લાંભામાં કેમિકલયુક્ત પાણી છોડતી ફેકટરીના સીલ ગણતરીના કલાકોમાં ખુલી ગયા
બી.યુ.અને ફાયર એન.ઓ. સી. ના હોવા છતાં આસી. કમિશનરે સીલ ખોલવાની મંજુરી આપી
આસી. કમિશનર પાસે બી.યુ. અંગે માહિતી નથી: મોટો વહીવટ થયો હોવાની ચર્ચા
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, સાબરમતી નદીમાં બેરકટોક છોડવામાં આવતા કેમિકલયુક્ત પ્રદુષિત પાણી મામલે હાઇકોર્ટે માં જાહેરહિતની અરજી થઈ છે. હાઇકોર્ટે દ્વારા આ મામલે ગંભીર નોંધ લેવામાં આવી છે તેમજ દરેક મુદતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને આડા હાથે લેવામાં આવે છે. જેના કારણે મ્યુનિસિપલ કમિશનરે ખાસ ટાસ્ક ફોર્સની રચના કરી છે.
જેમાં પ્રદુષિત પાણી છોડતા તેમજ બી.યુ. પરમીશન અને ફાયર એન.ઓ.સી.ના હોય તેવા તમામ ઔદ્યોગિક એકમોને સીલ કરવામાં આવી રહ્યા છે અને તેને ખોલવાની મંજુરી આપવામાં આવી નથી. પરંતુ લાંભા વોર્ડમાં આ મુદ્દે ઉલ્ટીગંગા વહી રહી છે. તેમજ સીલ કરવામાં આવેલા યુનિટ ને ગણતરીના દિવસોમાં જ ખોલવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
આ સમગ્ર ઘટના અંગે વોર્ડમાં થતી ચર્ચા મુજબ લાંભા વોર્ડના એક કોર્પોરેટરે ગુપ્તા સિન્થેટિક નામની કામની કેમિકલયુક્ત પાણી છોડી રહી હોવાની ફરિયાદ કરી હતી. જેના પગલે વોર્ડ લેવલથી કાર્યવાહી કરવામાં આવી હતી અને ઝોન લેવલથી સેમ્પલ લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા. પરંતુ સેમ્પલના પરીક્ષણ જાહેર થાય તે પહેલા જ અગમ્ય કારણોસર ફેકટરી ને રૂ.2 લાખનો દંડ કરી સીલ ખોલવામાં આવ્યા હતા.
જેના માટે ફરિયાદ કરનાર કોર્પોરેટર અને વોર્ડના એક અધિકારીની ભૂમિકા વિવાદાસ્પદ હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.મ્યુનિ.કોર્પોરેશન ઘ્વારા સેમ્પલના પરીક્ષણ ઝોન લેવલે સમયસર મોકલી આપવામાં આવ્યા હતા પરંતુ ફરિયાદી કોર્પોરેટર અને વોર્ડના ઉચ્ચ અધિકારીના દબાણવશ આ રીપોર્ટ જાહેર કરવામાં આવ્યા નથી. દક્ષિણઝોનના સુત્રોનું માની એ તો રિપોર્ટમાં વરસાદી પાણીમાં કેમીકલ છોડવામાં આવ્યું છે. પરંતુ અધિકારીઓ પી.એચ. બરાબર હોવાનું રટણ કરે છે.
આ મામલે લાંભા વોર્ડના આસી.કમિશનરનો સંપર્ક કરતા તેમણે પી.એચ.બરાબર હોવાથી સીલ ખોલવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. પરંતુ ગુપ્તા સિન્થેટિક નામના યુનિટ પાસે બી.યુ.પરમિશન અને ફાયર એન.ઓ.સી.છે કે કેમ? તેવો પ્રશ્ન પૂછતાં તેમને મને ખબર નથી અને તપાસ કરવી પડશે તેવો જવાબ આપ્યો હતો. જો આસી.કમિશનર પાસે બી.યુ.અને ફાયર એન.ઓ.સી.મામલે કોઈ જ માહિતી નથી તો પછી તેમણે સીલ ખોલવા માટે પરવાનગી કેવી રીતે આપી?
તેમજ કમિશનરે જાહેર કરેલી એસઓપી.મુજબ બી.યુ અંગે ની જવાબદારી આસી.કમિશનર ની હોય છે. હવે, આ કિસ્સામાં આસી.કમિશનર ને જ આ અંગે માહિતી નથી તો પછી વોર્ડનો વહીવટ કેવી રીતે ચાલતો હશે તે યક્ષ પ્રશ્ન છે.