ચાણસોલમાં ભેખડમાંથી માથાથી અલગ થયેલું આધેડનું ધડ મળી આવતા ચકચાર
ખેતરની જમીન સમતળ કરવાની કામગીરી વખતે ઘટના ઘટી
મહેસાણા, ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામની સીમમાં જેસીબીથી જમીનની માટી ઉતારતા ભેખડ ધસી પડતાં તેમાં એક આધેડ દટાયો હતો જેસીબીથી તાબડતોબ દટાયેલા આધેડને બહાર કાઢવા કરાયેલા પ્રયાસ બાદ માથાથી અલગ થયેલું તેનું ધડ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાને પગલે સરપંચ સહિત ગ્રામજનો અને પોલીસ સ્થળે દોડી આવી હતી ખેરાલુ પોલીસે ઉપરોકત ઘટના અંગે અકસ્માત મોત અંગેની નોંધ કરી તમામ દિશામાં તપાસ હાથ ધરી છે.
ખેરાલુના ચાણસોલ ગામની સીમમાં આવેલા ખેતરની પાસે જમીન સમતળ કરવા જેસીબી દ્વારા મોડી સાંજે માટી ઉતારવાની કામગીરી ચાલી રહી હતી દરમિયાન નિર્દેશ આપવા નજીકમાં ઉભેલા આધેડ વયના જમીન માલિક ભરતસિંહ રાણા અચાનક ભેખડ ધસી પડતાં તેઓ દટાયા હતા.
આ ઘટનાથી હેબતાઈ ગયેલ જેસીબીના ચાલકે ભેખડમાં દટાયેલા આધેડને કાઢવા જેસીબીથી પ્રયાસ કર્યો હતો આ પ્રયાસમાં આધેડની લાશ માથાથી ધડ અલગ થયેલ હાલતમાં મળી આવતા ચાલક ત્યાંથી ભાગી ગયો હતો.
ઉપરોકત ઘટનાની જાણ ગામના આગેવાનોને થતાં તેઓ સ્થળ પર દોડ આવ્યા અને પોલીસને જાણ કરી હતી પોલીસે મૃતક આધેડની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી મૃતકના પરિવારને ઘટનાની જાણ થતાં શોકાતુર બન્યા હતા. ખેરાલુ પોલીસે ઉપરોકત ઘટના અંગે અકસ્માત મોતની નોંધ કરી તમામ દિશામાં તપાસ હાથ ધરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ચાણસોલની ચોંકાવનારી ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.