે અધિકારીઓને બચાવવા માટે પરોક્ષ રીતે પ્રયાસ થઈ રહયા છે. જોકે મ્યુનિ. કોર્પોરેશનમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે નવી ભરતીમાં પરીક્ષાથી લઈ પોસ્ટીગ સુધીની તમામ બાબતો ત્રણ ચાર લોકો જ નકકી કરતા હોય છે તેથી આ મામલે તે પૈકીના એકાદ પણ દોષિત સાબિત થાય તો પત્તાના મહેલની જેમ બધું તૂટી પડે તેવી શક્યતાઓ પણ રહેલી છે.

અહીં એ બાબત પણ સ્પષ્ટ કરવી જરૂરી છે કે મ્યુનિ. કોર્પોરેશનના અન્ય વિભાગની જેમ સેન્ટ્રલ ઓફિસમાં પણ જીગ્નેશ મોદી સહિત ત્રણ અધિકારીઓ ઘણા લાંબા સમયથી ફરજ બજાવી રહયા છે અને તેની ટ્રાન્સફર થતી નથી. જેના કારણે મૃત વ્યક્તિના બદલીના ઓર્ડર આપવા જેવા છબરડાં પણ થતાં રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.