સુરતમાં આપઘાતનો સિલસિલો અવિરત, વધુ બે જિંદગી હોમાઈ

સુરત, સુરત શહેરમાં આવેલા કાપોદ્રા વિસ્તારની સ્નેહમુદ્રા સોસાયટીમાં રહેતા રત્નકલાકારે લગ્નના છ મહિનામાં એસિડ પી આપઘાત કરી લીધો હતો. યુવકે બેકારીના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
ગીર સોમનાથના વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલી સ્નેહમુદ્રા સોસાયટીમાં ૩૦ વર્ષીય અજીત જોદુભાઈ ગોહિલ પત્ની સહિતના પરિવાર સાથે રહેતા હતા. અજીત ગોહિલના છ મહિના પહેલા જ લગ્ન થયા હતા. તે રત્નકલાકાર તરીકે નોકરી કરતા હતા પરંતુ હાલ હીરામાં મંદીને કારણે તેમની નોકરી છૂટી ગઈ હતી.
બેકારીના કારણે અજીતભાઈએ તા.૧૦મી એપ્રિલે રાત્રે વરાછા વર્ષા સોસાયટી ખાતે એસિડ પી લીધું હતું. સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન આજે બપોરે તેમનું મોત નિપજ્યું હતું.શહેરના ઉમરા વિસ્તારમાં આવેલા હળપતિવાસમાં ૨૫ વર્ષીય સીમા શૈલેષભાઈ રાઠોડ માતા અને બે બહેનો સાથે રહેતી હતી. સીમા બ્યુટી પાર્લરમાં નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરતી હતી.
પ્રેમી શૈલેષ વારવાર સીમાને તેની સાથે રહેવા માટે દબાણ કરતો હતો. ગઈકાલે મંગળવારે બ્યુટી પાર્લરમાં રજા હોવાથી સીમા પોતાના ઘરે હતી. તેનો પ્રેમી શૈલેષ ત્યાં ઘરે ગયો હતો. જ્યાં ફરી સાથે રહેવા બાબતે દબાણ કરતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો.
શૈલેશે ઉશ્કેરાટમાં આવી પોતાની હાથની નસ કાપી નાખતા સીમા ગભરાઈ ગઈ હતી અને સારવાર માટે નવી સિવિલ લઈને આવી હતી. શૈલેષને દાખલ કરીને ઘરે જઈ સીમાએ છતની એંગલ સાથે વાયર બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.SS1MS