ઈંગ્લિશ વિંગ્લિશમાં શ્રીદેવીએ પહેરેલી સાડીની હરાજી કરાશે
મુંબઈ, વર્ષ ૨૦૧૨માં આવેલી ઈંગ્લિશ વિંગ્લિશનો સમાવેશ શ્રીદેવીની યાદગાર ફિલ્મોમાં થાય છે, આ ફિલ્મને ૧૦ ઓક્ટોબરે ૧૦ વર્ષ પૂરા થઈ જશે. આ દિવસની ઉજવણી કરવા અને તેને વધુ યાદગાર બનાવવા માટે ડિરેક્ટર ગૌરી શિંદે કંઈક અનોખું કરવા જઈ રહ્યા છે.
આ ફિલ્મના દરેક સીનમાં શ્રીદેવી ખૂબ જ સુંદર સાડીમાં દેખાયા હતા, જેની હરાજી થવા જઈ રહી છે. ગૌરી શિંદેએ ખુલાસો કર્યો હતો કે, ફિલ્મની ૧૦મી એનિવર્સરી પર મુંબઈના અંધેરી વિસ્તારમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવશે.
તેમણે તેમ પણ ઉમેર્યું હતું કે, શશિ ગોડબોલે તરીકે શ્રીદેવીએ પહેરેલી સાડીઓની હરાજી થશે અને તે રકમનો ઉપયોગ છોકરીઓના શિક્ષણ માટે કામ કરતાં એનજીઓને આપવામાં આવશે.
ગૌરી શિંદેએ ખુલાસો કર્યો હતો કે, આટલા વર્ષો સુધી તેમણે તે તમામ સાડીઓને પોતાની પાસે સંભાળીને રાખી છે. લાંબા સમયથી તેઓ તેની હરાજી કરવા માગતા હતા અને રકમ છોકરીઓના શિક્ષણ પાછળ ખર્ચવા ઈચ્છતા હતા, તેમ તેમણે ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
આશરે ૧૫ વર્ષ બાદ શ્રીદેવીએ ફિલ્મ ‘ઈંગ્વિશ વિંગ્લિશ’થી મોટા પડદા પર કમબેક કર્યું હતું. પોતાના માતાથી પ્રેરાઈને ગૌરી શિંદેએ ફિલ્મ લખી હતી. જેમાં આદિલ હુસૈન, ફ્રેન્ચ એક્ટર મેહદી નેબ્બુ તેમજ પ્રિયા આનંદ પણ હતા. આ સિવાય અમિતાભ બચ્ચન અને અજિત કુમારે અનુક્રમે હિંદી અને તેલુગુ વર્ઝનમાં સ્પેશિયલ કેમિયો કર્યો હતો. ફિલ્મને દર્શકો તેમજ ક્રિટિક્સ તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો.
શ્રીદેવીએ ચાર વર્ષની નાની વયે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ૧૯૭૬માં આવેલી તમિલ ફિલ્મથી એક્ટિંગની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે લીડ એક્ટ્રેસ તરીકે ઘણી સુપરહિટ ફિલ્મો આપી, જેમાં નગિના, ચાંદની, મિ. ઈન્ડિયા, જુદાઈ, લમ્હે, લાડલા, હીરરાંઝા, ખુદા ગવાહ, રુપ કી ચાંદની ચોરો કા રાજા તેમજ મેરા દુશ્મન સહિતનો સમાવેશ થાય છે. મનોરંજન ક્ષેત્રમાં પોતાનું મહત્વનું યોગદાન આપવા બદલ તેમને ૨૧૩માં પદ્મ શ્રીથી નવાજવામાં આવ્યા હતા.SS1MS