મણિપુરમાં સ્થિતિ પોલીસના નિયંત્રણ બહાર છેઃ સુપ્રીમ કોર્ટ

(એજન્સી)નવી દિલ્હી, મણિપુરમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી હિંસક ઘટનાઓ અંગે સુપ્રીમ કોર્ટે ફરી સુનાવણી કરી હતી. અત્યાર સુધીની સુનાવણીમાં કોર્ટે સરકારને કરવામાં આવેલ કાર્યવાહી અંગે સવાલ પૂછ્યા હતા.
ત્યારબાદ આજે કરવામાં આવેલ સુનાવણીમાં સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, તે સ્પષ્ટ છે કે સ્થિતિ રાજ્ય પોલીસના નિયંત્રણની બહાર છે. પોલીસ પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકી નથી. મેથી જુલાઈ સુધી કાયદો અને વ્યવસ્થા સ્થગિત થયેલી છે.
ગઈકાલે કરવામાં આવેલ સુનવણીમાં કોર્ટે સરકારને પૂછ્યું કે, ૪ મેના રોજ બે મહિલાઓની નગ્ન પરેડ કરવામાં આવી તેના પર ૧૪ દિવસ પછી ૧૮ મેના રોજ એફઆઈઆર કેમ નોંધવામાં આવી ત્યાં સુધી કોઈ કાર્યવાહી પોલીસે કેમ ન કરી? કોર્ટે એવો પણ સવાલ કર્યો હતો કે, અત્યાર સુધી નોંધાયેલા ૬૦૦૦ કેસમાંથી કેટલા કેસ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સાથે જાેડાયેલા છે.
તુષાર મહેતાએ કહ્યું કે, આ મામલે અમને વધુ તપાસ માટે શુક્રવાર સુધીનો સમય આપવામાં આવે. અમને રાજ્યના અધિકારીઓ સાથે ચર્ચા કરવાનો પણ સમય મળ્યો નથી. આ દરમિયાન એટર્ની જનરલ વેંકટરામણીએ કહ્યું કે, આ સમયે પણ રાજ્યમાં સ્થિતિ ગંભીર છે. કોર્ટમાં સામા પક્ષે કહેલી વાતોની ત્યાં પણ અસર થશે.