નાના કર્મચારીઓને નોટિસ આપી રોફ જમાવતા ઉચ્ચ અધિકારીઓ મોટા માથા સામે વામણા પુરવાર થયા
છેલ્લા બે વર્ષમાં અંદાજે 400 જેટલી શો-કોઝ નોટિસ AMC કર્મચારીઓને આપવામાં આવી છે જે પૈકી મોટાભાગની નોટિસ નજીવા કારણોસર આપવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં સસ્તી બની શો-કોઝ નોટિસ : એક વર્ષમાં જ 293 નોટિસ ઇસ્યુ થઈ
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારીઓને નોટિસ આપવા કે સજા કરવાના કોઈ જ ધારા ધોરણ હોય તેમ લાગી રહ્યું નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જેટલા વર્કિંગ દિવસ છે તેના કરતાં વધારે શો-કોઝ નોટિસ એક વર્ષમાં ઇસ્યુ થઈ રહી છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સાવ નજીવા કારણોસર પર કર્મચારીઓને આપવામાં આવતી હોય જેના કારણે કર્મચારીઓના માનસિક મનોબળ પણ તૂટી ગયા છે.
સામાન્ય રીતે કોઈ કર્મચારી ફરજ ઉપર કરી દાખવે તેવા સંજોગોમાં વહીવટી તંત્રના વડા દ્વારા કારણદર્શક નોટિસ આપવામાં આવતી હોય છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કારણદર્શક નોટિસ આપવા માટે કોઈ જ કારણોની જરૂર પડતી નથી. જેના કારણે જ છેલ્લા બે વર્ષમાં અંદાજે 400 જેટલી શો-કોઝ નોટિસ કર્મચારીઓને આપવામાં આવી છે જે પૈકી મોટાભાગની નોટિસ નજીવા કારણોસર આપવામાં આવી છે.
ફરજ પર સતત ગેરહાજર રહેનાર કર્મચારીઓને નોટિસ આપવામાં આવે ત્યાં સુધી બરાબર છે પરંતુ રીવ્યુ મિટિંગમાં કોઈ ઝોનમાં 5 ફુવારા બંધ રહેવા બદલ સીધા એડિશનલ ઈજનેર ને નોટિસ આપવામાં તે બાબત ચર્ચા નો વિષય બની છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર તે સમયે જાહેર રોડ પર દબાણ કે સફાઈના કારણોસર પણ શો-કોઝ નોટિસ પણ આપવામાં આવી છે.
25 ઓગસ્ટ 2022 ના દિવસે મ્યુનિસિપલ કમિશનર દક્ષિણઝોન ના રાઉન્ડ ઉપર નીકળ્યા હતા તે સમયે મણિનગર તથા દાણીલીમડા વોર્ડમાં કચરો અને ગંદકી જોવા મળ્યા હતા જે કારણોસર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને નોટિસ ફટકારી હતી સામાન્ય રીતે આ મામલે ઝોનના ડે. ડાયરેક્ટર ને જવાબદાર માનવામાં આવે છે.જ્યારે ગેરકાયદેસર દબાણો દબાણો બદલ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ને પણ નોટીસ આપી હતી.
છેલ્લા બે વર્ષમાં ફરજ પર સતત ગેરહાજર રહેનાર ૪૦ જેટલા કર્મચારીઓને શો-કોઝ આપવામાં આવી છે જ્યારે ચૂંટણી પ્રચાર કરી આચાર સહિતા નું ભંગ થવા બદલ ચાર કર્મચારીઓને નોટિસ આપી વિજિલન્સ તપાસ સોંપવામાં આવી છે.
દરિયાપુર મસ્ટર સ્ટેશન ના રીનોવેશન કામમાં યોગ્ય સુપરવિઝન ન કરવા બદલ પણ ચાર કર્મચારીઓને શો-કોઝ આપવામાં આવી છે પરંતુ નવા બિલ્ડીંગ કે બ્રિજમાં તિરાડો પડે ત્યારે કાર્યવાહી થતી નથી.દક્ષિણ ઝોન ટેક્સ ખાતામાં ઘોડાસર ખાતે ચતુર વર્ષીય આકારણીમાં ગેરરીતિના આરોપ બદલ ત્રણ અધિકારીઓને નોટિસ આપી છે.પરંતુ મોટી કંપનીઓના ટેક્ષમાં ગોલમાલ કરનાર કે અંડર ગ્રાઉન્ડ યુટીલિટી માં સેલ્ફની આકારણી કરનાર અધિકારીઓ સામે કાર્યવાહી થતી નથી
મ્યુનિસિપલ સેન્ટ્રલ ઓફિસ દ્વારા સિક્યુરિટી સેવા સંબંધિત કરવામાં આવેલા સર્ક્યુલર નો યોગ્ય રીતે અમલ ન કરવા બદલ 32 કર્મચારીઓને નોટિસ આપી છે. પરંતુ સિક્યોરિટી ટેન્ડરની શરતો નો યોગ્ય અમલ થતો ન હોવા છતાં સેન્ટ્રલ ઓફિસના કે સિક્યુરિટી વિભાગના ઉચ્ચ અધિકારી સામે કોઈ જ કાર્યવાહી થતી નથી. મ્યુનિસિપલ કમિશનર દ્વારા નાના કારણોસર નાના કર્મચારીઓને નોટિસ આપવામાં આવે છે
પરંતુ જ્યાં મોટા પાય ગેરરીતી થતી હોય તેની સામે આંખ આડા કાન થઈ રહ્યા છે થોડા સમય પહેલા જ વસ્ત્રાલ વિસ્તારમાં રોડ તૂટવા બદલ કોઈની સામે કાર્યવાહી થઈ નથી આવા અનેક ઉદાહરણો છે કે જેમાં રાજકીય ઓથ હોય તેવા કર્મચારીઓના કૌભાંડ મામલે ઢાંકપિછોળો કરવામાં આવે છે જ્યારે નાના કર્મચારીઓને નદીવા કારણોસર નોટિસ આપવામાં આવે છે આ જોતા એમ લાગી રહ્યું છે કે કોર્પોરેશનમાં શો કોઝ નોટિસ આપવા માટે કોઈ ધારા ધોરણ રહ્યા નથી અને શો-કોઝ ને સસ્તી કરવામાં આવી છે.