નકલી આધાર કાર્ડનો પણ ઉપયોગ કરી સીમ એક્ટીવેટ કરાવી ચાલી રહ્યુ હતું કૌભાંડ
મહાદેવ એપ કેસમાં ભારતના હેડ સહિત બેની ધરપકડ કરાઈ આરોપી અભય ભારતમાં આવેલી મહાદેવ બુક ગેમિંગ કંપનીની ઓફિસનો હેડ છેઃ સંજીવ તેનો પિતરાઈ ભાઈ છે
લખનૌ, ઉત્તર પ્રદેશ STFએ મહાદેવ ગેમિંગ એપ અને અન્ય બેટિંગ એપ દ્વારા અબજો રૂપિયાની છેતરપિંડી કરનારા ગેંગના બે આરોપીઓની લખનઉથી ધરપકડ કરી છે. આ સાથે આરોપીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. બંને આરોપીનું નામ અભય સિંહ અને સંજીવ સિંહ છે.
પકડાયેલો આરોપી અભય ભારતમાં આવેલી મહાદેવ બુક ગેમિંગ કંપનીની ઓફિસનો હેડ છે. જ્યારે સંજીવ તેનો પિતરાઈ ભાઈ છે. સંજીવ દુબઈથી એપનું નેટવર્ક ચલાવતો હતો. આરોપીઓ વોટ્સએપ અને ટેલીગ્રામનો ઉપયોગ કરવા કોર્પોરેટ સિમકાર્ડને પોર્ટ કરાવી દુબઈ મોકલતા હતા. આ ઉપરાંત આ સિમકાર્ડ માટે તેઓ નકલી દસ્તાવેજો ઉપયોગ કરતા હોવાનો પણ ખુલાસો થયો છે.
અભયે પૂછપરછમાં કહ્યું કે, ‘મારી માસીનો દિકરો અભિષેક સિંહ દુબઈમાં રહે છે. તેણે જ મને ફોન કરીને કહ્યું કે, તારે તારા વિસ્તારના ગરીબ અને અભણ લોકોના નામે સીમકાર્ડ ખરીદવાના છે અને તેના બદલે તને ૨૫,૦૦૦ પગાર મળશે. આ ઉપરાંત પ્રતિ સિમકાર્ડ દીઠ રૂપિયા ૫૦૦ પણ મળશે. તારે સિમકાર્ડને અન્ય કંપનીમાં પોર્ટ કરવાના છે.’
તેણે કહ્યું કે, ‘અભિષેક સાથે વાત થયા બાદ મેં મારા ગામની આસપાસના લોકોના નામ પર સિમકાર્ડ પોર્ટ કરવાનું કામ શરૂ કર્યું હતું. હું દરેક સિમકાર્ડનો યુપીસી કોડ ચેતન જોશીને આપતો હતો. ચેતન અભિષેક સાથે કામ કરતો અને છત્તીસગઢના ભિલાઈનો હતો. હું લગભગ એક મહિનામાં ૩૦થી ૩૫ સિમકાર્ડ એક્ટિવ કરાવી દેતો હતો.’
આરોપી અભયે કહ્યું કે, ‘જાન્યુઆરી-૨૦૨૩માં મારી સેલેરી ૨૫૦૦૦થી વધારી ૭૫૦૦૦ કરાઈ હતી અને મને કોર્પોરેટ સિમકાર્ડ (પોસ્ટપેડ સિમ)નું પણ કામ સોંપાયું હતું. મેં આ સિમકાર્ડના KYC માટે નકલી દસ્તાવેજો બનાવ્યા હતા અને પછી નકલી કંપની રજિસ્ટર્ડ કરવાનું કામ શરૂ કર્યું હતું. આ માટે હું અને ચેતન કેટલીક કંપનીના ડોક્યુમેન્ટ અને નકલી આધાર કાર્ડનો પણ ઉપયોગ કરતા હતા. આ સિમકાર્ડ એક્ટિવ થયા બાદ અને સિમ દીઠ ૨૦૦૦ રૂપિયા મળતા હતા. આ તમામ કામનું સુપરવિઝન પિન્ટુ નામનો વ્યક્તિ હતો. અમે મહિનામાં લગભગ ૧૫૦થી ૨૦૦ સીમકાર્ડ એક્ટિવ કરાવી દુબઈ મોકલતા હતા.’
ઉલ્લેખનિય છે કે, વિવિધ એજન્સીઓ દ્વારા મહાદેવ બેટિંગ એપ કેસમાં થયેલા કૌભાંડની તપાસ ચાલી રહી છે. આરોપીઓની કંપનીમાં કામ કરવા માટે લગભગ ૧૦થી ૧૨ હજાર કર્મચારીઓ ભારતથી દુબઈ ગયા છે અને તેઓ ગેમિંગ એપના બેંક એકાઉન્ટ, વોટ્સએપ-ટેલીગ્રામ એકાઉન્ટ અન્ય અન્ય સર્વિસનું કામ કરે છે.
લખનઉ એસટીએફે કહ્યું કે, ‘આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલ ઈલેક્ટ્રોનિક ઉપકરણોનું ફોરેન્સિંગ ટેસ્ટિંગ કરાવાશે. હાલ આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ હ્લૈંઇ નોંધવામાં આવી છે.’